Ahmedabad News : અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં હાઉસ કીપિંગ કંપનીમાં કામ કરતા કર્મચારીઓએ પગાર બાકી રહેતા પોતાના જ ફિલ્ડ સુપરવાઈઝર(Supervisor)નું ફિલ્મી અંદાજમાં અપહરણ(Kidnapping)કર્યું હતું. આરોપીઓએ સુપરવાઈઝરને ગાડીમાં બેસાડી અલગ-અલગ સ્થળોએ લઈ જઈ બેરહેમીથી માર માર્યો હતો.
માહિતી મુજબ, રાજ બારોટ નામનો યુવાન કંપનીમાં ફિલ્ડ ઓફિસર તરીકે કામ કરતો હતો. તેણે પોતાના બે મિત્રોને પણ નોકરી પર રાખ્યા હતા, પરંતુ તેમને સમયસર પગાર ન મળતા વિવાદ વધતો ગયો હતો. 24 માર્ચની સાંજે રાજ ઘરે જઈ રહ્યો હતો ત્યારે આરોપીઓએ તેને ફોન કરીને ભીમજીપુરા બોલાવ્યો હતો.
જ્યાં પહોંચતા જ આરોપીઓએ રાજને રસ્તા વચ્ચે રોકી લાકડીઓ અને પટ્ટાથી ઢોર માર માર્યો અને જબરદસ્તી ગાડીમાં બેસાડી લીધો. બાદમાં તેને ચાંદલોડિયા રેલવે સ્ટેશન નજીકની ખુલ્લી જગ્યાએ લઈ જઈ ફરીથી મારપીટ કરી હતી. અહીં અન્ય સાથીઓને પણ બોલાવી હુમલો વધુ ઉગ્ર બનાવાયો હતો.
આટલું જ નહીં, આરોપીઓએ પીડિત પાસેથી માફી મંગાવતો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો, જેથી પોતાની દાદાગીરી બતાવી શકે.
ઘટનાની જાણ થતાં વાડજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અપહરણ (Kidnapping)અને રાયોટિંગ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે વિશાલ વાણીયા, નયન સાગડીયા, પિન્ટુ મકવાણા, હર્ષ મોભ, મિહીર મોભ સહિત બે સગીર મળી કુલ સાત આરોપીઓને ઝડપ્યા છે.
પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
