T20 World Cup/ મોહમ્મદ રિઝવાને વેસ્ટ ઈન્ડિઝનાં તોફાની બેટ્સમેન ક્રિસ ગેલને કર્યો ફેલ, 6 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

પાકિસ્તાનનાં ઓપનર મોહમ્મદ રિઝવાને રવિવારે T20માં નવો વર્લ્ડરેકોર્ડ બનાવ્યો છે. તેણે આ પરાક્રમ કરીને વેસ્ટ ઈન્ડિઝનાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો હતો.

Sports
મોહમ્મદ રિઝવાન

પાકિસ્તાન ક્રિકેટ ટીમે રવિવારે તેની અંતિમ ગ્રુપ રાઉન્ડની મેચમાં સ્કોટલેન્ડને હરાવીને તેમનું વિજય અભિયાન ચાલુ રાખ્યું હતું. પાકિસ્તાને 24 ઓક્ટોબરે ભારતને 10 વિકેટે હરાવીને T20 વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરી હતી. આ પછી, પાકિસ્તાની ટીમનું વિજય અભિયાન રવિવારે સ્કોટલેન્ડ સામેની મેચ સુધી ચાલુ રહ્યું હતુ.

આ પણ વાંચો – T20 વર્લ્ડ કપ / અફઘાનિસ્તાન-ન્યૂઝીલેન્ડ મેચ માટે પિચ બનાવનાર ભારતીય ક્યુરેટરનું શંકાસ્પદ સંજોગોમાં મોત

ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 4 વિકેટનાં નુકસાને 189 રન બનાવ્યા હતા. કેપ્ટન બાબર આઝમે 47 બોલમાં 66 રનની સંયમિત ઇનિંગ રમી હતી અને અંતે શોએબ મલિકે 18 બોલમાં છ સિક્સરની મદદથી અણનમ 54 રન બનાવ્યા હતા. પાકિસ્તાને છેલ્લી પાંચ ઓવરમાં એક વિકેટ ગુમાવીને 77 રન બનાવ્યા હતા અને છેલ્લી આઠ ઓવરમાં 114 રન ઉમેર્યા હતા. મલિકની આક્રમકતાનો અંદાજ તેના છેલ્લી ઓવરમાં બનાવેલા 26 રન પરથી લગાવી શકાય છે જેમાં તેણે ત્રણ સિક્સર અને એક ફોર ફટકારી હતી. જો કે આ મેચ બાદ મોહમ્મદ રિઝવાન વધુ ચર્ચામાં આવ્યો છે. જણાવી દઇએ કે, પાકિસ્તાનનાં ઓપનર મોહમ્મદ રિઝવાને રવિવારે T20માં નવો વર્લ્ડરેકોર્ડ બનાવ્યો છે. તેણે આ પરાક્રમ કરીને વેસ્ટ ઈન્ડિઝનાં વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો હતો. રિઝવાને T20 વર્લ્ડકપમાં સ્કોટલેન્ડ સામે માત્ર 15 રન બનાવ્યા હતા. પરંતુ તે એક કેલેન્ડર વર્ષમાં T20માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે ગેલનો 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. ગેલે વર્ષ 2015માં 26 ઇનિંગ્સમાં 1665 રન બનાવ્યા હતા. જ્યારે રિઝવાને વર્ષ 2021માં અત્યાર સુધીમાં 1666 રન બનાવ્યા છે. રિઝવાને T20 વર્લ્ડકપ 2021 દરમિયાન જ વિરાટ કોહલીને પાછળ છોડી દીધો હતો. વિરાટે વર્ષ 2016માં T20માં 1614 રન બનાવ્યા હતા. રિઝવાન આ વર્ષે T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. રિઝવાને પાકિસ્તાનને T20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેણે ભારત સામે અણનમ 79 રનની ઇનિંગ રમી હતી. આ સાથે તેણે બાબર આઝમ સાથે 152 રનની અણનમ ભાગીદારી કરી હતી.

આ પણ વાંચો – T20 World Cup / પત્રકારનાં સવાલ પર જાડેજાએ કહ્યુ- બેગ પેક કરીને ઘરે જઇશું બીજુ શું? Video

રિઝવાને નામીબિયા સામે પણ 79 રન બનાવ્યા હતા. પાકિસ્તાનની વાત કરીએ તો તેઓ ગ્રુપ 2 માંથી સેમીફાઈનલમાં પહોંચનારી ટીમ બની ગઇ છે. આ ટૂર્નામેન્ટમાં તે અત્યાર સુધી અજેય ટીમ રહી છે. રવિવારની મેચની વાત કરીએ તો પાકિસ્તાને સ્કોટલેન્ડને 72 રને હરાવી સતત પાંચ મેચમાં જીત નોંધાવી હતી. આ જીત સાથે પાકિસ્તાન 10 પોઈન્ટ સાથે ગ્રુપ 2માં નંબર વન પર છે. સ્કોટલેન્ડ સામે પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા. જવાબમાં સ્કોટલેન્ડની ટીમ 20 ઓવરમાં માત્ર 117 રન જ બનાવી શકી હતી.