IND VS WI/ ભારતે વેસ્ટ ઇન્ડિઝને સાત વિકેટથી હરાવ્યું, સીરિઝ 2-1થી આગળ

પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 5 વિકેટે 164 રન બનાવ્યા હતા. ભારતે એક ઓવર બાકી રહેતા ત્રણ વિકેટ ગુમાવીને આ સ્કોર હાંસલ કર્યો હતો

Top Stories Sports
5 2 ભારતે વેસ્ટ ઇન્ડિઝને સાત વિકેટથી હરાવ્યું, સીરિઝ 2-1થી આગળ

ભારતે સેન્ટ પીટર્સબર્ગ ખાતે રમાયેલી ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યું. મંગળવારે ભારતે  પાંચ મેચની T20I શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 5 વિકેટે 164 રન બનાવ્યા હતા. ભારતે એક ઓવર બાકી રહેતા ત્રણ વિકેટ ગુમાવીને આ સ્કોર હાંસલ કર્યો હતો. જુલાઈ 2019 થી ભારતે અત્યાર સુધીમાં 21 T20I માં લક્ષ્યાંકનો પીછો કર્યો છે, જેમાંથી તેણે 19 જીતી છે અને માત્ર બે હાર્યા છે. આ મેદાન પર કોઈપણ ટીમ દ્વારા અત્યાર સુધીનો સૌથી મોટો રન ચેઝ છે.

વેસ્ટ ઈન્ડિઝ તરફથી મળેલા 165 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે ટીમના 19 રનના સ્કોર પર કેપ્ટન રોહિતે નિવૃત્તિ લીધી હતી. બેટિંગ કરતી વખતે રોહિતની પીઠના સ્નાયુમાં ખેંચ આવી અને તેને બહાર જવું પડ્યું. રોહિત જ્યારે 11 રન પર રમી રહ્યો હતો ત્યારે મેદાનની બહાર ગયો હતો. તેની વિદાય બાદ, સૂર્યકુમાર અને શ્રેયસ અય્યર (24)એ બીજી વિકેટ માટે મેચ વિનિંગ 86 રનની ભાગીદારી કરીને ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું. સૂર્યકુમારે 44 બોલમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય રિષભ પંતે અણનમ 33 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવને તેની શાનદાર ઇનિંગ્સ માટે પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો.

આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 164 રન બનાવ્યા હતા. યજમાન ટીમ તરફથી કાયલ મેયર્સે 50 બોલમાં 73 રન બનાવ્યા હતા. કેપ્ટન નિકોલસ પૂરને 22 અને શિમરોન હેટમાયર 20 જ્યારે રોવમેન પોવેલે 23 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમારને બે અને હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહને એક-એક વિકેટ મળી હતી.