નવી દિલ્હી: ફિલ્મ અભિનેતા પ્રકાશ રાજે નવા વર્ષના અવસર પર રાજનીતિમાં આવવાની જાહેરાત કરી છે. તેમણે આ અંગેની જાહેરાત કરતા કહ્યું છે કે, તે આગામી લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. પ્રકાશ રાજે આ અંગેની જાહેરાત ટ્વીટર મારફત કરી હતી.
પ્રકાશ રાજે કહ્યું આ વખતે બનશે જનતાની સરકાર
તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ‘દરેકને નવા વર્ષની શુભકામનાઓ, એક નવી શરૂઆત, વધુ જવાબદારી… આગામી લોકસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરીશ. બેઠક અંગેની જાણકારી ટૂંક સમયમાં આપવામાં આવશે. અબ કી બાર જનતા કી સરકાર’.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ અભિનેતા છેલ્લા કેટલાક સમયથી રાજકીય વતૃળોમાં ઘણાં ચર્ચામાં રહ્યા છે. પ્રકાશ રાજની એવા અભિનેતાઓમાં થાય છે કે, જે રાજકીય ટિપ્પણી કરવાથી ક્યારેય ચૂકતા નથી. અભિનેતા પ્રકાશ રાજે કેટલીય વખત મોદી સરકારની આલોચના પણ કરી છે. પ્રકાશ રાજ દેશના વિવિધ મુદ્દાઓ અંગે પોતાનો અભિપ્રાય આપતા રહે છે.
બાય બાય બીજેપી
તાજેતરમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાના અને મિઝોરમની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામને લઈને પ્રકાશ રાજે ભાજપ પર નિશાન સાધ્યું હતું. પ્રકાશ રાજે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગની ચૂંટણીમાં ભાજપના ખરાબ પ્રદર્શનને લઈને ટ્વીટ મારફત કટાક્ષ કર્યા હતા. પ્રકાશ રાજે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું હતું કે, ‘સિટીજન્સ મન કી બાત… ચૂંટણી દર ચૂંટણી… બાય બાય બીજેપી… કારણ તમે બધા જ જાણો છો… અથવા તમે ક્યારે વિચારશો… કારણની સાથે… આમ જ પૂછ્યું.’
પ્રકાશ રાજે આ ટ્વીટની સાથે તસ્વીરો પણ પોસ્ટ કરી હતી, જેમાં મોદી સરકારને કટઘરામાં ઉભી રાખવામાં આવી હતી. પ્રકાશ રાજ દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સાથે બોલિવૂડમાં પણ એક મોટું નામ છે. પ્રકાશ રાજ બોલિવૂડની ‘સિંઘમ’ અને ‘વોન્ટેડ’ જેવી સુપરહિટ ફિલ્મોમાં વિલનનું પાત્ર ભજવી ચૂક્યા છે.
હું હિંદુ વિરોધી નથી, મોદી વિરોધી છું
જાન્યુઆરી ૨૦૧૮માં તેમણે કહ્યું હતું કે, તેઓ હિંદુ વિરોધી નથી, તેઓ ફક્ત મોદીનો વિરોધ કરે છે. તેમણે કહ્યું હતું કે, આલોચક કહે છે કે હું હિંદુ વિરોધી છું જયારે હું કહું છું કે, હું મોદી. શાહ અને હેગડે વિરોધી છું.