Jamnagar Food Poisoning News: દાહોદની ઘટના હજુ તાજી છે ત્યાં જ જામનગર પંથકમાંથી ફૂડ પોઈઝનિંગની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જામનગર નજીક આવેલી મોટી ખાવડી વિસ્તારની લેબર કોલોનીમાં રાત્રિના ભોજન બાદ 45થી વધુ શ્રમિકોની તબિયત લથડતા દોડધામ મચી ગઈ હતી. અંધારામાં રસોઈ બનાવતી વખતે કોઈ ઝેરી જીવજંતુ ભળી ગયું હોવાની આશંકા વચ્ચે તમામ શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
Jamnagar : અંધારામાં રસોઈ બનાવવી ભારે પડી
મળતી માહિતી મુજબ, મોટી ખાવડી લેબર કોલોનીમાં ગત રાત્રે શ્રમિકો માટે ભોજન તૈયાર થઈ રહ્યું હતું. પૂરતા પ્રકાશના અભાવે અંધારામાં રસોઈ બનાવતી વખતે ખાદ્ય પદાર્થમાં કોઈ ઝેરી વસ્તુ ભળી ગઈ હોવાનું પ્રાથમિક તારણ છે. શ્રમિકોમાં એવી ચર્ચા છે કે રસોઈમાં ગરોળી જેવું ઝેરી જીવજંતુ પડી ગયું હતું, જેના કારણે ભોજન ઝેરી બન્યું હતું.
100થી વધુ શ્રમિકોને ઉલ્ટી-ઉબકા
ભોજન લીધાના થોડા જ સમયમાં શ્રમિકોને પેટમાં દુખાવો અને ઉલ્ટી-ઉબકા થવા લાગ્યા હતા. જોતજોતામાં શ્રમિકોની સંખ્યા 40ને પાર કરી ગઈ હતી. તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે તમામને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અચાનક આટલી મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોસ્પિટલ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું હતું.

તમામ દર્દીઓ જોખમ મુક્ત
જી.જી. હોસ્પિટલના તબીબ ડૉ. એસ. એસ. ચેટરજીએ જણાવ્યું હતું કે, “ફૂડ પોઈઝનિંગના લક્ષણો ધરાવતા અનેક દર્દીઓને રાત્રે લાવવામાં આવ્યા હતા. હિસ્ટ્રી ચેક કરતા જાણવા મળ્યું છે કે ખાવાની વસ્તુમાં ગરોળી પડી હોવાની વાત સામે આવી છે. જોકે, સમયસર સારવાર મળતા હવે તમામ દર્દીઓની હાલત સ્થિર છે અને તમામને રજા આપી દેવામાં આવી છે.”
સ્વચ્છતાના ધોરણો સામે ગંભીર સવાલો
જામનગરની આ લેબર કોલોનીઓમાં હજારો પરપ્રાંતીય શ્રમિકો વસે છે. પાયાની સુવિધાઓનો અભાવ અને અસ્વચ્છ વાતાવરણમાં બનતી રસોઈ હવે શ્રમિકો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. 45થી વધુ લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાથી હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મામલે કડક તપાસ કરે તેવી માંગ ઉઠી છે.
