World News: રશિયા (Russia)ના બ્લેક સી કાંઠા નજીક લાઇબેરિયાનો ધ્વજ ધરાવતા એક તેલ ટેન્કર પર દરિયાઈ ડ્રોન દ્વારા ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાને કારણે ટેન્કરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી અને દરિયાના પાણીમાં કાચું તેલ સળગવા લાગ્યું હતું. આ હુમલાને પગલે રશિયાના રિસોર્ટ શહેર સોચીના આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા. રાહતની વાત એ છે કે આ ટેન્કર પર સવાર તમામ 23 ક્રૂ સભ્યો ભારતીય નાગરિકો હતા, જેને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. છેલ્લા 48 કલાકમાં ભારતીય નાવિકો ધરાવતા જહાજોને નિશાન બનાવવાની આ ત્રીજી ઘટના સામે આવી છે.

Indian crew ship પર 5 અને 6 ઓક્ટોબરે થયેલા હુમલાઓ
છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય જળમાર્ગો (International Waterways) પર તણાવ ખૂબ જ વધી ગયો છે.હોર્મુઝ સ્ટ્રેટમાં પનામાના ધ્વજવાળા વેપારી જહાજ પર હુમલો થયો હતો, જેમાં 19 લોકો સવાર હતા. આ જહાજ પર 17 ભારતીય નાગરિકો હતા, જેમાંથી 11 ભારતીય ક્રૂ સભ્યો ઘાયલ થયા હોવાની પુષ્ટિ વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે.
રોમાનિયા (Romania)નજીક બ્લેક સીમાં અન્ય એક જહાજ પર હુમલો થતાં તે ડૂબી ગયું હતું. આ જહાજમાં 3 ભારતીય નાવિકો સહિત 11 ક્રૂ સભ્યો સવાર હતા, જેને સુરક્ષિત બચાવી લેવાયા હતા, જ્યારે 2 વિદેશી નાગરિકોનાં મૃત્યુ થયાં હતા. યુક્રેનના રાષ્ટ્રપતિએ આ હુમલો રશિયન ડ્રોન દ્વારા થયાનો દાવો કર્યો હતો.

યુક્રેનની પ્રતિબંધિત યાદીમાં સામેલ હતું જહાજ
બ્લેક સીમાં હુમલાનો ભોગ બનેલું લાઇબેરિયાનું આ તેલ ટેન્કર યુક્રેનની પ્રતિબંધિત યાદીમાં સામેલ હતું અને તેને રશિયાના કથિત ‘શેડો ફ્લીટ’નો હિસ્સો માનવામાં આવે છે. પશ્ચિમી પ્રતિબંધોથી બચીને રશિયા આ નેટવર્ક દ્વારા તેલની નિકાસ કરે છે. યુક્રેન-રશિયા યુદ્ધમાં બ્લેક સી મોરચા પર છેલ્લા બે મહિનામાં 300 થી વધુ જહાજોને નિશાન બનાવવામાં આવ્યા છે, જેના કારણે વૈશ્વિક સ્તરે અનાજ અને ક્રૂડ ઓઇલના સપ્લાય પર ગંભીર જોખમ ઊભું થયું છે.
આ પણ વાંચો:રશિયા-યુક્રેન યુદ્ધ વધુ ઉગ્ર; કીવ સહિત 9 શહેરો પર ભીષણ મિસાઈલ હુમલા, યુક્રેનનો વળતો પ્રહાર
આ પણ વાંચો:અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયા-યુક્રેન વચ્ચે એક અઠવાડિયા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી
આ પણ વાંચો:રશિયા-યુક્રેન વચ્ચે થશે એક મોટો સોદો, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કરી જાહેરાત
