જૂનાગઢનાં વંથલી તાલુકાના ગાંઠીલા ગામે આજે એટલેકે રામનવમીના દિવસે રવિવારે ઉમિયા માતાજીનો ભવ્ય પાટોત્સવ યોજાઇ રહ્યો છે ત્યારે પાટીદાર સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમારંભમાં પાટીદાર સમાજના અગ્રણી નરેશ પટેલ પાટીદારોના એક થવાની વાત ઉચ્ચારી છે. નરેશ પટેલે પાટીદારોની હાકલ કરતાં કહ્યું હતું કે, હવેથી કડવા કે લેવા પાટીદારો અલગ અલગ નહીં પણ માત્ર પાટીદાર તરીકે જ ઓળખાવાનું છે. નરેશ પટેલે પાટીદાર સમાજને એક થવા માટે આહ્વાન કર્યું છે. પાટીદાર સમાજ આ આહ્વાનને કેટલું ઝીલશે એ તો સમય જ બતાવશે પરંતુ અત્યારે પાટીદારોને એક કરવાનું નરેશ પટેલનું આહવાન અન્ય અનેક ગણિત ગણવા તરફ ઈશારો કરી રહ્યા હોય એમ જણાય છે.
જૂનાગઢનાં વંથલી તાલુકાના ગાંઠીલા ગામે ઉમિયા માતાજી ના ભવ્ય પાટોત્સવ માં નરેશ પટેલે પાટીદારોને એક કરવાની વાત કરી પરંતુ કોઈપણ પ્રકારની રાજકીય પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. આ પાટોત્સવમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને 1 વાગ્યે પાટીદાર સમાજને સંબોધન કરશે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે.
નોંધનીય છે કે આ પાટોત્સવમાં 51 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત 50 હજાર લોકો મહાપ્રસાદ લેશે. કેશોદ, માણાવદર, વંથલી જેવા નજીકના ગામો-શહેરોમાંથી યુવાનો પદયાત્રા કે બાઇક રેલી કાઢીને ઉમાધામ ગાંઠીલા પહોંચશે. આ તકે સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરાયું છે. બપોરે 4 વાગ્યા સુધીમાં સામાજિક સંમેલન બાદ સાંજે દાતાઓનું સન્માન અને રાતે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ભાવનગરમાં આમ આદમી પાર્ટી મેદાનમાં આવતા ભાજપનાં આગેવાનો દોડતા થયા
આ પણ વાંચો: ન્યાય’ શબ્દમાં ઘણું બધું સમાયેલું છે : રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ