ગુજરાતમાં ડિસેમ્બર મહિનો છતાં કડકડતી ઠંડી નથી પડી રહી. રાજ્યમાં જુદા-જુદા વિસ્તારોમાં તાપમાનમાં વધારો અને ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સમગ્ર ગુજરાતમાં તાપમાનમાં અપ્રમાણસરતા જોવા મળી. કેટલાક વિસ્તારોમાં 12 ડિગ્રી કરતા સાવ નીચું તાપમાન નોંધાયું તો કેટલાક વિસ્તારોમાં 20 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાયું. નલિયામાં 10.5 ડિગ્રી. તાપમાન નોંધાતા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું જ્યારે ઓખામાં લઘુત્તમ તાપમાન 22.5 ડિગ્રી નોંધાતા જોઈએ તેવી ઠંડી નથી પડી રહી.
હવામાન નિષ્ણાતના જણાવ્યા મુજબ રાજ્યમાં 20 ડિસેમ્બર પછી ફરી કમોસમી વરસાદ જોવા મળી શકે. રાજ્યમાં અનેક સ્થાનો પર ગાજવીજ અને કરા સાથે વરસાદ વરસી શકે છે. તેમજ હવામાનમાં થઈ રહેલ બદલાવને પગલે ડિસેમ્બર મહિનાના અંતથી કડકડતી ઠંડી શરૂ થશે જે ફેબ્રુઆરી મહિના સુધી જોવા મળે. ખેડૂતોએ શિયાળાની ઋતુમાં નવેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં કમોસમવી વરસાદ થતા માવઠાનો માર સહન કરવો પડ્યો હતો. ત્યારે હવે ફરી ડિસેમ્બર મહિનામાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. ભર શિયાળે માવઠાની આગાહીથી ખેડૂતોની ચિંતા પણ વધી છે.
સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં હાડ થીજવતી ઠંડી પડતી હોય છે. દેશના ઉત્તરીયભાગોમાં થતી હિમવર્ષાના કારણે ઠંડા પવનો ફૂંકાતા આ મહિનામાં કડકડતી ઠંડી પડે છે. પરંતુ હાલમાં નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ જોઈએ તેવી ઠંડી નથી પડી રહી. જો કે હાલમાં હવામાન વિભાગે જણાવ્યું કે અલ નીનો અને ચક્રવાતની અસરના કારણે સમુદ્રમાં હલચલ જોવા મળી હતી. ડિસેમ્બરના અંતિમ દિવસોમાં હવામાનમાં પલટો આવતા ઉત્તરીયભાગોમાં થતી હિમવર્ષાની અસરના કારણે ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી જોવા મળી શકે.
હવામાન વિભાગ મુજબ અમદાવાદ (16.5), ડીસા (13.4), ગાંધીનગર (14.9), વલ્લભવિદ્યાનગર (16.6), વડોદરા (16.4), સુરત (21.4), દમણ (18.6), ભુજ (14.6), નલિયા (10.5), ભાવનગર (16.0), દ્વારકા અને વલસાડ (19.0), રાજકોટ (14.5), સુરેન્દ્રનગર (16.2), મહુવા (17.5) અને ઓખામાં (22.5) જેવા વિવિધ વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન જોવા મળ્યું. જ્યારે અન્ય વિસ્તારોમાં સરેરાશ તાપમાન નોંધાયું.