Tapi News : તાપીમાં હોસ્ટેલની એક વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઈ લઈને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આંબાપાણી ગામમાં આ દુખદ ઘટના બની હતી. જેમાં વનવાસી માધ્યમિક ઉચ્ચતર શાળાની હોસ્ટેલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોતાના ઘરે નાયલોનની દોરી વડે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ભારે ચકચાર જગાવી છે.
આ આત્મહત્યા પાછળનું કારણ 9 જુલાઈ, 2025 ના રોજ નોંધાયેલી એક છેડતીની ગંભીર ફરિયાદ હોવાનું સામે આવ્યું છે. ભોગ બનનાર વિદ્યાર્થિની સહિત શાળાની અન્ય વિદ્યાર્થિનીઓએ શાળાના બે રસોઈયા, રમેશભાઈ અને ધીરુભાઈ વિરુદ્ધ છેડતી કરી હોવાની પોલીસ ફરિયાદ કરવા ગઈ હતી અને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.મૃતક વિદ્યાર્થિની 17 વર્ષની હતી અને 12મા ધોરણમાં ભણતી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, છેડતીના આ પ્રકરણમાં મૃતક દીકરી પર જ ઊલટા ચોર કોટવાલને દંડે તે મુજબના આરોપો મૂકવામાં આવ્યા હતા.
પરિવારે પોલીસની કાર્યવાહી પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે, તેમનો આરોપ છે કે પોલીસે છેડતી કરનાર રસોઈયાઓ સામે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી, જેના કારણે ગુનેગારોને છૂટો દોર મળ્યો.વધુમાં, પરિવારે ખુલાસો કર્યો છે કે આત્મહત્યાની ઘટનાની આગલી રાત્રે, છેડતીના આરોપી રસોઈયાઓ ગામમાં આવ્યા હતા અને વિદ્યાર્થિનીના પિતા સાથે વાતચીત કરી હતી. પરિવારનું કહેવું છે કે, આ રસોઈયાઓ દ્વારા વિદ્યાર્થિની પર સતત દબાણ લાવવામાં આવી રહ્યું હતું. એટલું જ નહીં, હોસ્ટેલમાં પણ તેના પર વિવિધ પ્રકારે દબાણ કરવામાં આવતું હતું.
પરિવારજનોના મતે, આ સતત દબાણ અને કદાચ ન્યાય ન મળવાની નિરાશાને કારણે જ વિદ્યાર્થિનીએ આ આત્મઘાતી પગલું ભરવા મજબૂર બની હતી. આ ઘટનાએ ન માત્ર સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસની કામગીરી પર પ્રશ્નાર્થ ઊભા કર્યા છે.કોકિલાબેન ગામિત (વિદ્યાર્થિનીના મોટી મમ્મી)એ જણાવ્યું કે, મે સવારમાં દીકરીને ફોનમાં પૂછયું કે શું થયું છે, આ તારુ નામ વધારે કેમ ઉંચકાય છે, તો શું થયું છે? તો મને કહ્યું કે, મોટી મમ્મી… હું ઘેલી છું… મે કંઈ કર્યું નથી, તોય મારુ નામ આવ્યું છે. એમ છોકરીએ કીધું. મે એને સમજાવીને પૂછયું પણ એ કંઈ મને બોલી જ નહીં. આ છોકરીએ હોસ્ટેલમાં દબાણથી આત્મહત્યા કરી છે. કંઈ ઘટના બનેલ છે ત્યારે જ આ પગલું ભર્યું છે.દાબ દબાણ હોવાથી દીકરીએ પ્રેશરમાં આવી આત્મહત્યા કરી – વિવેક (મૃતકના મામાના છોકરા)
જ્યારે પરિવારજન વિવેક (મૃતકના મામાના છોકરા)નું કહેવું છે કે, આરોપીઓ ગઈકાલે સાંજે 8 કલાકે દીકરીના ઘરે આવીને કોઈ દાબ દબાણ આપવાનું હોવાથી દીકરીએ પ્રેશરમાં આવી આત્મહત્યા કરી છે.જ્યારે સ્થાનિક રહેવાસી ઋત્વિક કોંકણીએ જણાવ્યું કે, જે આશ્રમ શાળામાં કામ કરતા રસોયા ધીરુ અને રમેશ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે, પરંતુ પોલીસે એનો ખુલ્લો કેમ મૂકી રાખ્યો છે. જ્યારે આ બનાવ બાદ છોકરી પર દાબ દબાણ અને ધમકીઓ આપી હશે, ત્યારે જ આ છોકરીએ આ પગલું ભર્યું હશે. પોલીસે પણ આ બાબતે પગલું ભરવું જોઈએ અને પોલીસના કારણે જ આરોપીઓ છૂટા ફરે છે.
પોલીસે હાલ વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનોના આરોપો અને છેડતીના પ્રકરણની સઘન તપાસ થાય તે અત્યંત જરૂરી છે. પરંતુ શાળાઓમાં વિદ્યાર્થિનીઓની સલામતી અને સુરક્ષા અંગે પણ ગંભીર ચિંતાઓ જન્માવી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં મિત્રએ જ મિત્રની કરી હત્યા, સમાધાનને બહાને બોલાવી ગળે અસ્ત્રો મારી દીધો
આ પણ વાંચો:અમદાવાદમાં બોક્સ ક્રિકેટ પર નિયમોનો શરૂ,સુરતની દુર્ઘટના બાદ AMCએ તૈયાર કરી ડ્રાફ્ટ પોલિસી
આ પણ વાંચો:અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ વધુ તીવ્ર, AAIB એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રાથમિક અહેવાલ સોંપ્યો
