India vs England U19 World Cup 2026 Final: ભારતીય અંડર-19 ટીમે ક્રિકેટ જગતમાં ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કર્યો છે. અંડર-19 વર્લ્ડ કપ 2026ની હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવીને છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ જીત સાથે ભારતે ટૂર્નામેન્ટના ઈતિહાસમાં સૌથી વધુ વખત ટ્રોફી જીતવાનો પોતાનો જ રેકોર્ડ વધુ મજબૂત કર્યો છે.
80 બોલમાં 175 રન!
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત આક્રમક રહી હતી, જેમાં માત્ર 14 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લેન્ડના બોલરોની લાઇન-લેન્થ બગાડી નાખી હતી. Vaibhav Suryavanshiએ માત્ર 80 બોલમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગાની મદદથી 175 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી અને 218ના સ્ટ્રાઇક રેટ સાથે ફાઈનલ જેવી મોટી મેચમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. આ શાનદાર શરૂઆતના જોરે ટીમ ઇન્ડિયાએ નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 411 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. અન્ય ખેલાડીઓમાં કેપ્ટન આયુષ મ્હાત્રેએ 51 બોલમાં 53 રન, અભિજ્ઞાન કુંડુએ 31 બોલમાં 40 રન અને કનિષ્ક ચૌહાણે 20 બોલમાં અણનમ 37 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું.

ઇંગ્લેન્ડની લડત પણ ભારતની રણનીતિ સામે ફેલ
412 રનના હિમાલય જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 311 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી બેન ડોકિન્સે 66 અને બેન મેયસે 45 રન સાથે સારી શરૂઆત કરી હતી, પરંતુ ભારતીય બોલરોએ સમયાંતરે વિકેટો ઝડપીને દબાણ બનાવી રાખ્યું હતું. એક તબક્કે ઇંગ્લેન્ડે માત્ર 8 બોલમાં પોતાની 4 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી, જે મેચનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.
ભારત તરફથી આરએસ એમ્બ્રીસે શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી અને ઇંગ્લેન્ડની કમર તોડી નાખી હતી.
U19 World Cup માં ભારતની બાદશાહત
આ જીત સાથે ભારત હવે 6 વખત અંડર-19 વર્લ્ડ કપ જીતનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. ભારતે અત્યાર સુધી કુલ 6 વખત આ પ્રતિષ્ઠિત ટાઈટલ જીતીને ચેમ્પિયન બનવાનું બહુમાન મેળવ્યું છે, જ્યારે તેની સરખામણીએ ઓસ્ટ્રેલિયાની ટીમ 4 વખત ચેમ્પિયન બની છે.
કેપ્ટન આયુષ મ્હાત્રેના નેતૃત્વમાં ભારતીય યુવા બ્રિગેડે આખી ટુર્નામેન્ટમાં અજેય રહીને આ ટ્રોફી પોતાના નામે કરી છે.
આ પણ વાંચો: વૈભવ સૂર્યવંશીનો વર્લ્ડ રેકોર્ડ! અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલમાં અંગ્રેજોને ધોઈ નાખ્યા, માત્ર 55 બોલમાં સદી
આ પણ વાંચો:મુંબઈના ગ્રાઉન્ડ પર રનનો વરસાદ કરતા પહેલા ખેલાડીઓ તૂટી પડ્યા પાણીપૂરી પર!
