નવી દિલ્હી,
દેશની આન બાન અને શાન કહેવાતી ત્રણેય સેનાઓના જવાનો દિવસ રાત લોકોની સુરક્ષા માટે પોતાની ફરજ પર તૈનાત રહેતા હોય છે. આ દરમિયાન તેઓ પોતાના જીવ ગુમાવતા હોય છે, ત્યારે આ જવાનોની શહાદતને યાદ રાખવા માટે રાજધાની દિલ્હીમાં “નેશનલ વોર મેમોરિયલ” (NWM) બનીને તૈયાર છે.
જો કે આ વોર મેમોરિયલની ખાસ વાત એ છે કે, રાજનૈતિક અને પ્રશાસનની ઉદાસીનતાના કારણે આ મેમોરિયલને બનવા માટે ૬૦ વર્ષ જેટલો સમય લાગ્યો છે.
નેશનલ વોર મેમોરિયલ આઝાદી બાદ વિભિન્ન યુધ્ધો તેમજ ઓપરેશનમાં શહીદ થયેલા ૨૨,૬૦૦ જવાનોના સન્માનમાં તૈયાર કરવામાં આવ્યું છે. આ મેમોરિયલ પાછળ કુલ ૧૭૬ કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે.
રક્ષા મંત્રાલય સાથે સંકળાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ, “પીએમ મોદી ૨૫ જાન્યુઆરીના રોજ રાજપથ પર ઇન્ડિયા ગેટના નજીકમાં બનેલા નેશનલ વોર મેમોરિયલનું ઉદ્ઘાટન કરશે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, દુનિયાના પ્રમુખ દેશોમાં ભારત એક માત્ર દેશ હતો જ્યાં વોર મેમોરિયલ ન હતું.
વોર મેમોરિયલમાં અમર ચક્ર, વીર ચક્ર, ત્યાગ ચક્ર તેમજ રક્ષા ચક્ર સાથે હંમેશાની માટે એક જ્વાળા સાથે ૧૫ મીટર લાંબો સ્તંભ બનાવાયો છે. જેના પર ભિત્તિ ચિત્ર, ગ્રેફિક પેનલ, શહીદોના નામ અને ૨૧ પરમવીર ચક્ર વિજેતાઓની મૂર્તિ બનાવવામાં આવી છે.