Morabi News/ મોરબી પાલિકામાં પંચિંગ મશીન સાથે ચેડાં કરી ગેરહાજર કર્મચારીઓની હાજરી પૂરતા 8 સામે FIR

Morbi મહાનગરપાલિકાના વર્કશોપ વિભાગમાં મોટું હાજરી કૌભાંડ. 13 ગેરહાજર કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી પૂરતા ૮ લોકો સામે પોલીસ ફરિયાદ. CCTV માં ફૂટ્યો ભાંડો.

Gujarat Top Stories Others
Morbi Municipality Scam

Morbi Municipality Scam: ટેકનોલોજી ગમે તેટલી એડવાન્સ થઈ જાય, પણ કૌભાંડીઓ તેમાંથી પણ છટકબારી શોધી જ લે છે. મોરબી મહાનગરપાલિકામાં આવો જ એક ચોંકાવનારો અને આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કર્મચારીઓએ હાજરી પૂરવા માટે લગાવવામાં આવેલા ડિજિટલ બાયોમેટ્રિક પંચિંગ મશીનને પણ ઉલ્લુ બનાવ્યું હતું. વર્કશોપ વિભાગમાં ફરજ પર ન આવતા 13 કર્મચારીઓની ખોટી હાજરી પૂરવા મામલે 8 હંગામી કર્મચારીઓ વિરુદ્ધ મોરબીના એ-ડિવિઝન પોલીસ મથકમાં ફોજદારી ફરિયાદ નોંધાઈ છે.

Morbi Municipality Scam

Morbi : ડેપ્યુટી કમિશનરની બાજનજરથી ફૂટ્યો ભાંડો

મોરબી પાલિકાના ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાના ધ્યાનમાં આ સમગ્ર ગેરરીતિ આવી હતી. તેમને શંકા ગઈ હતી કે વર્કશોપ વિભાગમાં કેટલાક કર્મચારીઓ ગેરહાજર હોવા છતાં સિસ્ટમમાં તેમની હાજરી નિયમિત પૂરાઈ રહી છે, જેનાથી કોર્પોરેશનને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ શંકાના આધારે હાજરી વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી અને CCTV ફૂટેજ ચકાસવામાં આવ્યા, જેમાં આખા કૌભાંડની પોલ ખૂલી ગઈ.

ફેસ-ફિંગરથી ગેરહાજર કર્મીઓની હાજરી પૂરાઈ

CCTV ફૂટેજની તપાસમાં સ્પષ્ટ દેખાઈ આવ્યું કે, વર્કશોપ વિભાગમાં 13 જેટલા કર્મચારીઓ કામે આવતા ન હતા, છતાં અન્ય 8 કર્મચારીઓ ખોટી રીતે પોતાના ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને આ ગેરહાજર લોકોની હાજરી પૂરી દેતા હતા.

પાલિકા સાથે છેતરપિંડી કરવા બદલ કુલ 8 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાં મોરબીના નાનીવાવડી ખાતે રહેતા મંદીપ ચાવડા, સામાકાંઠે રહેતા વિમલભાઈ બાવળીયા અને અભયભાઈ ચૌહાણ તેમજ મોરબીના જ અન્ય રહીશો સુનીલભાઈ મકવાણા, રોહિતભાઈ ધીરુભાઈ, લલિતભાઈ ચાવડા, સંજયભાઈ ચાવડા અને રાજેશભાઈનો સમાવેશ થાય છે.

Morbi Municipality Scam

ઘરે બેઠા પગાર લેનારા રોજમદારો સામે કાર્યવાહી શરૂ

આ ગંભીર કૌભાંડ મામલે મોરબી મહાનગરપાલિકાના આઉટસોર્સ કર્મચારી દીપભાઈ સુરેશભાઈ ફળદુએ સીટી એ-ડિવિઝન પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, માત્ર બે જ દિવસની ખોટી હાજરીના બદલામાં કોર્પોરેશનને રૂ. 9,755 નું આર્થિક નુકસાન પહોંચાડીને પગારની નાણાકીય ઉચાપત કરવામાં આવી છે.

હાલ પોલીસે આ તમામ 8 આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે કે આ સિલસિલો કેટલા સમયથી ચાલી રહ્યો હતો અને આ કૌભાંડમાં ઉપર લેવલે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ.


આ પણ વાંચો: મોરબીના બૂથો પર પોલીસ જવાનો બન્યા વડીલોનો સહારો

આ પણ વાંચો: મોરબીમાં પુત્રને ઠપકો આપતા પુત્રએ પિતાની કરી ક્રૂર હત્યા

આ પણ વાંચો: મોરબીમાં ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પર ગંભીર આરોપ: ઉદ્યોગપતિ પર હુમલો