Mahisagar News : મહીસાગર જિલ્લાના લુણાવાડામાં સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરનાર ભૂમાફિયા(Land Mafia) ઓ સામે જિલ્લા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. લુણાવાડાના કલેક્ટર અર્પિત સાગરના માર્ગદર્શન હેઠળ લાંબા સમયથી ચાલતી ગેરકાયદે બાંધકામની પ્રવૃત્તિઓ સામે હવે સર્જિકલ સ્ટ્રાઈક જેવી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેના કારણે ભૂમાફિયાઓ (Land Mafia) માં ભારે ચકચાર મચી ગઈ છે.
ભૂમાફિયાઓ (Land Mafia) માં ભારે ચકચાર મચી
લુણાવાડા–ગોધરા હાઈવે પર આવેલી કિંમતી સરકારી જમીન પર દબાણ કરીને કરોડો રૂપિયાનું ગેરકાયદે બાંધકામ કરાયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. રહેણાંક હેતુ માટે મળેલી પરવાનગીનો દુરુપયોગ કરી અનેક સ્થળોએ કોમર્શિયલ કોમ્પ્લેક્સ, દુકાનો અને શેડ ઉભા કરવામાં આવ્યા હતા. મંજૂર પ્લાન કરતાં અનેક ગણું વધુ બાંધકામ કરાયું હોવાનું પણ સ્પષ્ટ થયું છે.
ખાસ કરીને સર્વે નંબર 1187ની સરકારી ખરાબાની જમીન પર કોઈપણ પ્રકારની મંજૂરી વિના દુકાનો અને શેડ બાંધવામાં આવ્યા હતા. જ્યાં માત્ર 244 ચોરસ મીટર બાંધકામની મંજૂરી હતી, ત્યાં અંદાજે 1620 ચોરસ મીટર જેટલું વિશાળ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.
કલેક્ટરે શરતભંગ, હેતુ ફેરફાર, રેખા નિયંત્રણનો ભંગ તેમજ સરકારી જમીન ગેરરીતે કબજે કરવાના ગુનાઓને ગંભીર ગણીને તમામ વિવાદિત મિલકતો જપ્ત કરી “શ્રી સરકાર” કરવાની કાર્યવાહીનો આદેશ આપ્યો છે. આ કાર્યવાહી હેઠળ લુણાવાડા નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા રાકેશ પંડ્યા સહિત નરેન્દ્રપ્રસાદ પટેલ, રમેશ શાહ અને વિષ્ણુ પટેલ જેવા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવ્યા છે.
જિલ્લા પ્રશાસને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી જમીન પર ગેરકાયદે દબાણ અને નિયમોના ઉલ્લંઘનને હવે કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. આગામી સમયમાં પણ આવા ગેરકાયદે બાંધકામો કરતા ભૂમાફિયાઓ (Land Mafia) સામે કડક કાર્યવાહી યથાવત રહેશે.
