Mavji Desai letter to CM: ‘બટાકાના હબ’ ગણાતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બટાકાનું બમ્પર ઉત્પાદન થયા હોવા છતાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો દેવાદાર બનવાની સ્થિતિમાં છે. આ ગંભીર પરિસ્થિતિને જોતા ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ખેડૂતોને તાત્કાલિક સહાય આપવા રજૂઆત કરી છે.
બમ્પર ઉત્પાદન છતાં ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી
ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કુલ 64,948 હેક્ટર જમીનમાં બટાકાનું મબલખ વાવેતર થયું છે. જોકે, બજારમાં પૂરતા ભાવ ન મળવાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. માવજી દેસાઈએ પત્રમાં જણાવ્યું છે કે, ખેડૂતોને મળતી આવક સામે મજૂરી, બિયારણ, ખાતર અને કોલ્ડ સ્ટોરેજના ભાડાનો ખર્ચ ઘણો વધારે થઈ રહ્યો છે.

વિઘા દીઠ 30 હજારનું નુકસાન: Mavji Desai
ધારાસભ્યના અંદાજ મુજબ, અત્યારની બજારની સ્થિતિ જોતા ખેડૂતોને વિઘા દીઠ અંદાજે 25 થી 30 હજાર રૂપિયાનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેતી પાછળ થયેલો ખર્ચ પણ ઊભો ન થતાં ખેડૂતો આર્થિક સંકટમાં ફસાયા છે.
સબસીડી અથવા રોકડ સહાયની માંગ
માવજી દેસાઈએ મુખ્યમંત્રીને ખાસ વિનંતી કરી છે કે ખેડૂતોને બટાકાના પાક માટે વહેલી તકે વિશેષ સબસીડી જાહેર કરવામાં આવે. આ ઉપરાંત, તેમણે એવો પણ પ્રસ્તાવ મૂક્યો છે કે જો સબસીડી શક્ય ન હોય, તો પાકના નુકસાનના વળતર રૂપે ખેડૂતોના બેંક ખાતામાં સીધી આર્થિક સહાય (Direct Benefit Transfer) જમા કરવામાં આવે, જેથી મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોને તાત્કાલિક રાહત મળી શકે.
આ પણ વાંચો: ગુજરાતમાં ખેડૂતોને મોટી રાહત! સોલર અને પવન ઊર્જા પર ગુજરાતમાં કોઈ વીજ કર લેવાશે નહીં
આ પણ વાંચો:ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો અલર્ટ, ખેડૂતોમાં ચિંતા વધી
આ પણ વાંચો: અંબાલાલ પટેલે કમોસમી વરસાદની વ્યક્ત કરી સંભાવના, ખેડૂતોમાં ચિંતા!
