પાકિસ્તાન/ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટીની ધમાકેદાર વાપસી,PM શાહબાઝ શરીફની પાર્ટીના સૂપડા સાફ

ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) એ રવિવારે પંજાબની વિધાનસભા પેટાચૂંટણીમાં ક્લીન સ્વીપ કરીને વર્તમાન વડા પ્રધાન શાહબાઝ શરીફને આંચકો આપ્યો છે.

Top Stories World
9 20 વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઇમરાન ખાનની પાર્ટીની ધમાકેદાર વાપસી,PM શાહબાઝ શરીફની પાર્ટીના સૂપડા સાફ

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) એ રવિવારે પંજાબની વિધાનસભા પેટાચૂંટણીમાં ક્લીન સ્વીપ કરીને વર્તમાન વડા પ્રધાન શાહબાઝ શરીફને આંચકો આપ્યો છે. ઈમરાન ખાનની પીટીઆઈ અને વડાપ્રધાન શાહબાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N) વચ્ચે એપ્રિલમાં તેમની હકાલપટ્ટી બાદ આ પ્રથમ મોટી ચૂંટણી સ્પર્ધા હતી. શાહબાઝના પુત્ર મુખ્યમંત્રી હમઝા શાહબાઝ પોતાનું પદ ગુમાવવાના છે.

મુખ્યમંત્રી  પદ માટેની ચૂંટણી સુપ્રીમ કોર્ટના આદેશ પર 22 જુલાઈએ યોજાશે અને PTI-PMLQના સંયુક્ત ઉમેદવાર ચૌધરી પરવેઝ ઈલાહી રાજકીય રીતે મહત્ત્વના પંજાબ પ્રાંતના નવા મુખ્ય પ્રધાન બને તેવી શક્યતા છે. અત્યાર સુધીના બિનસત્તાવાર પરિણામો અનુસાર, ખાનની પાર્ટી ‘PTI’એ 16 બેઠકો જીતી છે, જ્યારે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)ને માત્ર ત્રણ બેઠકો મળી છે. એક અપક્ષ ઉમેદવાર પણ જીત્યો છે.

વડાપ્રધાનના પ્રવક્તા મલિક અહમદ ખાને કહ્યું કે, અમે લોકોના આદેશનું સન્માન કરીએ છીએ. હવે અમે PTI-PMLQને પંજાબમાં સરકાર બનાવવા માટે કહીએ છીએ. વડાપ્રધાન શાહબાઝ વહેલી સામાન્ય ચૂંટણીઓ કરાવવા માટે નેશનલ એસેમ્બલીનું વિસર્જન કરશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, “PML-N નેતૃત્વ તેના સાથી પક્ષો સાથે ચર્ચા કરીને આ અંગે નિર્ણય લેશે.

પીએમએલ-એનના ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે પણ પોતાની પાર્ટીની હાર સ્વીકારી લીધી છે. પીએમએલ-એનના સર્વોચ્ચ નેતા નવાઝ શરીફની પુત્રીએ એક ટ્વીટમાં કહ્યું કે, “આપણે ખુલ્લા દિલથી આપણી હાર સ્વીકારવી જોઈએ.” ખાને ટ્વીટ કરીને કહ્યું, ‘તહરીક-એ-ઇન્સાફ ઓછામાં ઓછી 15 સીટો જીતી રહી છે. પરંતુ તમામ મતદાન મથકો પર ફરજ પરના અમારા તમામ લોકો માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જ્યાં સુધી રિટર્નિંગ અધિકારીઓ તરફથી સત્તાવાર પરિણામો ન આવે ત્યાં સુધી તેમની બેઠકો ન છોડવી.