સુરેન્દ્રનગર/ ખારાઘોડા-ફુલકી રોડ રૂ. 9 કરોડના ખર્ચે આવતા અઠવાડિયાથી નવો બનશે

25 કિ.મી.ના આ રસ્તા પર ઠેર-ઠેર મસમોટા ગાબડા પડતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા

Gujarat Others
Untitled 294 ખારાઘોડા-ફુલકી રોડ રૂ. 9 કરોડના ખર્ચે આવતા અઠવાડિયાથી નવો બનશે

મીઠા ઉદ્યોગના મોટા સેન્ટર એવા ખારાઘોડાથી ફુલ્કી સુધીનો 25 કિ.મી.નો રોડ કાયમ ટ્રાફિકથી ધમધમતો રહે છે. પરંતુ 25 કિ.મી.ના આ રસ્તા પર ઠેર-ઠેર મસમોટા ગાબડા પડતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ રોડ અગાઉ મંજૂર થવા છતાં કામ હાથ ન ધરાતા લોકોમાં રોસની લાગણી ફેલાવા પામી હતી. આથી દસાડા તાલુકા પંચાયતના પ્રમુખની ધારદાર રજૂઆતોને ધ્યાને લઇ માર્ગ-મકાન અને પંચાયત વિભાગ દ્વારા આગામી અઠવાડિયાથી ખારાઘોડા-ફુલકી રોડ રૂ. 9 કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે.

પાટડી નગર એ સુરેન્દ્રનગર જીલ્લાનું ગામ હોવા છતાં પાટડીના વેપારીઓ માટે ખરીદીનું મુખ્ય કેન્દ્ર અમદાવાદ છે.વધુમાં પાટડી તાલુકાનું ખારાઘોઢા અને ઝીંઝુવાડા એ મીઠા ઉદ્યોગનું મોટુ સેન્ટર હોવાથી અહીંથી ટ્રકો દ્વારા મીઠાનું મોટા પાયે ગુજરાતમાં અને છેંક પર પ્રાંતમાં લોડીંગ થતુ હોવાથી ખારાઘોડા-પાટડી-ફુલકી અને વિરમગામ હાઇવે કાયમ ટ્રાફિકથી ધમધમતો જ રહે છે. પાટડી ફૂલકી રોડ પર ઐતિહાસીક વર્ણીન્દ્રધામ મંદિર પણ આવેલું છે. આથી આ રસ્તા પર દર્શનાર્થીઓના વાહનોનો પણ મોટા પાયે ધસારો રહે છે.

ખારાઘોડા-પાટડી-ફુલકી વચ્ચેના 25 કિમીના રસ્તામાં ઠેર-ઠેર કડ અને ગડારા પડી જતા આ રસ્તેથી પસાર થતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. એમાય પાટડી, જરવલા અને નવરંગપુરા ગામ પાસેનો રસ્તો એકદમ ઉબડખાબડ થતા વાહનોના ટાયર ફાટવાના સંખ્યાબંધ બનાવો બને છે. આથી લાગતા વળગતા તંત્ર દ્વારા તાકિદે રીપેરીંગ કામ હાથ ધરાય એવી વ્યાપક માંગ આ રસ્તેથી કાયમ પસાર થતા વાહનચાલકોએ ઉઠાવી હતી.

આ રોડ અગાઉ મંજૂર થવા છતાં કામ હાથ ન ધરાતા લોકોમાં રોસની લાગણી ફેલાવા પામી હતી. આ અંગે લોકો દ્વારા લાગતા-વળગતા તંત્રને અનેકો રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા આંખ આડા કાન કરી કોઇ જ કાર્યવાહી હાથ ધરાઇ નહોંતી. આથી દસાડા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રકાશભાઇ ડોડીયાની ધારદાર રજૂઆતોને ધ્યાને લઇ માર્ગ-મકાન અને પંચાયત વિભાગ દ્વારા આગામી અઠવાડિયાથી ખારાઘોડા-ફુલકી રોડ રૂ. 9 કરોડના ખર્ચે નવો બનાવવાનું નક્કી કરાતા લોકોમાં અને વાહનચાલકોમાં ખુશીની લહેર દોડી જવા પામી છે.

આ અંગે દસાડા તાલુકા પંચાયતના યુવા પ્રમુખ પ્રકાશભાઇ ડોડીયાએ જણાવ્યું કે, વરસાદ બાદ પાટડી તાલુકાના મુખ્ય હાઇવે અને અંતરિયાળ રસ્તાઓ બિસ્માર બનતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં હતા. આથી માર્ગ-મકાન અને પંચાયત વિભાગમાં રજૂઆત કરાયા બાદ સુરેન્દ્રનગરથી વાયા માલવણ-પાટડી-દસાડા અને બેચરાજી સહિત પાટડી તાલુકાના તમામ અંતરિયાળ ગામોના બિસ્માર રસ્તાના ખાડા પુરવાનુ તથા રિપેરિંગ અને પેચિંગનું કામ યુધ્ધના ધોરણે હાથ ધરાયું છે.