Lifestyle: આજકાલ માર્કેટમાં ઘણા સરસ લીંબુ મળે છે. જો તમે અથાણા ખાવાના શોખીન હો તો આ સમય પરફેક્ટ છે…બજારમાંથી તાજા લીંબુ લાવો અને ફટાફટ લીંબુનું અથાણું (Lemon Pickle) બનાવી દો! અહિં અમે તમારા માટે સરળ લીંબુના અથાણાની રેસિપી લઇને આવ્યા છીએ…

અથાણામાં દાદીમા અને નાનીમાના હાથનો સ્વાદ મળશે
લીંબુ સ્વાદમાં ઘણા ખાટા હોય છે પણ ઘણા લોકોને એનો સ્વાદ પસંદ હોય છે. લીંબુમાં ગળપણ ઉમેરીને તમે ખાટુંમીઠું અથાણું બનાવી શકો છો. આપણા દાદીમા અને નાનીમા (Dadi-Nani) તો મોટી ચિનાઇ માટીની બરણીઓ (Porcelain Clay Jar) ભરી-ભરીને અથાણા બનાવતા હતા, જો કે એ વખતે સંયુક્ત કુટુંબો હોવાથી અથાણાનો વપરાશ પણ વધારે થતો હતો. હવે મોટા ભાગે ન્યુક્લિયર ફેમિલી બની ગયા છે અને અથાણા બનાવવાની કળા જાણે કે વિસરાતી જાય છે!
કામકાજી મહિલાઓ અને હવે તો અમુક ગૃહિણીઓ પણ બજારમાં મળતા તૈયાર અથાણા લાવવાનું પસંદ કરે છે. પણ આ તૈયાર અથાણામાં પ્રિઝર્વેટિવ્સ (Preservatives) મિક્સ કરેલા હોય છે અને એની શુદ્ધતાની પણ ખાત્રી હોતી નથી! આ પરંપરાગત રીતે અથાણું બનાવવાથી વર્ષો સુધી તમારા અથાણામાં ફૂગ (Fungus) નહિં લાગે અને એનો સ્વાદ પણ વરસોવરસ વધતો જશે! આ રેસિપી (Recipe)થી અથાણું બનાવશો તો એની શેલ્ફ લાઇફ લાંબી રહેશે!
શી રીતે બનાવશો લીંબુનું અથાણું (Lemon Pickle)?
લીંબુનું અથાણું બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કિલો લીંબુ
700 થી 750 ગ્રામ ખાંડ
1 ચમચી મીઠું
2 ચમચી લાલ મરચું પાવડર
2 ચમચી આખુ જીરું
1 ચમચી સંચળ
1 ચમચી સૂંઠ પાવડર
1 ચમચી મરી પાવડર

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ તાજા રસદાર લીંબુ (Fresh Lemon)ને સારી રીતે ધોઇને સ્વચ્છ કપડાથી લૂછી લેવા. ત્યારબાદ એમને 4 થી 8 ભાગમાં સમારી લેવા. તમે ઇચ્છો તો લીંબુમાં વચ્ચેથી 4 કટ લગાવીને, આખુ રાખીને પણ સમારી શકો છો.
2. તમારે જો લીંબુના ફાડિયા કરવા હોય તો નાના લીંબુના 4 ભાગ અને મોટા લીંબુના 8 ભાગ કરી લેવા.
3. સમારેલા તમામ લીંબુમાંથી બધો જ રસ નિચોવીને એક વાસણમાં કાઢી લો. એના બિયા પણ આ રસને ગાળીને દૂર કરી લેવા જેથી એ ખાવામાં અથાણું કડવું ન લાગે.
4. હવે રસ કાઢેલા લીંબુના ટુકડાઓમાં મીઠું (Salt), સંચળ, લાલ મરચું, સૂંઠ પાવડર, આખું જીરું વગેરે મિક્સ કરી દો. આ ટુકડાને હાથથી મસાલામાં રગદોળી દો.
5. એક કાચના સ્વચ્છ તડકે તપાવેલા જાર (Glass Jar)માં આ મસાલાયુક્ત લીંબુને હાથ વડે દબાવીને ભરી લેવા.

6. હવે ઉપરથી ગાળેલા લીંબુના રસને ઉમેરી દેવો. આ જારનો ખુલ્લો ભાગ મલમલના કપડાથી ઢાંકીને ઉપર દોરી બાંધી દો.
7. આ કાચના જાર અથવા ચિનાઇ માટીના જારને તડકે તપવા માટે મૂકી દેવો. 2 દિવસ પછી એનું કપડું દૂર કરીને ઢાંકણું લગાવી દેવું.
8. આ રીતે જારને દરરોજ આશરે 5 થી 6 દિવસો સુધી તડકે રાખવો અને દરરોજ એક વાર મૂકતા અને એકવાર તડકેથી લાવતી વખતે યાદ કરીને હલાવી લેવું. આ માટે તમે જે સ્ટીલનો ચમચો વાપરો એ તદ્દન કોરો અને સ્વચ્છ હોવો જોઇએ નહિં તો ભેજના કારણે અથાણું બગડી શકે છે!
8. થોડા સમય પછી લીંબુનો એક ટુકડો બહાર કાઢીને એને હાથ વડે દબાવીને જોઇ લેવો. જો એની છાલ ગળી ગયેલી જણાય તો એમાં ખાંડ ઉમેરી દેવી.
9. અથાણાને હલાવીને ફરીથી આ જ રીતે બે ત્રણ દિવસ તડકે રાખવું. ખાંડ (Sugar) મિક્સ થઇને ઓગળી જાય એટલે અથાણું તૈયાર થઇ જશે.

તો તૈયાર છે તમારું ખટમીઠું લીંબુનું અથાણું…જેને તમે રોટલી, પરોઠા અને ખીચડી સાથે મજાથી વરસોવરસ સુધી ખાઇ શકો છો!
આ પણ વાંચો: તેલનો ઉપયોગ કર્યા વિના બનાવો લીલા મરચાનું અથાણું…એ પણ પાણીવાળું!…અલગ પ્રકારની રેસિપી…
આ પણ વાંચો: દાદી-નાનીની સ્ટાઈલમાં બનાવો લીલા વટાણાનું ચટાકેદાર અથાણું, રોટલી-પરોઠાનો સ્વાદ થઈ જશે બમણો
આ પણ વાંચો: આદુ મરચાનું અથાણું બનાવો…સ્વાદિષ્ટ જબરદસ્ત રેસિપી… લિજ્જત આવી જશે.!
