Uttar Pradesh/ વારાણસીમાં PM મોદીની સુરક્ષામાં મોટી ચૂક, કાર સામે અચાનક કૂદી પડ્યો યુવાન

યુવકની આ હરકતના કારણે પોલીસકર્મીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા

India Trending Videos
Mantavyanews 86 વારાણસીમાં PM મોદીની સુરક્ષામાં મોટી ચૂક, કાર સામે અચાનક કૂદી પડ્યો યુવાન

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ફરી એક વખત મોટી ચૂકની ઘટના સામે આવી છે. પીએ મોદી શનિવારે વારાણસી પહોંચ્યા હતા. પીએમ મોદીનો કાફલો વારાણસીથી પરત ફરી રહ્યો હતો ત્યારે તેમના કાફલાની આગળ એક યુવક કૂદી ગયો હતો. યુવકની આ હરકતના કારણે પોલીસકર્મીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. હાલ પોલીસે યુવકને પકડી તેની પુછપરછ કરી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની 42મી મુલાકાતે શનિવારે વારાણસી પહોંચ્યા હતા. કાશીથી પરત ફરતી વખતે પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક જોવા મળી હતી. રુદ્રાક્ષ સેન્ટરની બહાર પીએમના કાફલાની સામે એક યુવક કૂદી ગયો. પોલીસે યુવકને દોડીને પકડી લીધો હતો.

https://twitter.com/i/status/1705767776550269366

મીડિયા રિપોર્ટ અનુસાર યુવક સેનામાં નોકરીની માંગણી કરીને પીએમને મળવા માંગતો હતો અને તે બીજેપીનો કાર્યકર હોવાનું કહેવાય છે. આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સર્ચ દરમિયાન એસપીજીને તેમની પાસેથી બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યક્રમનું આઈડી કાર્ડ મળી આવ્યું હતું.

યુવક પીએમના કાફલાથી માત્ર 10 ફૂટ દૂર હતો. SPG આ યુવકની પૂછપરછ કરી રહી છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં પોલીસ તે વ્યક્તિને કોલરથી પકડીને ખેંચી રહી છે.

પીએમ મોદીએ અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો
શુક્રવારે કાશીની મુલાકાતે દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પીએમ મોદીએ 450 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર પણ સ્ટેજ પર હતા. તેમણે ગંજરીમાં જાહેર સભા પણ કરી હતી. તેમણે રૂદ્રાક્ષ કેન્દ્ર ખાતે 16 નિવાસી શાળાઓનું ઉદ્ઘાટન કર્યું.

પીએમની સુરક્ષામાં અત્યાર સુધીમાં 9 વખત ભંગ થયો
પીએમ મોદીની સુરક્ષામાં ખામીના બનાવ અગાઉ ઘણી વખત સામે આવી ચુક્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર અગાઉ 9 વખત વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક થઇ હોવાની ઘટના સામે આવી છે. 30 એપ્રિલે કર્ણાટકના મૈસુરમાં રોડ શો દરમિયાન પીએમ મોદી તરફ મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો હતો. 19 જાન્યુઆરીએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં એક 38 વર્ષીય વ્યક્તિ VVIP વિસ્તારમાં ઘૂસી ગયો હતો. સૌથી મોટો મામલો ફિરોઝપુરમાં સામે આવ્યો છે. 5 જાન્યુઆરી, 2022ના રોજ પીએમ મોદીનો કાફલો 15-20 મિનિટ માટે ફ્લાયઓવર પર રોકાયો હતો. ખેડૂતોએ આગળનો રસ્તો રોકી દીધો હતો.