Morbi Bharwad Samaj New Constitution 22 Rules: ગુજરાતમાં સામાજિક સુધારાની દિશામાં વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સમાજમાં વધી રહેલા ખોટા દેખાડા, કુરિવાજો અને આર્થિક વેડફાટને રોકવા માટે મોરબી-માળીયા સમસ્ત મચ્છુ કાંઠા (મજો કાંઠા) ભરવાડ સમાજ દ્વારા એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. તાજેતરમાં મળેલી સમાજની બેઠકમાં 22 જેટલા કડક નિયમો સાથેનું નવું ‘બંધારણ’ (Constitution) અમલમાં મૂકવામાં આવ્યું છે.આ Constitutionનો અમલ 20 જાન્યુઆરી 2026થી શરૂ કરી દેવામાં આવ્યો છે.
નિયમ તોડ્યો તો 5 લાખનો દંડ
સમાજના આગેવાનો દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, જો કોઈ વ્યક્તિ આ બંધારણ (Constitution) ના નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને રૂપિયા 5 લાખનો દંડ કરવામાં આવશે. જો દંડ ભરવામાં આનાકાની કરવામાં આવશે તો તે પરિવારને ‘નાત બહાર’ મૂકવા સુધીની કડક કાર્યવાહી કરાશે. મહત્વની વાત એ છે કે, જે વ્યક્તિ નિયમ તોડનારની સાચી માહિતી સમાજને આપશે, તેને 21,000 રૂપિયાનું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે.

બંધારણ (Constitution) ના મહત્વના 22 નિયમો પર એક નજર
મહેન્દ્રપરા ખાતે મચ્છુ માતાજીના મંદિરે મળેલી આ બેઠકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો:
- શિક્ષણને પ્રાધાન્ય: દીકરા-દીકરીનો કોલેજ સુધીનો અભ્યાસ પૂર્ણ થયા બાદ જ સગપણ કરવું.
- સાદગીપૂર્ણ લગ્ન: લગ્ન ફરજિયાત સમૂહલગ્ન, નેસડા વિવાહ અથવા કુટુંબ વિવાહમાં વર્ષમાં એક જ દિવસે કરવા.
- સોનાની મર્યાદા: દીકરીના પક્ષ દ્વારા વધુમાં વધુ ૬ તોલા સોનું જ લઈ શકાશે.
- સામ-સામે સગપણ: સાટા-પ્રથા કે સામ-સામે સગપણ હોય તો બંને પક્ષે પરસ્પર નક્કી કરી વ્યવહાર કરવો.
- આણું પ્રથા બંધ: દીકરી કે વહુનું આણું પાથરવાની પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે.
- શ્રીમંત પ્રસંગ: શ્રીમંતમાં વધુમાં વધુ ૧ તોલા સોનું જ આપી શકાશે અને માત્ર ૫૦ વ્યક્તિઓને જ લઈ જવાના રહેશે.
- લાડવા પ્રથા: લાડવા લઈ જતી વખતે ભાણેજ અને ભાણી માટે માત્ર ૫ જોડી કપડાં જ લઈ જવા.
- મામેરામાં મર્યાદા: મામેરાના પ્રસંગે ૧ થી ૩ તોલા સોનું જ આપી શકાશે.
- મહેમાનોની મર્યાદા: મામેરાના પ્રસંગમાં વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ જ જઈ શકશે.
- શો-બાજીથી દૂર: પ્રી-વેડિંગ, હલ્દી રસમ, મહેંદી રસમ, રિસેપ્શન અને પગલાં પાડવા જેવા સોશિયલ મીડિયા આકર્ષિત પ્રસંગો બંધ કરવા.
- મનોરંજન પર રોક: લગ્ન પ્રસંગે ખર્ચાળ કલાકાર પાર્ટી, ડાંડીયા-રાસ અને અન્ય કાર્યક્રમો સંપૂર્ણ બંધ કરવા.
- મ્યુઝિકની મર્યાદા: બેન્ડબાજા, સાદું ડી.જે. અને ઢોલ શરણાઈ રાખી શકાશે.
- ઉડાઉ ખર્ચ બંધ: ફટાકડા ફોડવા, વરરાજાની ભવ્ય એન્ટ્રી અને રૂપિયાની ધોર કરવા જેવા કાર્યક્રમો બંધ કરવા.
- મરણ પ્રથામાં સુધારો: મરણ સમયે માત્ર બે જ વખત જવાનું અને વાસણ આપવાની પ્રથા સંપૂર્ણ બંધ.
- સામાજિક નિર્ણય: જમાઈના મૃત્યુ બાદ ઈચ્છા સિવાય દેરવટું કરવું નહીં.
- વ્યસન મુક્તિ: અફીણ, ઠાલિયા, દારૂ, ડ્રગ્સ, સિગારેટ, બીડી અને માવા જેવા તમામ વ્યસનો પર સંપૂર્ણ પ્રતિબંધ.
- જમણવારમાં સાદગી: લગ્ન પ્રસંગે ભોજનમાં મુખવાસ સિવાય અન્ય કોઈ વધારાની ચીજવસ્તુઓ રાખવી નહીં.
- સામૂહિક સ્વીકાર: આ બંધારણનો સ્વીકાર દ્વારકાધીશ અને મચ્છુ માતાજીની સાક્ષીએ સર્વાનુમતે કરાયો છે.
- માહિતી ગોપનીયતા: નિયમ તોડનારની માહિતી આપનારનું નામ ગુપ્ત રાખી તેને પુરસ્કાર અપાશે.
- દંડની વસૂલાત: દંડની રકમ વસૂલવા માટે સમાજની કમિટી કાર્યરત રહેશે.
- બિનજરૂરી દેખાદેખી: સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચાઓ પર રોક લગાવી આર્થિક બચત કરવી.
- શિક્ષણ ફંડ: સમાજના વિકાસ માટે દંડની રકમ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ વાપરવી.
શા માટે લેવાયો આ નવું ‘Constitution’?
સમાજના આગેવાન દનભાઈ ભરવાડ અને ગોકલભાઈ બાંભવાએ જણાવ્યું કે, વર્તમાન સમયમાં દેખાદેખીને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો આર્થિક દેવામાં ડૂબી રહ્યા છે. સમાજમાં સાદગી, એકતા અને આર્થિક બચત લાવવા માટે દ્વારકાધીશ અને મચ્છુ માતાજીની સાક્ષીએ આ નિર્ણય લેવાયો છે.
આ પણ વાંચો: ઠાકોર સમાજના નવા સામાજિક બંધારણથી ખર્ચાળ કુરિવાજો પર લાગશે લગામ
આ પણ વાંચો: પદ્મશ્રી મથુર સવાણીની મોટી પહેલ, પાટીદાર સમાજમાં ‘સામાજિક બંધારણ’ ઘડવા માંગ્યો જનમત
આ પણ વાંચો:મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા દાડિયા ક્લાસીસનો વિરોધ, બંધ કરાવવા ઝુંબેશ શરૂ કરી
