gujrat news/ ગુજરાતમાં મેઘતાંડવનું મહાસંકટ: ૩ જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ, જાણો આગામી 6 દિવસની આગાહી

ગુજરાત (Gujarat)માં અરબ સાગર અને બંગાળની ખાડીની સિસ્ટમ્સ સક્રિય થતાં પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગે ૨૪ થી ૨૯ જુલાઈ સુધી તારીખવાર ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat
Meghtandav crisis in Gujarat

છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા આફતના વરસાદે સમગ્ર ગુજરાત (Gujarat)ને જળબંબાકાર કરી દીધું છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજ્ય માટે વધુ એક ગંભીર ચેતવણી જારી કરી છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં એકસાથે મલ્ટિપલ વરસાદી સિસ્ટમ્સ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું સંકટ ઘેરાયું છે.

24 જુલાઈથી 29 જુલાઈ: દૈનિક તારીખવાર વરસાદનું એલર્ટ

હવામાન કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલી વિગતવાર આગાહી મુજબ:

24 જુલાઈ (શુક્રવાર) – રેડ એલર્ટ: પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં અત્યંત આફતજનક અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જારી કરાયું છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, નવસારી, વલસાડ સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના 15 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ રહેશે.

25 જુલાઈ (શનિવાર) – ઓરેન્જ એલર્ટ:  સાબરકાંઠા અને અરવલ્લીમાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ, જ્યારે અન્ય ભાગોમાં 30-40 કિમી/કલાકની ઝડપે પવન અને વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદનું યલો એલર્ટ.

26 જુલાઈ (રવિવાર):  સાબરકાંઠા અને બનાસકાંઠામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ તથા રાજ્યના બાકી જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા.

27 જુલાઈ (સોમવાર):  ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ભારે વરસાદનું યલો એલર્ટ.

28 અને 29 જુલાઈ:  28 જુલાઈથી વરસાદનું જોર ક્રમશઃ ઘટશે અને માત્ર ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ રહેશે. 29 જુલાઈથી સમગ્ર રાજ્યમાં માત્ર હળવાથી મધ્યમ ઝાપટાં પડે તેવી શક્યતા છે.

ગુજરાત પર કેમ મંડરાઈ રહી છે આટલી મોટી વરસાદી આફત?

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, એક સાથે 4 જેટલી શક્તિશાળી હવામાન સિસ્ટમ્સ સક્રિય થવાના કારણે ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ બની છે:

મોન્સૂન ટ્રફ: દરિયાઈ સપાટી પર મોન્સૂન ટ્રફ જેસલમેરથી થઈ ઉત્તર-પૂર્વ બંગાળની ખાડી સુધી લંબાયેલી છે.

ઈસ્ટ-વેસ્ટ શીયર ઝોન:  23°N અક્ષાંશ પર અરબ સાગરથી મણિપુર સુધી ફેલાયેલો શીયર ઝોન દક્ષિણ ગુજરાત પરથી પસાર થઈ રહ્યો છે, જેમાં ઉત્તર મધ્ય પ્રદેશનું સાયક્લોનિક સરક્યુલેશન ભળી ગયું છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: જમ્મુ પરનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ-પૂર્વ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય હોવાથી પશ્ચિમી પવનો અરબ સાગરમાંથી વિપુલ પ્રમાણમાં ભેજ ગુજરાત તરફ ખેંચી રહ્યા છે.

હવામાન વિભાગની ખાસ ચેતવણી:

“મુશળધાર વરસાદ અને તોફાની પવન દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા સલાહ આપવામાં આવે છે.”


આ પણ વાંચો :ગુજરાતમા 16 જિલ્લાઓમાં આગામી ૩ કલાક માટે રેડ એલર્ટ! ભારે વરસાદ અને ગાજવીજની આગાહી

આ પણ વાંચો :વલસાડમાં પૂર વચ્ચે મેગા રેસ્ક્યુ ઓપરેશન: હેલિકોપ્ટરથી યુવકનો બચાવ, 12,754 લોકોનું સ્થળાંતર

આ પણ વાંચો :અમદાવાદમાં વરસાદનો પ્રચંડ કહેર: અનેક વિસ્તારો જળબંબાકાર; અંડરપાસ બંધ