ઇંગ્લેન્ડ સામેની ટી-20 અને પ્રથમ વન-ડેમાં ભારતના ડેબ્યૂ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે ત્યારે ભારતના નવા ખેલાડીઓના પ્રદર્શનથી પાકિસ્તાનના ક્રિકટર્સ પણ પ્રભાવિત થયા છે. પાકિસ્તાનના પૂર્વ કપ્તાન અને દિગ્ગજ ક્રિકેટર ઇન્ઝમામ ઉલ-હકે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમની ડેપ્થથી ઘણાં પ્રભાવિત થયા છે. તેમણે મજાકમાં કહ્યું કે, શું ભારત પાસે કોઇ મશીન છે જે આટલા પ્રતિભાશાળી ખેલાડીઓ તૈયાર કરી રહી છે.
કૃણાલ પંડ્યા અને પ્રસિદ્ધ કૃષ્ણાએ ઇંગ્લેન્ડની સામે વન-ડે સીરીઝ પહેલાની મેચમાં શાનદાર રમતનું પ્રદર્શન કર્યું. પ્રસિદ્ધ કૃષ્ણાએ ડેબ્યૂ પર ભારત માટે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. તેણે 54 રન આપીને 4 વિકેટ ઝડપી. તે કૃણાલ પંડ્યાએ 26 બોલમાં અર્ધ સદી ફટકારી. પાકિસ્તાની પૂર્વ કપ્તાને કહ્યું કે ઓસ્ટ્રેલિયા સીરીઝથી જ ભારતીય ટીમમાં સતત નવા ખેલાડી આવી રહ્યા છે અને મેચ વિનર પ્રદર્શન કરી રહ્યા છે.
ઇન્ઝમામે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે, મને લાગે છે કે ભારતની પાસે કોઇક મશીન છે જે નવા ખેલાડી તૈયાર કરે છે. આ વખતે ફરી બે ખેલાડીઓએ ડેબ્યૂ કર્યું. આ ખેલાડીઓને સંદેશ આપે છે કે જો તમારે ટીમમાં રહેવું હશે તો સારુ પ્રદર્શન કરવું પડશે. હું જોઇ રહ્યો છું કે ઓસ્ટ્રેલિયા પ્રવાસથી જ દરેક મેચ કે ફોર્મેટમાં કોઇ યુવા ખેલાડી આવે છે અને શાનદાર પ્રદર્શન કરે છે. સીનિયર ખેલાડીની પોતાની ભુમિકા છે પરંતુ જુનિયર ખેલાડી આવુ પ્રદર્શન કરે છે તો તેનાથી ટીમનું પ્રદર્શન ઘણુ સારુ રહે છે.