MANTAVYA Vishesh/ રાજીવ ગાંધીને રામ મંદિરનું તાળું ખોલવાની જરૂર કેમ પડી?

શું તમે જાણો છો કે રામ મંદિરના નિર્માણ પાછળ એક નહી પણ અનેક પેઢીઓનું અસંખ્ય બલિદાન રહેલું છે.તારીખ1 ફેબ્રુઆરી,1986 ફૈઝાબાદની કોર્ટ રામમંદિરનું તાળું ફરી ખોલવાનો ફેંસલો સંભળાવ્યો. જેણે ભારતીય રાજનીતિમાં સેક્યુલારિઝમની આખી પરિભાષા કેવી રીતે બદલી નાખી જુઓ આ વિશેષ રિપોર્ટમાં…

Mantavya Exclusive Mantavya Vishesh
રામમંદિર

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના ઉદ્ઘાટનની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રામ ભક્તોનો ઉત્સાહ વધી રહ્યો છે. આ સમારોહને ખૂબ જ ભવ્ય બનાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.મહત્વનું છે કે ભગવાન શ્રી રામ 22 જાન્યુઆરી 2024ના રોજ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે.પરંતુ શું તમે જાણો છો કે રામ મંદિરના નિર્માણ પાછળ એક નહી પણ અનેક પેઢીઓનું અસંખ્ય બલિદાન રહેલું છે. રામ મંદિર આંદોલન માટે લાખો રામ ભક્તો અને કાર સેવકોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે.

આજે જ્યારે રામ મંદિર તેના નવા, ભવ્ય અને દિવ્ય સ્વરૂપમાં આકાર લઈ રહ્યું છે ત્યારે આ આંદોલન સાથે જોડાયેલી કેટલીક ઘટનાઓને યાદ કરવી જરૂરી બની જાય છે. તારીખ હતી 1 ફેબ્રુઆરી,1986.ઉત્તર પ્રદેશના ફૈઝાબાદની કોર્ટની બહાર ચુસ્ત પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મિડીયાના મિત્રો કેમેરા સાથે કોર્ટરૂમની બહાર ઐતિહાસિક ઘટનાના કવરેજ માટે તૈયારી કરી રહ્યા હતા.સૌની નજર કોર્ટના ફેંસલા પર હતી.

આખરે સાંજે  4.40 કલાકે ભારતના રાજકારણમાં ભૂકંપ લાવનાર એ ઐતિહાસિક ફેંસલો આવી ગયો.આ ફેંસલો રામ-મંદિર આંદોલનનું એક મહત્ત્વનું પ્રકરણ હતું અને એ ફેંસલો હતો રામમંદિરનું તાળું ફરી ખોલવાનો. રામમંદિરના દરવાજા ફરી ખોલવાનો. વર્ષ 1949માં લાગેલું રામમંદિરનું તાળું ફરી ખોલવાના આ ફેંસલાએ ભારતીય રાજનીતિમાં સેક્યુલારિઝમની આખી પરિભાષા બદલી નાખી અને હિન્દુત્વની આબોહવાને વેગ આપીને રામમંદિર-આંદોલનમાં પણ પ્રાણ પૂર્યા. આ ઐતિહાસિક ફેંસલાની પૂર્વભૂમિકા પણ રસપ્રદ અને રાજકીય ઇતિહાસમાં ચર્ચાસ્પદ છે…

જનતા મોરચાની હાર અને ભારતીય જનતા પાર્ટી રચના

એંશીનો દાયકો રામમંદિર-આંદોલનનો નિર્ણયાત્મક તબક્કો રહ્યો.લોકસભા ઇલેક્શનમાં મોરારજી દેસાઇના નેતૃત્વવાળા ‘જનતા મોરચા’ની કારમી હાર થઈ. કોંગ્રેસે 520માંથી 362 સીટ જીતી હતી. જનતા પાર્ટીને 32 બેઠકો અને જનસંઘને મળી 16 બેઠકો. તેથી દેશમાં ફરી ઇન્દિરા ગાંધીની સરકાર આવી. આ કારમી હાર માટે જનતા પાર્ટીએ દોષનો ટોપલો ઢોળ્યો ‘જનસંઘ’ પર.

જગજીવનરામે એક પત્ર લખીને ચૂંટણીમાં હાર માટે જનસંઘને દોષિત ઠેરવ્યો. જનતા પાર્ટીએ બેવડી સદસ્યતાનો મુદ્દો ઉઠાવ્યો. એટલે કે, જનસંઘનો પ્રતિનિધિ ‘સંઘ’ સાથે જોડાયેલો ન હોવો જોઈએ. તારીખ 4 એપ્રિલ,1980ના રોજ જનતા પાર્ટીએ એક બેઠક બોલાવી અને બહુમતથી એલાન કર્યું કે – જનસંઘનો કોઇ નેતા RSS સાથે જોડાયેલો ન હોવો જોઈએ.એલાન બાદ વાજપાઇ અને અડવાણી સહિતના જનસંઘના ટોચના નેતાઓએ જનતા પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો.

બીજા દિવસે એટલે કે, તારીખ 5 એપ્રિલ,1980ના રોજ ફિરોઝશાહ-કોટલામાં એક બેઠક થઈ. 3500થી વધારે પાર્ટી પ્રતિનિધિ ઊમટી પડ્યા હતા. મહાત્મા ગાંધી અને જયપ્રકાશ નારાયણની સાથે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની તસવીર પણ લાગેલી હતી. આ બેઠકમાં વકીલ શાંતિ ભૂષણ અને રામ જેઠમલાણી તથા મુસ્લિમ નેતા સિકંદર બખ્ત પણ સામેલ હતા. લાલકૃષ્ણ અડવાણીએ એક નવી પાર્ટી બનાવવાની ઘોષણા કરી. પાર્ટીના અધ્યક્ષ બન્યા અટલ બિહારી વાજપાઇ અને સંગઠનની બાગડોર સંભાળી લાલકૃષ્ણ અડવાણીએ. પાર્ટીને નામ આપવામાં આવ્યું ‘ભારતીય જનતા પાર્ટી’ એટલે કે ‘ભાજપા’! – 1980ના દાયકામાં હિન્દુજુવાળ ઊભો થઇ રહ્યો હતો. મતદાતા જમણેરી વિચારધારા તરફ સરકી રહ્યા હતા. પણ ત્યાં જ એક એવી ઘટના ઘટી જેણે આખા દેશમાં ચર્ચા જગાવી.

મીનાક્ષીપુરમ ધર્મપરિવર્તનના પડયા ઘેરા પ્રત્યાઘાતો

19 ફેબ્રુઆરી,1981ના રોજ તમિળનાડુના મીનાક્ષીપુરમમાં મુસ્લિમ લીગના નેતાઓની દેખરેખ હેઠળ પાંચસોથી વધુ દલિતોએ ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાનો નિર્ણય કર્યો હતો. દલિતોએ પોતાના વાળ કપાવ્યા અને કલમા પઢી અને પશ્ચિમ બાજુ ઝૂકીને નમાઝ પઢી. ગામમાં એક મસ્જિદ પણ બનાવવામાં આવી. મીનાક્ષીપુરમ જેવા નાના ગામમાં બનેલી આ ઘટનાના હિન્દુ વર્ગમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા. મીનાક્ષીપુરમની ઘટના બાદ સંઘે વિશ્વ હિન્દુ પરિષદને ફરી એક્ટિવેટ કર્યું. 1964માં ‘વિશ્વ હિન્દુ પરિષદ’ની સ્થાપના થયેલી. વિહિપ સ્થાપનાનો હેતુ હિંદુ ધર્મના ભિન્ન-ભિન્ન સંપ્રદાયો અને સાધુઓને એક મંચ પર લાવવાનો હતો. 1967થી 1981 સુધી વિહિપ ખાસ સક્રિય ન રહી. સંઘે વિહિપને ફરી સક્રિય કરતાં અશોક સિંઘલની આગેવાની નીચે વિહિપે ધર્મપરિવર્તન સામે અવાજ ઉઠાવીને હિન્દુ એકતાને ઢંઢોળવાનું શરૂ કર્યું.

એકાત્મ-યાત્રાનું આયોજન

મીનાક્ષીપુરમના પ્રત્યાઘાતરૂપે, હિન્દુઓને એકજૂથ કરવા માટે સંઘે નવેમ્બર-ડિસેમ્બર,1983માં એકાત્મ-રથયાત્રાનું આયોજન કર્યું. આ યાત્રાને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવી. યાત્રાનો એક ભાગ હરિદ્વારથી પ્રારંભ થયો, બીજો ભાગ નેપાળના પશુપતિનાથ મંદિર અને ત્રીજા ભાગનો પ્રારંભ પશ્ચિમ બંગાળના ગંગાસાગરથી થયો. હરિદ્વારથી પ્રારંભ થયેલો ભાગ તમિળનાડુના રામેશ્વરમ્, નેપાળથી શરૂ થનારી યાત્રા કન્યાકુમારી અને ગંગાસાગરથી શરૂ થનારી યાત્રા સોમનાથ સુધી જવાની હતી. – આ ત્રણ મુખ્ય યાત્રાઓની સાથે બીજી અન્ય લઘુયાત્રાઓ પણ સ્થાનિક સ્તરે સામેલ થઈ. આ રથયાત્રાને એ રીતે આયોજિત કરવામાં આવી હતી કે, મહત્તમ ધાર્મિક સ્થળોએ યાત્રાને આરામ કરવા મળી શકે.આ રથયાત્રા દરમિયાન ભારતમાતાના એક ચિત્રની સાથે ગંગાજળનો એક કળશ પણ રાખવામાં આવ્યો હતો. આ યાત્રા દરમિયાન ધાર્મિક પુસ્તકો, ભારતમાતાનાં કેલેન્ડર, સ્ટિકર વગેરેના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા. આ યાત્રાને હિન્દુ વર્ગ તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો.

દિલ્હીમાં ‘વિશ્વ હિન્દુ પરિષદે’ પહેલી ધર્મસભા યોજીને કહ્યું કે…તારીખ 7 એપ્રિલ, 1984ના રોજ વિશ્વ હિન્દુ પરિષદે પહેલી ધર્મસભાનું દિલ્હીમાં આયોજન કર્યું. જેમાં વિભિન્ન સંપ્રદાયોના 600 જેટલા ધર્મગુરુઓ સામેલ હતા. આ ધર્મગુરુઓએ ગુરુદ્વારાને અપીલ કરી કે, ઉગ્રવાદીઓને આશરો ન આપવામાં આવે. ધર્મસભામાં હિન્દુ અને શીખ વચ્ચે કોઈ દુશ્મની ન હોવાની ધર્મગુરુઓએ વાત કરી અને આ સાથે રામજન્મભૂમિને વિધર્મીઓની કેદમાંથી મુક્તિ અપાવવાનો પણ સભામાં નિર્ણય લેવાયો.

તો બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા દાઉ દયાલ ખન્નાએ વિશ્વ હિન્દુ પરિષદના મંચ પરથી મથુરા, કાશી અને અયોધ્યામાં મંદિરોને તોડીને બનાવેલી મસ્જિદો હટાવવા હાકલ કરી. દાઉ દયાલ ખન્નાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલઝારી લાલ નંદા અને અન્ય RSSના નેતાઓ સામે પણ પોતાની વાત દોહરાવી. આ પછી સંઘ-પ્રચારકોએ રામમંદિર મુદ્દે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ઘણી બેઠકો કરી. આ મુદ્દાને તત્કાલીન સંઘપ્રમુખ બાલાસાહેબ દેવરસ સામે મૂકવામાં આવ્યો હતો. દેવરસે પ્રચારકોને કહ્યું, ‘ત્રણ દાયકા સુધી લડવા માટે તૈયાર રહો. આપણા સૌના ધૈર્યની પરીક્ષા થવાની છે. જે પૂરા ધૈર્ય સાથે અંત સુધી લડશે, અંતિમ જીત એની થશે.’ સંઘે આ અગાઉ ગૌ-હત્યા કાયદા માટે હસ્તાક્ષર અભિયાન લોન્ચ કર્યું હતું. આ જ અભિયાનની તર્જ પર એકસાથે સમગ્ર દેશમાં રામજન્મભૂમિ આંદોલનનાં મંડાણ કરવાની રણનીતિ ઘડાઈ.

સપ્ટેમ્બર, 1984માં રામજન્મભૂમિને સ્વતંત્ર કરાવવા માટે એક સમિતિની રચના કરવામાં આવી. આ સમિતિના અધ્યક્ષ હતા મહંત અવૈદ્યનાથ. યોગી આદિત્યનાથના ગુરુ. સમિતિએ બિહારના સીતામઢીથી 400 કિ.મી. દૂર અયોધ્યા સુધીની એક યાત્રાનું આયોજન કર્યું. યાત્રામાં સામેલ ટ્રકમાં રામ અને સીતાની મૂર્તિ રાખવામાં આવી હતી. આ યાત્રા તારીખ 6 ઓકટોબર,1984ની સાંજે સરયૂ નદીના પુલ પર આવીને પૂરી થઈ. બીજા દિવસે સરયૂના તટ પર એક કાર્યક્રમનું આયોજન કરાયું. જેમાં અંદાજે 60,000 લોકો સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં દરેક વક્તાએ તેજાબી ભાષણો આપીને રામજન્મભૂમિ મુક્તિ પર ભાર આપ્યો.

ઑપરેશન બ્લુ સ્ટાર

ઇન્દિરા ગાંધીએ શીખ ઉગ્રવાદીઓ સામે ઑપરેશન બ્લુ સ્ટાર લોન્ચ કર્યું. પાંચ દિવસ ચાલેલા આ ઑપરેશનમાં 700 જેટલા સૈનિકો અને ભીંડરાંવાલે સહિત 2000 લોકો માર્યા ગયા. શીખોમાં રોષની લાગણી જન્મી. આ આક્રોશ ઇન્દિરાની હત્યા સુધી આવીને અટક્યો. તારીખ 31 ઓકટોબર,1984ના રોજ ઇન્દિરાની એમના જ બોડીગાર્ડ્સ દ્વારા હત્યા થઈ. ઑપરેશન બ્લુ સ્ટારના એક મહિના બાદ પણ પંજાબમાં હિંદુઓ અને શીખો વચ્ચેના હિંસાત્મક સંઘર્ષની લોહિયાળ દાસ્તાન પૂરી થવાનું નામ નહોતી લેતી.તેવામાં વર્ષ-1984ની ચૂંટણીમાં ભાજપની કારમી હાર થઈ.ભાજપ માત્ર બે જ બેઠક અંકે કરી શકી.જયારે કોંગ્રેસની 414 બેઠક સાથે ભવ્ય જીત થઈ અને રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યાં. છે. રાજીવ ગાંધીના વડાપ્રધાનપદ તરીકેના કાર્યકાળ દરમિયાન શાહબાનો પ્રકરણ એક મહત્ત્વની ઘટના રહી.શાહબાનો કેસની મૂળ વાત એવી હતી કે, મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતી પાંચ બાળકોની માતા એવી શાહબાનો નામની 62 વર્ષની મહિલાને તેનાં વકીલ પતિ મોહમ્મદ અહેમદ ખાને વર્ષ 1978માં ત્રણ વાર ‘તલાક’ શબ્દનો ઉચ્ચાર કરીને લગ્નસંબંધમાંથી ફારગતી આપી હતી. તેની સામે શાહબાનોએ સર્વોચ્ચ અદાલત સુધી કાનૂની લડત આપીને – ત્રણ તલાક મુસ્લિમ મહિલાઓના અધિકારનો ભંગ કરતા હોવાનો દાવો કર્યો હતો. સુપ્રીમે શાહબાનોના પક્ષમાં ચુકાદો આપતાં સમગ્ર દેશમાં મુસ્લિમોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો.મુંબઇ, દિલ્હી, પટના, કલકત્તા,કાનપુર, હૈદરાબાદ જેવાં શહેરોની સડકો પર મુસ્લિમ સમાજે રેલીઓ યોજીને વિરોધ પ્રદર્શન કર્યાં. અને ઈસ્લામિક શરિયત (કાનૂન)માં સર્વોચ્ચ અદાલતને પણ દખલગીરી કરવાનો અધિકાર ન હોવાની દલીલો કરી.બાદમાં મુસ્લિમોના દિલ જીતવા માટે રાજીવ ગાંધીના વડપણ હેઠળની તત્કાલીન સરકારે સંસદમાં ભારે બહુમતીના જોરે ઠરાવ પસાર કરીને સર્વોચ્ચ અદાલતના ચુકાદાને રદબાતલ ઠેરવી દીધો હતો. કેન્દ્ર સરકારની આ ચેષ્ટાને મુસ્લિમ-તુષ્ટિકરણનો પ્રયાસ માનીને દેશભરમાં તેની સામે ઉગ્ર કચવાટ ઊભો થયો. રાજીવ ગાંધીની સ્થિતિ ‘સૂડી વચ્ચે સોપારી’ જેવી હતી. રાજીવની કેબિનેટમાંથી કોંગ્રેસ નેતા આરિફ મોહમ્મદ ખાને રાજીનામું આપી દીધું હતું.રાજીવ ગાંધી માટે મુસ્લિમ-તુષ્ટિકરણના આરોપો અને હિન્દુ આક્રોશને ખાળવો જરૂરી હતો ત્યારે આખરે રાજીવ ગાંધી સરકારે રામ-મંદિરનાં તાળાં ખોલાવીને હિન્દુઓને રાજી રાખવાનો પ્રયાસ કર્યો. રાજીવ ગાંધીના આ પગલાથી રાજનીતિ અને સેક્યુલારિઝમની એક નવી પરિભાષા લખાઈ.

તાળું ખોલતાં પહેલાં: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ ‘રામાયણ મેળા’ની મુલાકાત લીધી

દિલ્હીથી સ્પષ્ટ આદેશ મળ્યા બાદ ઉત્તર પ્રદેશના તત્કાલીન CM વીર બહાદુર સિંહ ગોરખપુરપીઠના મહંત અવૈદ્યનાથને મળે છે. અવૈદ્યનાથ રામ-જન્મભૂમિ યજ્ઞ સમિતિના હેડ પણ હતા. વીર બહાદુર સિંહ પણ ગોરખપુરથી બિલોંગ કરતા હતા. એન.ડી. તિવારીને સ્થાને ઉત્તર પ્રદેશના CM બનેલા વીર બહાદુર સિંહ દિલ્હીથી આદેશ મળે એ પહેલાં પોતાના કામમાં લાગી ગયેલા. તાળાં ખોલાયાંના બાર દિવસ પહેલાં એટલે કે તારીખ 19 ડિસેમ્બર,1985ના રોજ વીર બહાદુરસિંહે અયોધ્યામાં આયોજિત ‘રામાયણ મેળા’ની પણ મુલાકાત લીધી હતી. વીર બહાદુરસિંહે અધિકારીઓ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોને મળીને રામજન્મભૂમિનાં તાળાં અંગેનો સંપૂર્ણ અભ્યાસ કર્યો હતો. વીર બહાદુરસિંહને ખ્યાલ આવ્યો કે,- તાળું એડમિનિસ્ટ્રેટિવ દ્વારા મારવામાં આવ્યું છે, નહીં કે જ્યુડિશિયલ દ્વારા. – વીર બહાદુરને દિલ્હીથી આદેશ મળ્યો અને કોર્ટના આદેશથી રામ-મંદિરનું તાળું ખોલવામાં આવ્યું. એક રસપ્રદ વાત એવી છે કે, વર્ષોથી બંધ તાળું ખૂલી રહ્યું ન હતું તો તાળાને બોથડ પદાર્થથી તોડી નાખવામાં આવ્યું હતું!બાબરી મસ્જિદનું તાળું રાજીવ ગાંધીના કહેવા પર ખોલાવવા અને તેનો ઉપયોગ ‘શાહબાનો કેસ (મુસ્લિમ તુષ્ટિકરણ) વિરુદ્ધ રામમંદિર’ કરવાની વાત બિલકુલ ખોટી છે. સાચું તો એ છે કે, ભૂતપૂર્વ વડાપ્રધાનને 1 ફેબ્રુઆરી 1986ના દિવસે અયોધ્યામાં જે થયું એ વિશે કંઈ જ ખબર ન હતી અને અરુણ નેહરુને મંત્રીપદેથી હટાવવાનું પણ આ જ કારણ હતું.આ શબ્દો રાજીવ ગાંધીના વડાપ્રધાન કાર્યાલય (PMO)માં તે સમયના સંયુક્ત સચિવ અને દૂન સ્કૂલમાં એમના જુનિયર રહેલા ભૂતપૂર્વ IAS અધિકારી વજાહત હબીબુલ્લાહના છે. રાજીવ ગાંધીએ વજાહત હબીબુલ્લાહને કહેલું કે, ‘અરુણ નેહરુ અને માખનલાલ ફોતેદારે મારી મરજી વિરુદ્ધ તાળું ખોલવાનો નિર્ણય કર્યો હતો.’વજાહત હબીબુલ્લાહના નિવેદનને આધારે કેટલાક જાણકારો એવી દલીલ કરે છે કે, ‘રાજીવ ગાંધીને બાબરી મસ્જિદનું તાળું ખોલવાની ઘટના અંગે જાણકારી ન હતી.તાળા ખોલવા જેવી મહત્ત્વની ઘટના અંગે રાજીવ ગાંધી અજાણ હોય એ વાત માની શકાય એમ નથી. કોર્ટનો ચુકાદો એક દિવસ પહેલાં જ રિઝર્વ રાખવામાં આવ્યો હતો. ધારો કે રાજીવ ગાંધીને ખબર નહોતી તો ફેબ્રુઆરીથી સપ્ટેમ્બર એમ છ મહિના જેટલો લાંબો ગાળો હતો. કોંગ્રેસના એક સિનિયર નેતાએ  કહેલું કે, બની શકે કે રાજીવ ગાંધીને ખબર હતી, પણ એ નિર્ણયના ઇમ્પ્લિમેન્ટેશનનો અહેસાસ ન હતો.

પ્રણવ મુખર્જીએ રાજીવ ગાંધી અને અરુણ નેહરુની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ ‘પ્રણવ, માય ફાધરઃ અ ડોટર રિમેમ્બર્સ’ નામનું પુસ્તક લખ્યું છે. આ પુસ્તકમાં દાવો કર્યો છે કે, ‘પ્રણવ મુખર્જીના જણાવ્યા અનુસાર જ્યારે વર્ષ-1992માં બાબરી મસ્જિદનું માળખું તોડી પાડવામાં આવ્યું હતું. તે સમયે નરસિમ્હા રાવ દેશના વડાપ્રધાન હતા અને પ્રણવ મુખર્જીએ તેમનો બચાવ કરતાં કોંગ્રેસના તમામ નેતાઓને કહ્યું હતું કે, ‘આ વડાપ્રધાનની જવાબદારી નથી પરંતુ દરેકની સામૂહિક જવાબદારી છે.’આ સાથે શર્મિષ્ઠાએ પુસ્તકમાં દાવો કર્યો છે કે, ‘શાહબાનો કેસ પર કાયદો બનાવ્યા બાદ હિંદુ મધ્યમ વર્ગમાં કોંગ્રેસની છબીને નુકસાન થયું હતું. આ છબીને સુધારવા માટે પૂર્વ PM રાજીવ ગાંધીએ અયોધ્યામાં રામ-જન્મભૂમિનું તાળું ખોલ્યું હતું. પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, પ્રણવ મુખર્જીએ તે સમયે રાજીવ ગાંધી અને અરુણ નેહરુની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.’તારીખ 5 ફેબ્રુઆરી,1986ના રોજ ‘સુન્ની વકફ બોર્ડ’ની એક બેઠક મળી. જેમાં 23 જેટલા મુસ્લિમ MLAની પણ હાજરી હતી. બેઠકમાં ‘બાબરી મસ્જિદ મૂવમેન્ટ કમિટી’ની રચનાનો નિર્ણય કરવામાં આવ્યો. શફીકર રહેમાન બર્ક કે જે ‘બાબરી મસ્જિદ એક્શન કમિટી’ના કન્વીનર હતા એમણે કોંગ્રેસને ચેતવણી આપી: ‘જો બાબરી મસ્જિદ મુસ્લિમોને પાછી સોંપવામાં નહીં આવે તો મુસ્લિમો કોંગ્રેસ-આઇથી મોં ફેરવી લેશે. હું પૂરા સાનભાન સાથે કહું છું કે, મુસ્લિમ એરિયામાં એક પણ કોંગ્રેસ નેતાને વોટની ભીખ માગવા માટે પ્રવેશ કરવા નહીં દઈએ’.મુસ્લિમ કોમ્યુનિટીમાં આક્રોશ હતો. ઉત્તર પ્રદેશના મુરાદાબાદ, મેરઠ, શાહજહાંપુરમાં કોમી સંઘર્ષો થયા. મુરાદાબાદ જિલ્લાઓનાં ગામડાંઓમાં ‘પ્રોવિન્શિયલ આર્મ્ડ કોન્સ્ટેબ્યુલરી-પીએસી’ને તૈનાત કરવામાં આવી. શાહબાનો પ્રકરણે ભારતની આખી રાજનીતિ અને રામમંદિર આંદોલની દિશા બદલી નાખી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ