MANTAVYA Vishesh/ ‘જનનાયક’ કર્પૂરી ઠાકુર; થૂંકવાથી જ અંગ્રેજો તણાઈ જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જનનાયક તરીકે જાણીતા કર્પૂરી ઠાકુરની 100મી જન્મજયંતીના એક દિવસ પહેલાં તેમને ભારત રત્ન એનાયત કરવાની જાહેરાત કરી હતી ,ત્યારે આજે મંતવ્ય વિશેષમાં જાણો બિહારના જનનાયક કર્પૂરી ઠાકુરની કહાની

Mantavya Exclusive Mantavya Vishesh
Mantavya Vishesh

આજે મંતવ્ય વિશેષમાં બિહારનાં જનનાયક કર્પૂરી ઠાકરની વાત કરવી છે ત્યારે શરુઆત તેમણે કહેલી એક ઘટનાથી કરીયે…. મેં ફર્સ્ટ ડિવિઝન સાથે મેટ્રિક પાસ કર્યું, તે સમયે ગામમાં માત્ર પાંચ બાળકો જ મેટ્રિક પાસ કરી શક્યા હતા. તે સમયે બાબુજી વાળંદનું કામ કરતા હતા, અને તે મને ગામના એક શ્રીમંત માણસ પાસે લઈ ગયા અને કહ્યું કે સરકાર, આ મારો દીકરો છે, તે ફર્સ્ટ ડિવિઝનમાંથી મેટ્રિક પાસ છે, ત્યારે પેલા માણસે ટેબલ પર પગ મૂક્યો અને કહ્યું, ‘તો, તમે ફર્સ્ટ ડિવિઝનમાં પાસ થયા છો? મારો પગ દબાવો…’

આ ઘટના બિહારના પૂર્વ સીએમ કર્પૂરી ઠાકુરે તેમના મુખ્ય સચિવ યશવંત સિન્હાને સંભળાવી હતી. બે વખત બિહારના મુખ્યમંત્રી રહી ચૂકેલા અને જનનાયક તરીકે જાણીતા કર્પૂરી ઠાકુરને ભારત રત્ન એનાયત કરવામાં આવશે, જેની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમની 100મી જન્મજયંતીના એક દિવસ પહેલાં 23 જાન્યુઆરીએ આ જાહેરાત કરી હતી.

કર્પૂરી ઠાકુરનો જન્મ 24 જાન્યુઆરી, 1924ના રોજ સમસ્તીપુરના પિતોંજીયામાં થયો હતો. પાછળથી તેમના ગામનું નામ કર્પૂરીગ્રામ પડ્યું હતું… જ્યારે કર્પૂરી ઠાકુર 6 વર્ષના થયા ત્યારે તેમને સમસ્તીપુરની તાજપુર મિડલ સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 1933માં તેમણે 5મા ધોરણની પરીક્ષા પાસ કરી…અને આગલા વર્ષે એટલે કે 1934માં મકરસંક્રાંતિના તહેવારના બીજા દિવસે બિહારની ધરતી હચમચી ગઈ, બિહારમાં ભયાવહ ભુકંપ આવ્યો..ભૂકંપ એટલી તીવ્રતાનો હતો કે હજારો મકાનો ધરાશાયી થયા હતા, અને જાનમાલનું મોટું નુકસાન થયું હતું. ત્યારે બિહારના પ્રવાસે ગયેલા ગાંધીજીએ કહ્યું, ‘આજે આપણે બધા કોઈ પણ ભેદભાવ વિના સંકટમાં છીએ. જો તમે અને હું આ કટોકટીમાંથી કોઈ નૈતિક પાઠ નહીં શીખીએ, તો આપણી ઉપેક્ષા આ કટોકટી કરતાં પણ વધુ ખરાબ હશે.

કર્પૂરી ઠાકુર ગાંધીજીના શબ્દોથી ખૂબ પ્રભાવિત થયા હતા અને 11 વર્ષની ઉંમરે તે જ વર્ષે તેમના લગ્ન પણ થયા હતા.તેમણે વિદ્યાર્થીકાળથી જ રાજકારણમાં રસ લેવાનું શરૂ કર્યું હતું. તેઓ AISFના સબ ડિવિઝનલ મંત્રી હતા. એક દિવસ સમસ્તીપુરની ક્રિષ્ના ટોકીઝમાં સભા થઈ અને જેમાં કર્પૂરીને પણ બોલવાનો મોકો મળ્યો હતો, ત્યારે તેમણે કહ્યું કે આપણા દેશની વસ્તી એટલી મોટી છે કે બ્રિટિશ શાસન માત્ર થૂંકવાથી ધોવાઈ જશે…. કર્પૂરી ઠાકુરના આ ભાષણને કારણે તેમની સામે વોરંટ જારી કરવામાં આવ્યું હતું. અને તેમને એક દિવસની જેલ અને 50 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે તેમણે સજા સ્વીકારી અને સ્વતંત્રતા ચળવળમાં ભાગ લીધો હતો.

કર્પૂરી ઠાકુરે 1939માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. આ પછી તેણે દરભંગાની એક કોલેજમાં એડમિશન લીધું, પરંતુ તેમણે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો, અને તેમણે ઓગસ્ટ ક્રાંતિમાં ઝંપલાવ્યું. 9 ઓગસ્ટ 1942ના રોજ દરભંગામાં વિદ્યાર્થીઓની એક બેઠક યોજાઈ હતી જેમાં કર્પૂરી ઠાકુરે ક્રાંતિકારી વક્તવ્ય આપ્યું હતું.ત્યારબાદ તેની અસર એવી થઈ કે સરકારી ઈમારતો પર તિરંગો ફરવા લાગ્યો અને રેલવેના પાટા પણ ઉખડવા લાગ્યા….

આ સમયે અંગ્રેજો કર્પૂરીને શોધી રહ્યા હતા, ત્યારે તેઓ નેપાળ ગયા અને ભૂગર્ભ ચળવળમાં જોડાયા. નેપાળમાં જ તે જયપ્રકાશ નારાયણને મળ્યા હતા. તેમણે નેપાળના સુરંગા પહાડમાં આઝાદ ટુકડીની તાલીમ જોઈ. કર્પૂરીએ પણ તાલીમ શરૂ કરી, ત્યા તેમણે બંદૂકનો ઉપયોગ અને બોમ્બ કેવી રીતે બનાવવો તે શીખવવામાં આવ્યું હતું.નિત્યાનંદ સરદાર અને ગુલેલી સરદાર તેમનાં ટ્રેનર હતા.

જયપ્રકાશ નારાયણનો ઉપદેશ ‘અમારે બદલો નઈ બદલાવ જોઈએ. આપણે ક્રાંતિનું વિજ્ઞાન શીખવાનું છે, યુદ્ધની કળા નહીં ‘. કર્પૂરીને આ ઉપદેશ કામમાં આવ્યો અને આ પછી કર્પૂરી સમાજવાદી પાર્ટીમાં જોડાયા. કર્પૂરીએ આઝાદીની ચળવળની શરૂઆત સમસ્તીપુરના પિતોંજિયાની એક શાળામાંથી કરી હતી. એક રાત્રે 2 વાગ્યે અચાનક પોલીસે શાળાને ઘેરી લીધી અને કર્પૂરીની તેમના સહયોગીઓ સાથે ધરપકડ કરવામાં આવી હતી અને એક વર્ષની સજા પણ થઈ હતી. આ પછી તેમણે જેલમાં કેદીઓને સંગઠિત કર્યા અને વિરોધ શરૂ થયો. પરેશાન અંગ્રેજોએ તેમને ભાગલપુર જેલમાં તબદીલ કર્યા પણ તેઓ ક્યાં માનવાના હતા? કર્પૂરી ઠાકુરે ભાગલપુરમાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા.અને આખરે જ્યારે તેઓ 29મા દિવસે મૃત્યુની અણી પર હતા ત્યારે તેમની માંગણીઓ સ્વીકારવામાં આવી. નવેમ્બર 1945માં 26 મહિના પછી કર્પૂરીની જેલની મુદત પૂરી થઈ. કોંગ્રેસ સમાજવાદી પાર્ટીના સક્રિય સભ્ય બન્યા. અને સૂત્ર આપ્યું કે – કમાનેવાલા ખાયેગા, લૂંટનેવાલા જાયેગા, નયા ઝમાના આયેગા. ગામે-ગામ આ નારો ગુંજવા લાગ્યો.

આઝાદીના થોડા મહિના પછી, કર્પૂરીના નેતૃત્વમાં, ખેડૂતોનું સંગઠન ‘હિંદ કિસાન પંચાયત’ આખા બિહારમાં પ્રખ્યાત થઈ ગયું. પ્રથમ સામાન્ય ચૂંટણી 1952માં યોજાઈ હતી અને લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. ત્યારે કર્પૂરી ઠાકુર સમસ્તીપુરના તાજપુર મતવિસ્તારમાંથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર બન્યા, અને તેમણે સાયકલ અને પગપાળા પોતાનો પ્રચાર શરૂ કર્યો. તેમણે કોંગ્રેસના ઉમેદવારને હરાવ્યા અને ત્યારથી લઈને 1988 સુધી તેઓ સતત બિહારના રાજકારણના કેન્દ્રમાં રહ્યા.

કર્પૂરી ઠાકુર પર લખાયેલા પુસ્તક ‘મહાન કર્મયોગી જનનાયક કર્પૂરી ઠાકુર’ માં એક રસપ્રદ ઘટનાનો ઉલ્લેખ છે. પુસ્તકમાં તેમના પુત્ર રામનાથ ઠાકુર કહે છે, ‘એમએલએ બન્યા પછી. જનનાયક એક પ્રતિનિધિમંડળ સાથે ઓસ્ટ્રિયા જવાના હતા, પરંતુ તેમની પાસે કોટ નહોતો. ત્યારે એક મિત્રનો કોટ માંગીને તે ઓસ્ટ્રિયા ગયા. તે પછી, જ્યારે તે યુગોસ્લાવિયા ગયા, ત્યારે માર્શલ ટીટોએ જોયું કે તેમનો કોટ ફાટી ગયો હતો. જ્યારે તેઓ પહેલીવાર નાયબ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે તેમના પુત્ર રામનાથને એક પત્ર લખ્યો હતો. આ વાતનો ઉલ્લેખ કરતા તેમના પુત્ર રામનાથે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે પત્રમાં ત્રણ બાબતો લખવામાં આવી હતી – “તમે આનાથી પ્રભાવિત થશો નહીં.” જો કોઈ તમને લલચાવે તો એ લોભમાં ન પડો. મારી બદનામી થશે.” સીએમ બન્યા પછી પણ તેમણે આ જ પત્ર તેમના પુત્રને લખ્યો હતો.

પૂર્વ વડાપ્રધાન ચરણસિંહ એકવાર કર્પૂરી ઠાકુરના ઘરે ગયા હતા. તેમના ઘરનો દરવાજો એટલો નાનો હતો કે ચૌધરી ચરણસિંહને માથામાં ઈજા થઈ હતી. આના પર ચરણસિંહે કહ્યું હતું કે, ‘કર્પૂરી, આને થોડો ઊંચો કરાવો.’ ત્યાંરે કર્પૂરીનો જવાબ આવ્યો કે, ‘જ્યાં સુધી બિહારના ગરીબોના ઘર નહીં બને તો મારું એકનું ઘર બનવાથી શું થશે?’ તો એકવાર કર્પૂરી ઠાકુર મંચ પરથી ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન તેઓ બોફોર્સ કૌભાંડ પર રાજીવ ગાંધીના કથિત સ્વિસ બેંક ખાતાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. ભાષણ દરમિયાન જ તેમણે ધીમે ધીમે કાગળની કાપલી પર લખ્યું અને પૂછ્યું કે ‘કમળ’ને અંગ્રેજીમાં શું કહેવાય? અને ત્યારે લોકદળના તત્કાલિન જિલ્લા મહાસચિવ હલધર પ્રસાદે એ સ્લિપ પર ‘લોટસ’ લખીને કર્પૂરી તરફ ચિઠ્ઠી પાછી મોકલી હતી. આ પછી તેણે કહ્યું કે, ‘રાજીવ એટલે કમળ, અને કમળને અંગ્રેજીમાં લોટસ કહે છે. રાજીવ ગાંધીનું આ જ નામે સ્વિસ બેંકમાં ખાતું છે.

1967માં જ્યારે તેઓ પ્રથમ વખત નાયબ મુખ્યપ્રધાન બન્યા ત્યારે તેમણે અંગ્રેજીની આવશ્યકતા નાબૂદ કરી હતી. આ કારણે તેમની ટીકા પણ થઈ હતી. અને તે સમયે અંગ્રેજીમાં મેટ્રિકમાં નાપાસ થયેલા લોકોને ‘તું કર્પૂરી વિભાગમાંથી પાસ થયો છે’ કહીને તેમની મજાક ઉડાવવામાં આવતી હતી. 1970માં કર્પૂરી ઠાકુર પ્રથમ વખત મુખ્યમંત્રી બન્યા હતા,અને તેમની સરકાર માત્ર 163 દિવસ ચાલી હતી. 1977 માં જ્યારે તેઓ ફરીથી મુખ્યમંત્રી બન્યા, ત્યારે બિહાર OBC માટે અનામત લાગુ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું.1978 માં કર્પૂરી ઠાકુરે બિહારમાં બહુવિધ સ્તરે આરક્ષણ લાગૂ કર્યું. આમાં એકંદરે 26% અનામત આપવામાં આવી હતી. તેમાંથી 20% અનામત અન્ય પછાત વર્ગો એટલે કે OBC માટે હતી. મહિલાઓ અને ઉચ્ચ જાતિઓ સહિત આર્થિક રીતે પછાત લોકો માટે 3-3% અનામતનો પણ આ વ્યવસ્થામાં સમાવેશ કરવામાં આવ્યો.

અનામતની આ પ્રણાલીનો ભારતીય જનસંઘ દ્વારા જોરદાર વિરોધ પણ કરવામાં આવ્યો હતો, જ્યારે જનસંઘ તે સમયે જનતા પાર્ટીની સરકારનો મુખ્ય હિસ્સેદાર હતો.1990માં લાલુ પ્રસાદ યાદવ બિહારના ખગરિયા જિલ્લામાં ભાષણ આપી રહ્યા હતા. જેમાં કર્પૂરી ઠાકુરનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે – ‘જ્યારે કર્પૂરીજી આરક્ષણની વાત કરતા હતા ત્યારે લોકો તેમને ગાળ આપીને અપમાનિત કરતા હતા. અને, જ્યારે હું અનામતની વાત કરું છું, ત્યારે લોકો દુર્વ્યવહાર કરતાં પહેલાં આસપાસ જુએ છે કે કોઈ પછાત-દલિત-આદિવાસી સાંભળે છે કે નહીં.’

આપને જણાવી દઈએ કે કર્પૂરી ઠાકુરની જન્મજયંતીની ઉજવણીને લઈને પણ બિહારી ભાજપ અને જેડીયુ વચ્ચે સંઘર્ષ છે. બિહાર બીજેપી અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ આરોપ લગાવ્યો છે કે પટનામાં મિલર હાઈસ્કૂલનું મેદાન ભાજપની રેલી માટે ફાળવવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લી ઘડીએ તે જેડીયુને આપવામાં આવ્યું હતું. હવે JDU આ જ મેદાનમાં 24મી જાન્યુઆરીએ કર્પૂરી ઠાકુરની જન્મજયંતી પર એક મોટો કાર્યક્રમ આયોજિત કરવા જઈ રહી છે. ચૌધરીએ કહ્યું કે જો ભાજપને મેદાન આપવામાં નહીં આવે તો પાર્ટી તેના કાર્યક્રમો બીરચંદ પટેલ માર્ગ પર યોજશે. તો કર્પૂરી ઠાકુરનો જન્મદિવસ JDU અને RJDના કાર્યાલયની સામે ઉજવવામાં આવશે.

જનનાયક કર્પૂરી ઠાકુરનું સમાજના પછાત અને વંચિત વર્ગોને સશક્ત બનાવવા માટે અને યોગ્ય રીતે આગળ વધે તે માટે સંપૂર્ણ વ્યવસ્થા તૈયાર કરવામાં સૌથી મહત્વપૂર્ણ યોગદાન છે. બિહારમાં 2023 માં હાથ ધરવામાં આવેલી જાતિ વસ્તી ગણતરી અનુસાર, અત્યંત પછાત વર્ગો એટલે કે EBC એ 36.02% વસ્તી સાથેનો સૌથી મોટો સમુદાય છે. કર્પૂરી પણ EBC કેટેગરીના હતા. આ પછી, અન્ય પછાત વર્ગો એટલે કે OBCની વસ્તી 27.13% છે અને અનુસૂચિત જાતિ એટલે કે SCની વસ્તી 19.66% છે. લોકસભા ચૂંટણીના દૃષ્ટિકોણથી બિહારમાં અત્યંત પછાત જાતિઓની વિશેષ ભૂમિકા છે. તમામ પક્ષો તેમને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં સામાજિક ન્યાયના હીરો ગણાતા કર્પૂરી ઠાકુરનું મહત્વ વધુ વધી ગયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ