poem/ હું સમજું તો ય ઘણું….! – નિલેશ ધોળકિયા

જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે. શું વેચીને તને ખરીદુ – એ જિંદગી, મારું તો બધું જ ગીરવી પડ્યું છે,

Trending
A1111111111 હું સમજું તો ય ઘણું....! - નિલેશ ધોળકિયા

લખવા માટે શબ્દ અને તડપવા મૌન,
ન કહેલું અમૂલ્ય ને કહેલું સૌ ગૌણ !
સમય સંબંધ બદલે, સ્મરણ નહીં –
યાદ સંવાદ બદલે, અંત:કરણ નહીં.
માની લઈએ : પ્રાપ્ત છે તે પર્યાપ્ત છે !

કોઈકે પૂછ્યું મને, તું આટલો બધા ખુશ કેવી રીતે રહી શકે છે ? મેં કહ્યું : કેટલાકનું સાંભળી લઉ છું અને કેટલાકને સંભાળી લઉં છું. જેમને ગમ્યો એમણે ધૂપ કહ્યો મને, ન ગમ્યો એમના મતે ધુમાડો છું !

પ્રભુને મળવા ગયો ને રસ્તો ભૂલી ગયો,
માણસ બનવા ગયો તો પ્રેમ ભૂલી ગયો,
પરિવારને પોરસવામાં ખુદને ભૂલી ગયો,
પૈસા પામવા ગયો તો જાતને ભૂલી ગયો.
જિંદગીની દોડમાં હું ઉંમર ભૂલી ગયો,
ઉંમર યાદ કરાવવામાં આવી ત્યારે,
હું તો જીવન જીવવાનું જ ભૂલી ગયો !

કોઈકની ખામી શોધવા વાળા માખી જેવા હોય છે, જે આખું સુંદર શરીર છોડીને ઘાવ ઉપર બેસતા હોય છે. શું વેચીને તને ખરીદુ – એ જિંદગી, મારું તો બધું જ ગીરવી પડ્યું છે, દુનિયાદારીની જવાબદારીના બજારમાં. રોજ સાંજે સુરજ નહીં, આ અણમોલ જિંદગી ઢળતી જાય છે. આંસુને ક્યાં હોય છે કોઈ વાણી : સમજો તો મોતી ન સમજો તો પાણીપાણી – ધૂળધાણી.

સહન કરવાની આવડત હોય તો મુસીબતમાં ય રાહત છે, હ્રદય જો ભોગવી જાણે તો દુઃખમાં ય મજા છે. આંખોમાં વસનારા જ રડાવી જાય છે, દસ્તૂર તો જુઓ આ દુનિયાનો પોતાના (!?) મોં ચડાવી બેઠા છે ને પારકા હસાવી જાય છે.

ફિક્કા ચેહરાઓની, ડોક્ટરે લોહીની તપાસ કરાવી. રિપોર્ટમાં આવ્યું, સંબંધોમાં ખોડખાંપણ છે. મગજ કયારેય સીધું ચાલતું નથી અને હ્રદયને આડુ ચાલતા આવડતું નથી. સરવાળે મગજવાળા તો હ્રદયવાળાની ભરપૂર મઝા લે છે.જે માંગો એ મળી જાય એ શક્ય નથી, જિંદગી છે, આ કંઈ મારા બાપાનું ઘર નથી ! જીંદગીના છેલ્લા દિવસે પણ મોજ થઈ શકે, પણ ખબર ન પડવી જોઈએ કે આજે છેલ્લો દિવસ છે. જાણું છું કે મારૂં કશું પણ નથી છતાં છોડવાનું ગજું પણ નથી !

નથી હું મીરાં કે નથી હું શંકર ! પ્રેમના પારખા કરી વિષના ગ્લાસ સર્વ કરવાનું બંધ કર. નથી હું શબરી કે નથી હું સીતા ! જિંદગીભરની તપસ્યા બાદ અગ્નિ પરીક્ષા લેવાનું બંધ કર. નથી હું નરસિંહ કે નથી હું રામ ! મહાનતાનો તાજ પહેરાવી અઢળક અપેક્ષાઓ રાખવી બંધ કર. નથી હું કંસ કે નથી હું રાવણ ! મારી નબળાઈઓને વિચિત્ર દૃષ્ટિએ વીંધવાનુ બંધ કર. નથી હું બ્લેક કે નથી હું વ્હાઈટ ! હું તો ગ્રે શેઈડઝમાં નિઓનલાઈટમાં રંગ બદલતો સાદો માણસ છું. અલી જિંદગી, તું હવે તો મને છેતરવાનું બંધ કર !!

દિવાનું પોતાનુ કોઈ ઘર નથી હોતું પણ જ્યાં મુકો ત્યાં અજવાળું કરે છે. ખામીઓ તો દરેકમાં હોય છે, ફરક બસ એટલો જ છે કે પોતાની નથી દેખાતી બીજાની દેખાય છે. માત્ર સૂરજ ઉગવાથી અંધકાર દૂર થતો નથી, અજવાળા માટે તો આંખો પણ ખોલવી પડે છે.

ભરોસો રાખજો ઉપરવાળા ઉપર , જે અહીં સુધી લાવ્યો છે એ ક્યાંક આગળ પણ લઈ જ જશે. ઈશ્વર સાચાને ઓછું આપે છે પણ સાથ પૂરો આપે છે, ખોટાને બધું આપે છે પણ સાથ નથી આપતો. કૌરવ+પાંડવ આ મુદ્દે ઉત્તમ ઉદાહરણ છે જ ને !?

સંબંધ મન, દિલથી બને, વાતોથી નહીં. ઘણાં ય દુનિયાભરની વાતો કરીને પણ અંગત નથી બનતા, કોઈ શાંત રહીને પણ અંગત બની જાય છે.