Pakistan Sikh Murder/ શીખો પર થઇ રહેલા હુમલા મામલે ભારતે પાકિસ્તાનના રાજદ્વારીને બોલાવ્યા

ભારતે માંગ કરી છે કે પાકિસ્તાની સત્તાવાળાઓ શીખ સમુદાય પરના આ હિંસક હુમલાઓની ઈમાનદારીથી તપાસ કરે અને તપાસ રિપોર્ટ શેર કરે

Top Stories India
7 2 શીખો પર થઇ રહેલા હુમલા મામલે ભારતે પાકિસ્તાનના રાજદ્વારીને બોલાવ્યા

પાકિસ્તાનમાં શીખ સમુદાયના સભ્યો પર થયેલા તાજેતરના હુમલા બાદ, ભારતે સોમવારે (26 જૂન) નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનના એક વરિષ્ઠ રાજદ્વારીને બોલાવ્યા. ભારતે આ ઘટનાઓનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સમાચાર એજન્સી ANIને સૂત્રોએ આ જાણકારી આપી. પાકિસ્તાનના પેશાવરમાં શનિવારે (24 જૂન) ના રોજ મનમોહન સિંહ (35) નામના શીખ વ્યક્તિની બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.મનમોહન સિંઘ પેશાવરના ઉપનગર રશીદ ગઢીથી શહેરના વિસ્તાર તરફ જઈ રહ્યા હતા, ત્યારે કક્ષાલના ગુલદરા ચોક પાસે કેટલાક સશસ્ત્ર માણસોએ તેમના પર હુમલો કર્યો. એપ્રિલથી જૂન 2023 વચ્ચે પાકિસ્તાનમાં શીખો વિરુદ્ધ ચાર ઘટનાઓ બની છે અને ભારતે આ ઘટનાઓને ગંભીરતાથી લીધી છે.

ભારતે પાકિસ્તાની અધિકારીને બોલાવ્યા

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતે માંગ કરી છે કે પાકિસ્તાની સત્તાવાળાઓ શીખ સમુદાય પરના આ હિંસક હુમલાઓની ઈમાનદારીથી તપાસ કરે અને તપાસ રિપોર્ટ શેર કરે. એવું પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાને તેના લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ, જેઓ ધાર્મિક અત્યાચારના સતત ભયમાં જીવે છે.

હત્યા કેસમાં ધરપકડ

મનમોહન સિંહની હત્યાના મામલામાં પેશાવર પોલીસે જણાવ્યું છે કે કેટલાક સંદિગ્ધોની ધરપકડ કરવામાં આવી છે. મનમોહન સિંહ વ્યવસાયે ‘હકીમ’ (યુનાની દવાના પ્રેક્ટિશનર) હતા. પોલીસે જણાવ્યું કે તેઓ હત્યામાં સંડોવાયેલા મુખ્ય આરોપીની ધરપકડની નજીક પહોંચી ગયા છે. છેલ્લા 48 કલાકમાં પેશાવરમાં શીખ વ્યક્તિ પર હુમલાની આ બીજી ઘટના છે.