મરાઠા આરક્ષણને લઈને મહારાષ્ટ્રમાં ગુસ્સાની આગ બંધ થઈ રહી નથી. સોમવારે વિરોધીઓએ બીડમાં અનેક નેતાઓના ઘરો, વાહનો અને જાહેર સ્થળોને આગ ચાંપી દીધી હતી. જે નેતાઓના ઘરોને આગ લગાડવામાં આવી છે તેમાં એનસીપીના બે ધારાસભ્યો અને એક પૂર્વ મંત્રીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બીડમાં શરદ પવાર જૂથની ઓફિસ અને માજલગાંવ નગરપાલિકા પણ લોકોના રોષનો ભોગ બની છે. આ બધાની વચ્ચે શિવસેના (UBT)એ મરાઠા આરક્ષણ પર ચર્ચા કરવા માટે ગૃહનું વિશેષ સત્ર બોલાવવાની માંગ કરી છે. બીડમાં ભાજપના ધારાસભ્ય લક્ષ્મણ માધવરાવ પવાર અને એનસીપી જિલ્લા અધ્યક્ષ રાજેશ્વર ચવ્હાણે હિંસક વિરોધ વચ્ચે રાજીનામું આપ્યું હતું. મરાઠના આંદોલન હિંસક બનતા 144 કલમ લાગુ કરવામાં આવી છે.
દેખાવકારોએ બીડમાં NCP શરદ પવાર જૂથના ધારાસભ્ય સંદીપ ક્ષીરસાગરના ઘરને આગ ચાંપી દીધી હતી. આ ઉપરાંત તેમના ઘર પર પાર્ક કરેલા વાહનોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર હજુ સુધી કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. આ ઉપરાંત પૂર્વ મંત્રી જયદત્તજી ક્ષીરસાગરના કાર્યાલયને પણ આગ ચાંપવામાં આવી હતી. તે જ સમયે, શરદ પવાર જૂથની ઓફિસમાં પણ તોડફોડની ઘટના બની હતી. નોંધનીય છે કે આ પહેલા એનસીપીના અન્ય ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘરે પણ આગ લગાવવામાં આવી હતી.
આ ઘટના પણ બીડ જિલ્લામાં જ બની હતી. સોલંકે એનસીપીના અજિત પવાર જૂથના ધારાસભ્ય છે. વિરોધીઓએ ડેપ્યુટી સીએમ અજિત પવારને પણ છોડ્યા ન હતા અને તેમના પોસ્ટરો પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. નોંધનીય છે કે મરાઠા સમુદાયના નેતાઓ રાજ્યના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ઓબીસી કેટેગરી હેઠળ આ સમુદાયને સરકારી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની માંગ કરવા માટે આ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ વિરોધને વેગ મળ્યો જ્યારે મનોજર જરાંગે પાટીલે 25 ઓક્ટોબરે જાલના જિલ્લામાં આમરણાંત ઉપવાસ શરૂ કર્યા. આ પહેલા પણ તેઓ 29 ઓગસ્ટથી 14 સપ્ટેમ્બર સુધી ભૂખ હડતાળ પર હતા. બાદમાં રાજ્ય સરકારની ખાતરી બાદ તેમણે ભૂખ હડતાળ પાછી ખેંચી હતી.