ખેતી/ 3G કટિંગ કરી પાંચથી છ ઘણું મરચાનું ઉત્પાદન વધારો

મરચાના છોડના પહેલા કટિંગને 1G કટિંગ કહેવામાં આવે છે. જયારે તમારો મરચાનો છોડ લગભગ 5 થી 6 ઇંચનો થઈ જાય ત્યારે તમારે છોડનો ઉપરનો એક ઇંચ ભાગ કાપી લેવાનો છે જેને 3G કટિંગની શરૂઆતની કડી કહેવાય છે

Tips & Tricks Lifestyle
1 32 3G કટિંગ કરી પાંચથી છ ઘણું મરચાનું ઉત્પાદન વધારો

મરચાનો ફક્ત એક છોડ તમારા આખા પરિવાર માટે પૂરતો રહેશે. ફક્ત તમારા પરિવાર માટે જ નહિ, તમે તમારા પાડોશીઓને પણ મરચા ખવડાવી શકો એટલા મરચા થશે, તો કદાચ જ તમને આ વાત પર વિશ્વાસ થાય. તમને પ્રશ્ન થશે કે શું એવું શક્ય છે કે, મરચાના એક છોડ પર એટલા મરચા આવે કે તમારા પરિવાર માટે પૂરતા હોય? તો  હા એવું શક્ય થઈ શકે છે. અને તે 3G કટિંગ દ્ધારા શક્ય બને છે. જી હાં, મરચા પર પણ 3G કટિંગ કરી શકાય છે અને તેનાથી 5 થી 6 ગણું મરચાનું ઉત્પાદન વધારી શકાય છે.

મરચાનો છોડ લગાવ્યાના 10 – 15 દિવસ પછી છોડ 3G કટિંગ માટે તૈયાર થઈ જાય છે. આ રીત કુંડામાં વધારે પ્રભાવી અને વધારે ફાયદાકારક છે. મરચાના છોડના પહેલા કટિંગને 1G કટિંગ કહેવામાં આવે છે. જયારે તમારો મરચાનો છોડ લગભગ 5 થી 6 ઇંચનો થઈ જાય ત્યારે તમારે છોડનો ઉપરનો એક ઇંચ ભાગ કાપી લેવાનો છે જેને 3G કટિંગની શરૂઆતની કડી કહેવાય છે.

પહેલા કટિંગના 7 – 8 દિવસ પછી તમે જોશો તો તમને દેખાશે કે તમારો છોડ જે પહેલા એક બ્રાન્ચ વાળો હતો તેના પર ઘણી બધી બ્રાન્ચ આવી ગઈ હશે. અને છોડ પર જેટલી બ્રાન્ચ વધારે હશે તેના પર એટલા ફળ ફૂલ વધારે આવશે. હવે છોડ પર બ્રાન્ચ વધારે આવે છે તો સ્વાભાવિક છે કે તેને વધારે પોષક તત્વોની જરૂર પડશે. તો હવે તમારે દર 15 થી 20 દિવસમાં એકવાર તેમાં કોઈ પણ ઓર્ગેનિક ખાતર જેમ કે છાણીયું ખાતર, વર્મી કમ્પોઝ અથવા કમ્પોઝ નાખવાનું છે. ઉનાળાની ઋતુ હોય તો તેમાં ભેજ જાળવી રાખવો ખુબ જરૂરી હોય છે. જો તમે ભેજ નહિ જાળવો તો છોડ વિકાસ નહિ પામે. પણ મરચાના છોડમાં વધારે ભેજ હોવા પર રોગ લાગી શકે છે. એટલે તેનું પણ ધ્યાન રાખો.

હવે 2G કટિંગનો વારો છે. આપણે છોડ લગાવ્યાના 15 દિવસ પછી 1G કટિંગ કર્યું હતું. હવે તેના એક અઠવાડિયા પછી એટલે કે છોડ લગાવ્યાના 22 દિવસ પછી બીજી એટલે કે 2G કટિંગ કરવાની છે. એટલે તમારો છોડ 22 થી 25 દિવસનો થાય ત્યારે તેમાં 2G કટિંગ એપ્લાય કરવાનું છે. કટિંગની રીત પહેલા જેવી જ રહેશે. જેટલી પણ બ્રાન્ચ છે તેને તમારે ઉપરથી કટ કરી દેવાની છે. તમને છોડ પર સારી સારી બ્રાન્ચ દેખાશે અને તેને તોડવાનું મન નહિ થાય, પણ તમારે કોઈ પણ બ્રાન્ચ છોડવાની નથી. આ થઈ ગઈ 2G કટિંગ. ત્યારબાદ તમારે છોડની જાળવણી કરવાની જરૂર છે. 15 થી 20 દિવસમાં તેને ખાતર આપવાનું છે.

હવે  35 થી 40 દિવસ પછી છોડ જોશો તો તે ઘણો વિકાસ પામ્યો હશે અને ફળ આપવા માટે તૈયાર થઈ ગયો હશે. 35 થી 40 દિવસ પછી છોડ 25 ટકા મોટો થયો હશે. આગળના દિવસોમાં તે વધારે મોટો થશે અને ફેલાશે અને તેમાંથી તમે 2 કિલો, 3 કિલો અને 4 કિલો સુધી મરચા મેળવી શકશો. લગભગ તમારે 3G કટિંગ કરવાની જરૂર નહિ પડે. પણ જરૂર પડે તો તમે ત્રીજી વખત કટિંગ કરી શકો છો.