- ગેસ સિલિન્ડરના ભાવમાં 3માસમાં 225 રૂપિયાનો વધારો
- પેટ્રોલ ડીઝલ અને તેલ દાળ કઠોળ તો મોંઘા છે જ માણસ સિવાય કશું સસ્તું નથી.
મોંઘવારીનું વિષચક્રનો ભરડો આમ આદમીને ભીંસી રહ્યો છે. પેટ્રોલ ડીઝલના ભાવ વિક્રમસર્જક સપાટીએ પહોંચી ગયા બાદ હવે સોમવારે સવારે ગેસ સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો થતાં ત્રણ માસમાં રૂપિયા 225 વધુ ચૂકવવા પડે તેવી સ્થિતિ ઉભી થવા પામી છે.
ગુજરાતમાં એકબાજુ ચૂંટણીનો ગરમાવો લગભગ પૂર્ણ થવામાં છે. રાજ્યમાં કોરોનાના કેસો ફરી વધતા જાય છે. મહારાષ્ટ્રનો ચેપ ધીમી ગતિએ પણ ગુજરાતમાં પ્રવેશ્યો છે અને તે બાબતમાં થોડી ઘણી બેદરકારી પણ આપણને ભારે પડી શકે છે. આ બધા વચ્ચે લોકોના મનમાં ચિંતા છે – ઉચાટ છે ભય પણ છે અને મન પર બોજ પણ છે તેવા સમયે લોકોના ખીસ્સા હળવા બનાવવાનો ખેલ ચાલુ છે. ગરીબ અને મધ્યમ વર્ગની ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ જવાનો ખેલ ચાલુ છે કોને દોષ દેવો તે સમજાતું નથી. સત્તા પક્ષ સ્થાનિક ચૂંટણીના અને તેમાંય ખાસ કરીને મહાનગરોમાં મળેલા વિજયના કેફમાં છે – મદમાં છે જ્યારે બીજો પક્ષ ચૂંટણીમાં મળેલા પરાજયની અને તેમાંય વાંરવાર મળેલી હતાશામાંથી બહાર આવ્યો નથી. એકનો ધમંડ તૂટતો નથી. બીજાની હતાશા દૂર થતી નથી અને તેના માટે પ્રજા માટે કો’ક જ દિવસ એવો ખાલી જાય છે કે ચીજો ના અને તેમાંય જીવન જરૂરી ચીજો ના ભાવ વધારાના સમાચાર સાંભળવા કે જોવા ન મળ્યા હોય જે રીતે હમણાં કોરોનાના કેસો પણ વધ્યા છે તો તેની સાથે જ જીવન જરૂરી ચીજોના ભાવો પણ વધ્યા છે.
ભલે તા.૨૪ મી ૨૫મી અને ૨૬મી એ ત્રણ દિવસ પેટ્રોલ – ડિઝલના ભાવો સ્થિર રહ્યા તેના કારણે થોડીક રાહત છે. ૨૦૨૧ના પ્રારંભના ૫૪ દિવસમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ ૧૮ વખત વધ્યા છે અને ૧લી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ પેટ્રોલ અને ડિઝલના ભાવ હતો તેના કરતા ૨૬મી કે ૨૭મીએ લોકોને સાડા સાતથી પોણા આઠ રૂપિયા વધારે ચૂકવવા પડે છે. હવે આ ભાવ વધારાની બધે અસર થઈ છે. ટૂંકા ભાડા વધી ગયા છે. હજીપણ વધશે તેવો સંકેત મળ્યો છે. ખેડૂતોને પણ ડિઝલ પર સબસીડી બાબતમાં તંત્રનું વલણ સ્પષ્ટ નથી. હવે સરકાર પેટ્રોલ અને ડિઝલને જીએસટી હેઠળ લાવવાનો સંકેત સરકારે આપ્યો છે હવે આ બાબત માટે આરબીઆઈ આર્થિક નિષ્ણાતો સહિત તમામની લાંબા સમયથી માગણી છે પરંતુ હવે આમા નક્કર પગલાં ક્યારે ભરવામાં આવે છે તે હવે જોવાનું રહે છે.
પેટ્રોલ અને ડિઝલના ભાવ જીએસટી હેઠળ લવાશે ત્યારે ઘટે તેમાં શંકા નથી પરંતુ ૨૦૨૧ના વર્ષમાં પેટ્રોલ – ડિઝલનો જે ભાવ વધારો થયો તેના કારણે ઓઈલ કંપનીઓએ તો આવક કરી જ છે. પરંતુ સરકારે પણ પોતાની તીજોરી ભરી લીધી છે. ગુજરાતમાં વેટથી કરોડો રૂપિયા કમાનાર ગુજરાત સરકાર અને તેના નેતાઓ એવું કહેતા થઈ ગયા છે કે ગુજરાતમાં અન્ય રાજ્યો કરતાં પેટ્રોલ અને ડિઝલનો ભાવ ઓછો છે પણ આ વાતથી લોકોના ખીસ્સામાંથી વધુ પૈસા જવાનો દોર અટકાવવાનો નથી. પેટ્રોલ – ડિઝલના ભાવ વધારાનો કકળાટ હજી સાવ દૂર થયો નથી. પેટ્રોલ અને ડિઝલ ભાવવધારાથી મુક્ત થયા નથી અને તેની અસર અન્ય બજારો પર દેખાઈ રહી છે. શીંગતેલના ભાવ મોટા ભાગના શહેરોમાં ૧ કિલોના રૂા.૧૬૨ થયા છે અને માત્ર ૭ દિવસમાં ૧ કિલોએ રૂા.૪નો એટલે કે એક ડબ્બે ૬૦ રૂપિયાનો વધારો થઈ ગયો છે. દાળ કઠોળ – ચા તો મોંઘા છે જ. શાકભાજીના ભાવ અગાઉના દિવસો કરતાં ઓછા છે. પણ ગત ફેબ્રુઆરી માસમાં જે સપાટી હતી તેના કરતાં તો વધારે જ છે.
આ બધા કકળાટ વચ્ચે હવે ગેસનો ભાવ વધારો આવી પડ્યો છે.
૨૫મી ડિસેમ્બરે સવારે એવા સમાચારો આવ્યા છે કે લોકો જેનો ઉપયોગ કરે છે તે ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા.૨૫નો વધારો થયો છે. અને શહેરો પ્રમાણે આ ભાવ રૂપિયા ૮૧૦ની સપાટીને વટાવી ગયા છે. હવે ૪થી ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા.૫૦નો વધારો થયો હતો. હવે ૨૫મી ડિસેમ્બરે રૂા.૨૫ વધતા માત્ર ફેબ્રુઆરી માસમાં જ રાંધણગેસના ભાવમાં રૂા.૧૦૦ વધ્યા છે. ૨૦૨૧નો પ્રથમ માસ એટલે કે જાન્યુઆરી મહિનો ગેસના ભાવ વધારા વગર ખાલી ગયો હતો. આ જો કે આ પહેલા ડિસેમ્બર માસમાં બે તબક્કે ૫૦ – ૫૦ રૂપિયા મળીને કુલ ૧૦૦ રૂપિયાનો વધારો થયો છે. છેલ્લા ત્રણ માસમાં રાંધણગેસનું સિલિન્ડર રૂા.૨૦૦ જેટલું મોંઘુ થયું છે. આનો અર્થ એ થઈ શકે છે ગૃહિણીનું બજેટ મોંઘુ થયું છે પહેલા ગેસના બાટલા આપણા માગ્યા પ્રમાણે મળતા નહોતા. તે બાબત ગેસના ભાવ વધારાનો બચાવ નથી. જ્યારે આ બાબતમાં ભૂતકાળની સરકાર પર દોષનો ટોપલો ઢોળવાના પ્રયાસ કરવાને બદલે લોકો વાસ્તવિક રીતે વ્યાજબી દરે ગેસનો બાટલો મળી રહે તેવી વ્યવસ્થા થવી જોઈએ.
પેટ્રોલ – ડિઝલના ભાવોમાં પોણા બે માસમાં જે વધારો થયો તેના પર લોકો પર પડેલા બોજની ચર્ચા ચાલુ છે ત્યાં રસોડા સાથે જ સીધી રીતે સંકળાયેલા સિંગતેલના ભાવમાં એક જ માસના ટુંકા ગાળામાં ૧ કિલોએ ૪ રૂપિયા અને ૧૫ કિલોના ડબ્બા પર ૬૦ રૂપિયાનો વધારો થયો છે. દાળ અને કઠોળના ભાવ પણ ઘટવાને બદલે વધે છે. ટુંકમાં ગૃહિણીઓના ઘરનું બજેટ ખોરવાઈ જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે.
આ બધી બાબતોનો દોર ચાલુ છે ત્યાં રેલવેએ પણ લોકલ ટ્રેનોના ભાડા પણ વધારી દીધા છે સાંજના અખબારોમાં જે અહેવાલો પ્રસિધ્ધ થયા છે તે પ્રમાણે ૪૦ કિલો મીટર સુધી ના પ્રવાસ માટે લોકોએ બમણું ભાડુ ચુકવવું પડે તેવી હાલત ઉભી થઈ છે.ઉપરાંત રિઝર્વેશન ચાર્જ પણ ચૂકવવો પડશે.
અખબારી અહેવાલો અનુસાર રેલ્વેને પડેલી ખોટ પૂરવા આ ભાડામાં વધારો કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે હવે પહેલા લોકોને જ્યાં ૨૫ રૂપિયામાં ટિકિટ લેવી પડતી હતી તે ટિકિટના હવે રૂા.૫૫ ચૂકવવા પડશે ૩૦ રૂપિયાની ટિકિટના રૂા.૬૦ દેવા પડશે. આ ભાવવધારાનો બોજ ૩૦ થી ૪૦ કિલો મિટર સુધી રોજિંદી મુસાફરી કરનારાઓ પર વધુ પ્રમાણમાં પડશે આમ એક તો મર્યાદિત પ્રમાણમાં ટ્રેન સેવાઓ શરૂ છે. લોકડાઉન બાદ લોકોની આવકમાં ઘટાડો થયો છે. કોરોનાનો કહેર હજી ઘટ્યો નથી. આ સંજાેગોમાં પરિસ્થિતિ એ ઉભી થઈ છે કે લોકો પર ભાવ વધારાનો બોજ વધતો જાય છે.
હવે ટુંકમાં અત્યારે એક બાબત એવી છે કે લોકો કોરોનાના કહેર અને ભાવ વધારાની ભીંસ વચ્ચે પીસાઈ રહ્યા છે તેવે સમયે રાજકીય નેતાઓ ચોમેર રાજકીય દાવપેચ ખેલવામાં જ વ્યસ્ત રહ્યા છે. મહાનગર અને અન્ય સ્થાનિક ચૂંટણીમાં સત્તાધારી પક્ષે પોતે કરેલા કામોના ગુણગાન ગાયા કોંગ્રેસ – વિપક્ષ સાફ થઈ જશે તેવા દાવાઓ કર્યા રામમંદિર અને લવજેહાદ જેવા મુદ્દાઓ ચગાવ્યા. પરંતુ ભાવો ઘટાડવાની ખાતરી આપવાને બદલે વેટ નહિ ઘટે તેવી વાત કરીને લોકો પર થયેલા મોંઘવારીના ઘા પર મીઠુ ભભરાવ્યું છે. જ્યારે મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ અત્યારે હતાશામાં છે અને તેમાંથી બહાર નીકળ્યો નથી. અને જિલ્લા તાલુકા પંચાયતોના પ્રચાર દરમિયાન ભાવ વધારાનો મુદ્દો કોંગ્રેસ માત્ર નામ પૂરતો ઉગામ્યો છે.
મોંઘવારી દેશભરમાં વધી છે. કોરોનાના કેસો પણ વધ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમીત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે પી નડ્ડા તેમજ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી જે રાજ્યોમાં ચૂંટણી યોજવાની છે તે રાજ્યોના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે રીઝર્વ બેન્કે પણ હવે તો પેટ્રોલ – ડિઝલના ભાવ વધારો રોકવા માટે જરૂર પડે તેને જીએસટીના માળખામાં સમેટવા વાત કરી છે ભૂતકાળમાં પેટ્રોલ – ડિઝલના ભાવ વધારા સહિતની મોંઘવારી દૂર કરી સત્તાના સિંહાસને બેઠેલા મોંઘવારી દૂર કરી શક્યા નથી પણ બીજી બધી આક્ષેપ બાજી અને પોતાની કહેવાતી સિધ્ધીઓની વાતો કરે છે.
આ બધા સંજોગો વચ્ચે હવે લોકોએ શું કરવાનું ? ભાવ વધારાની ચક્કીમાં પીસાયા જ કરવાનું ? કોરોનાનો કહેર ઘટેલી આવક અને વધતા ભાવોના ત્રિપાંખિયા વિષચક્રમાં પ્રજા ભીંસાઈ રહી છે. ત્યારે રાજકારણીઓ પોતાના રાજકીય ખેલ ખીલવામાં વ્યસ્ત છે. લોકોને મોંઘવારી ભૂલાવવા માટે શ્રી રામમંદિરની વાત થાય છે. ત્રાસવાદ સામે સરકારી ભરેલા પગલાની વાત થાય છે જ્યારે બહુ ઉહાપોહ થાય ત્યારે ભાવ વધારાના દોષનો ટોપલો અગાઉની સરકાર પર ઢોળવાનો પ્રયાસ થાય છે. મુખ્ય વિપક્ષ તરીકે ભાવ વધારાના મામલે લોકોની વેદનાને વાચા આપવામાં કોંગ્રેસ પણ નિષ્ફળ જ ગઈ છે. ગુજરાતમાં તો મહાનગરોના પરિણામમાં બાદ કોંગ્રેસ જાણે કે ઓક્સિજન ઉપર આવી ગઈ છે.
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર