મહિસાગર/ સંતરામપુરની સરકારી શાળામાં પોપડા પડ્યા : 4 વિદ્યાર્થીને ઈજા

વિદ્યાર્થીઓને સુરક્ષા, શિક્ષણ અને સલામતીનું વાતાવરણ પૂરું પાડી સંસ્કારનું સિંચન કરવાના સ્થાને ગુજરાતની શાળામાં શું થઇ રહ્યું છે

Top Stories Gujarat Others
શાળામાં

મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાની પ્રતાપપુરા પ્રાથમિક શાળામાં છતના પોપડા પડ્યા છે. અચાનક છતમાંથી પોપડા પડતા ચાર બાળકોને ઈજા પહોચી છે. શાળાના ચારેય બાળકોને હાલમાં સારવાર માટે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.

મળતી વિગત અનુસાર મહિસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાની પ્રતાપપુરા પ્રાથમિકશાળામાં શિક્ષિકાનો વિદાયસમારંભનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. ત્યારે અચાનક ઓસરીની છતના પોપડા પડવા માંડ્યા હતા. ઓસરીમાં બેઠેલા 4 વિદ્યાર્થીઓ ઉપર આ પોપડા પડતા ચાર વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. હાલમાં આ વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે. આ ઘટનાથી અન્ય વિદ્યાર્થીઓ ડરી ગયા હતા અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકારી પ્રાથમિક શાળાની આવીઝર્ઝરિત હાલત હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં આવી રહ્યા નથી. શું આવા સ્થળે ભારતનું ભવિષ્ય ઘડી શકાય ખરા?

થોડા સમય પહેલા તાપીમાંથી પણ આવી ચોંકાવનારાની ઘટના સામે આવી હતી. તાપીની સરકારી શાળામાં નોનવેજ પીરસાયું હોવાનું સામે આવ્યું હતું.  ઉચ્છલ તાલુકાના મોગરણ ગામની શાળામાં ચૈત્ર મહિનાની આઠમના દિવસે નોનવેજ પિરસવામાં આવ્યુ હતું. શાળામાં ઇન્સપેક્શન બાદ નોનવેજ પાર્ટી યોજાઇ હતી અને શાળાના શિક્ષકો પોતે નોનવેજ ભોજન જમ્યા બાદ બાળકોને પણ નોનવેજ ખવડાવવામાં આવ્યું.

બીજી એક બાબતની વાત કરવામાં આવે તો  થોડા દિવસ અગાઉ દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયા ગુજરાતના શિક્ષણ પ્રધાનના ગૃહ જિલ્લા ભાવનગર પહોંચ્યા હતા. અહીં તેમણે એક સરકારી શાળાની મુલાકાત લીધી હતી. મનીષ સિસોદિયાએ આ શાળાના ફોટા પણ ટ્વિટર પર શેર કર્યા. આ ફોટા જોઈને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે પણ ટ્વીટ કરીને ટોણો માર્યો હતો. સીએમ કેજરીવાલના ટ્વીટ બાદ બીજેપી અને AAP નેતાઓ વચ્ચે વર્લ્ડ ક્લાસ સ્કૂલને લઈને જંગ છેડાઈ ગયો હતો. સીએમ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું હતું કે, “ સરકારી શાળાઓની આ દુર્દશા જોઈને ખૂબ જ દુઃખ થયું. આપણને આઝાદી મળ્યાને 75 વર્ષ થઈ ગયા છે, આપણે સારા શિક્ષણની વ્યવસ્થા કેમ ન કરી શક્યા? દરેક બાળકને શ્રેષ્ઠ શિક્ષણ નહીં મળે, તો ભારત કેવી રીતે પ્રગતિ કરશે? ચાલો આપણે સંકલ્પ લઈએ કે દરેક બાળકને સારું શિક્ષણ મળે, આ માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીશું.” એટલું જ નહીં, ભાવનગરની સરકારી શાળાની હાલત જોઈને મનીષ સિસોદિયાએ લખ્યું હતું કે, “ગુજરાતમાં 27 વર્ષથી સરકાર ચલાવી રહેલી ભારતીય જનતા પાર્ટીએ કેવી રીતે લોકોને સરકારી શાળાઓ આપી છે તેની એક ઝલક જુઓ ગુજરાત. આજે મેં ભાવનગરમાં ગુજરાતના શિક્ષણ મંત્રીની વિધાનસભાની બે શાળાઓની મુલાકાત લીધી.”

એક તરફ આમ આદમી પાર્ટીના આરોપો છે અને બીજી તરફ તંત્રનો લૂલો બચાવ. આ બધામાં ભવિષ્ય તો બાળકોનું જ ખરાબ થઇ રહ્યું છે. વિદ્યાર્થીઓને સુરક્ષા, શિક્ષણ અને સલામતીનું વાતાવરણ પૂરું પાડી સંસ્કારનું સિંચન કરવાના સ્થાને ગુજરાતની શાળાઓમાં શું થઇ રહ્યું છે તેવો સવાલ અને ગણગણાટ વાલીઓમાં થઇ રહ્યો છે.

આ પણ વાંચો : SCનો નિર્ણય – કોરોના વેક્સિન લેવા માટે દબાણ નહીં કરી શકાય