Lifestyle: આજના સમયમાં દોડધામભરી જીવનશૈલીના કારણે આહાર તથા જીવનશૈલીમાં આવેલા પરિવર્તનથી વજન વધવાની સમસ્યા ઘણી સામાન્ય બની ગઇ છે. જો કે, વજન વધવા (Increase in Weight)ના દરેક કિસ્સામાં, કેવળ વધુપડતો ખોરાક અથવા શારીરિક પ્રવૃત્તિની કમી જવાબદાર નથી હોતી પરંતુ, ઘણીવાર અંતસ્ત્રાવોનું અસંતુલન (Hormonal Imbalance) પણ એમાં પ્રમુખ ભૂમિકા ભજવે છે અને જો સમયસર જાણ થઇ જાય તો એને આસાનીથી કંટ્રોલ (Control) કરી શકાય છે. લેપ્રોસ્કોપિક અને રોબોટિક સર્જરીના નિષ્ણાત તબીબ (Leproscopic and Robotic Surgeon) પાસેથી જાણીએ એના પ્રારંભિક લક્ષણો અને નિયંત્રણ વિશે…

ડૉક્ટરના જણાવ્યાનુસાર, વજન વધવાના સૌથી સામાન્ય કારણો પૈકીનું એક કારણ છે, હાઇપોથાયરાયડિઝ્મ! જ્યારે થાયરોઇડ ગ્રંથિ (Thyroid Gland) સક્રિય બની જાય છે ત્યારે શરીરનું મેટાબોલિઝમ ધીમુ પડી જાય છે. એના લીધે શરીરમાં વજન વધવુ, થાક લાગવો, કબજિયાત અને સુસ્તી જેવા લક્ષણો જણાય છે, પછી ભલે ને તમારા ડાયેટ કે ફિઝિકલ એક્ટિવિટીમાં કોઇ જાતનો બદલાવ ન થયો હોય! આ પ્રમાણે, પિટ્યૂટરી ગ્રંથિ (Pituitary Gland)માં ગરબડ થવાથી હોર્મોન્સનુ સંતુલન ખોરવાઇ શકે છે કારણ કે, પિટ્યૂટરી ગ્રંથિ શરીરના ઘણા બધા જરુરી કાર્યોને કંટ્રોલ કરવા માટે જવાબદાર હોય છે. એમાં કોઈ પણ પ્રકારની સમસ્યા જેવી કે, ટયુમર વગેરે થવાથી પણ ચહેરા અને પેટની આસપાસ અચાનક ચરબી જમા થાય છે અને પરિણામે વજન વધી શકે છે.
પીસીઓએસ(PCOS) અર્થાત્ પૉલીસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ માં ખાસ કરીને, મહિલાઓમાં વજન વધવાનું એક પ્રમુખ કારણ હોર્મોનલ અસંતુલન હોઇ શકે છે. જો કે, પીસીઓએસ (PCOS) અને વજન વૃદ્ધિનો સંબંધ ઘણો ગાઢ હોય છે. આવી પરિસ્થિતિમાં, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઉદ્ભવે એ સામાન્ય બાબત છે જેને કારણે, શરીર માટે શુગર કંટ્રોલ (Sugar Control) કરવાનું કઠિન બની જાય છે અને ચરબી (Fat)ને સંગ્રહિત કરવાનું આસાન બને છે. એવા ઘણા કિસ્સાઓ જોવા મળ્યાં છે કે, જેમાં પહેલા વજન વધે છે અને પછી પીસીઓએસ વિકસિત થાય છે. એકવાર પીસીઓએસ વિકસિત થઇ જાય પછી, હોર્મોનલ અસંતુલનના કારણે વજન ઓછું કરવાનું વધારે પડકારજનક અને કઠિન બની જાય છે. આ ફક્ત લાઇફસ્ટાઇલ સાથે જ નહિં પણ હોર્મોન સાથે ગાઢ રીતે સંકળાયેલી પરિસ્થિતિ દર્શાવે છે.
જો કોઇ ખાસ કારણ વિના જ તમને વજન વધતુ જણાય અને ખાસ કરીને, મહિલાઓમાં અનિયમિત પીરિયડ્સ, વાળ ખરવા, થાક લાગવો કે પછી મૂડ સ્વિંગ્સ (Mood Swings) જેવા લક્ષણો જણાય તો, હોર્મોન્સની તપાસ કરાવવી જરુરી બને છે. સામાન્ય બ્લડ ટેસ્ટ દ્વારા થાયરોઇડ, ઇન્સ્યુલિન અથવા પિટ્યૂટરી ગ્રંથિ સાથે જોડાયેલી સમસ્યાઓની જાણકારી મેળવી શકાય છે.

આહાર પર ધ્યાન આપો
વજન ઘટાડવા માટે સૌથી જરુરી છે સંતુલિત આહાર (Balanced Diet) લેવો! હોર્મોનલ અસંતુલનની સમસ્યાને નિયંત્રણમાં રાખવા માટે ફાઇબરયુક્ત ખોરાકનું સેવન કરવું ઘણું લાભદાયક સિદ્ધ થાય છે. બહારના પ્રોસેસ્ડ ફૂડ્સ, શુગર અને ટ્રાન્સ ફેટ ધરાવતા આહારનું સેવન કરવામાં કંટ્રોલ રાખવો જોઇએ.
વ્યાયામ કરો
વજન ઘટાડવા માટે નિયમિત એક્સરસાઇઝ (Exercise) કરવી ખૂબ જરુરી છે. વ્યાયામને તમારી દિનચર્યા (Daily Routine)નો ભાગ બનાવવાથી હોર્મોનલ અસંતુલનની સમસ્યાઓથી ઘણા અંશે રાહત મળે છે. આ સંજોગોમાં કાર્ડિયો એક્સરસાઇઝ (Cardio Exercise) જેમ કે દોડવું, સાઇકલિંગ અને સ્વિમિંગ કરવાથી કેલરીનું દહન થાય છે અને હોર્મોનલ અસંતુલનમાં સુધારો થતા એ સુવ્યવસ્થિત થાય છે.
પર્યાપ્ત નિંદ્રા
અંતસ્ત્રાવોના અસંતુલનની સમસ્યાથી હેરાન-પરેશાન લોકોએ પોતાની ઊંઘ (Sleep)નુ ખાસ ધ્યાન રાખવું જોઇએ. નિંદ્રાની કમીથી શરીરમાં કોર્ટિસોલ હોર્મોન (Cortisol Hormone) નું લૅવલ વધી શકે છે, જેથી ભૂખ વધે છે અને પરિણામે વજનમાં પણ વધારો થાય છે. દરરોજ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની સારી ઊંઘ લેવી ખૂબ જરુરી છે.
આ પણ વાંચો:ચરબી ઘટાડવાની સારવારની ભ્રામક જાહેરાતોને લઈને ગ્રાહક સુરક્ષા સંસ્થા દ્વારા VLCC ને ₹3 લાખનો દંડ
આ પણ વાંચો:ઉપવાસમાં બનાવો સાબુદાણા મોમોઝ, આ છે હેલ્ધી નાસ્તાનો ઑપ્શન…
