અયોધ્યામાં ભગવાન શ્રીરામની જન્મભૂમિમાં ભવ્ય રામ મંદિર નિર્માણ પામી રહ્યું છે. શિલ્પ કારીગરો રામ મંદિર નિર્માણકાર્યની પૂરજોશમાં તૈયારીમાં લાગેલા છે. મંદિર માટે ઘુમ્મટ, ધ્વજદંડ જેવી અનેક વસ્તુઓની બનાવટ જુદા-જુદા સ્થાનો પર કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યને પણ મંદિરની વસ્તુ બનાવવાનો લાભ મળ્યો છે. રામ મંદિરમાં 161 ફૂટ ઊંચા શિખર પર ધ્વજદંડ લગાવવામાં આવશે. મંદિરમાં લગાવવામાં આવતા 7 ધ્વજદંડ બનાવવાની જવાબદારી અમદાવાદની એક કંપનીને સોંપવામાં આવી છે.
અમદાવાદમાં ગોતા રોડ પર અંબિકા એન્જિનિયરિંગ વર્કસ કંપનીને રામ મંદિરના ધ્વજદંડ બનાવવાનો લાભ મળ્યો છે. કંપનીના એમડીએ જણાવ્યું કે અમે ખુશ છીએ કે અમને અયોધ્યામાં નિર્માણ પામી રહેલ રામ મંદિરના બ્રાસનું કામ કરવાનો અવસર મળ્યો છે. રામ મંદિરમાં 7 ધ્વજદંડ લગાવવામાં આવશે. જેમાંથી મુખ્ય ધ્વજદંડનું વજન 5500 કિલો છે જ્યારે તેની લંબાઈ 44 ફૂટ છે. વધુમાં તેમણે કહ્યું કે ધ્વજદંડ બનાવવા અનેક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. તેઓ છેલ્લા 81 વર્ષથી શાસ્ત્રોક્ત રીતે ધ્વજદંડ બનાવે છે. તેઓ મંદિર પ્રમાણે જ ધ્વજદંડ બનાવશે. મંદિરમાં લાગેલ ધ્વજદંડ એક રીતે ઉર્જાનો સ્ત્રોત કહી શકાય. કેમકે બ્રહ્માંડમાંથી તરંગો ધ્વજદંડ થકી ભગવાનના ગર્ભગૃહમાં પંહોચે છે. અમે અત્યાર સુધી વધુમાં વધુ 25-30 ફૂટના ધ્વજદંડ બનાવ્યા છે.
https://twitter.com/ANI/status/1731869766615519538
વધુ તેમણે માહિતી આપતા જણાવ્યું કે કોઇપણ મંદિર હોય તેમાં ભગવાનની મૂર્તિ, ધ્વજદંડ અને કળશ એ ત્રણ વસ્તુ બહુ મહત્વની હોય છે. મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થાય ત્યારે શુભ મુહૂર્તમાં ભગવાનની મૂર્તિ, ધ્વજદંડ અને કળશનું સ્થાપન કરવામાં આવે છે. ત્યારબાદ બાદ કયારે પણ આ ત્રણેય વસ્તુને હટાવી શકાતી નથી. આથી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક તમામ ધ્વજદંડ બનાવવાનું કાર્ય વધુ ચીવટપૂર્વક કરવામાં આવી રહ્યું છે.
રામ મંદિરના 7 ધ્વજદંડ બનાવવા અમારી કંપનીના તમામ સ્કીલ કામદારો સહિત શિલ્પકારો પણ ઘણી મહેનત કરી રહ્યા છે. ધ્વજદંડ બનાવવા એક ખાસ મટીરિયલ જોઈએ તે માટે અમારે તે મટીરિયલ બનાવવું પડ્યું. આ ઉપરાંત રામ મંદિર માટે ઝુમ્મર, દીવા લટકાવવાનું મટિરિયલ તેમજ દરવાજા માટેનું મટીરિયલ પણ તેમણે સપ્લાય કર્યું છે. તેઓ કહે છે કે સામાન્ય રીતે મંદિરો માટે 500 કિલોનો ધ્વજદંડ બનાવીએ છીએ જો કે રામ મંદિર માટે 5500 કિલોના ધ્વજંદડ બનાવી રહ્યા છીએ. જેમ-જેમ લોકોને જાણ થાય છે તેમ-તેમ લોકો અમારી ફેક્ટરી પર આ ધ્વજદંડના દર્શન કરવા આવે છે. અમારી ફેકટરીનો સમય સવારના 9 વાગ્યાથી સાંજના 6-7 વાગ્યા સુધીનો છે. અંબિક ફેક્ટરીના એમડી ભરત મેવાડ કહે છે કે અમારી આ ત્રીજી પેઢી છે. અમારો પરિવાર વર્ષોથી મંદિરને લગતા ઘણા બધા કામો કરે છે. અયોધ્યામાં નિર્માણ પામી રહેલ રામ મંદિર માટે ધ્વજદંડ બનાવવાનો અવસર મળવાથી અમે ઘણા ખુશ છીએ અને પોતાને ભાગ્યશાળી માનીએ છીએ.
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બની રહ્યું છે. રામ મંદિરના નિર્માણકાર્ય માટે અંદાજે 300થી 400 કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન છે, જ્યારે સંપૂર્ણ પરિસર બનાવવામાં આશરે 1100 કરોડ જેટલો ખર્ચનું અનુમાન છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રામ મંદિરનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. 2020માં રામમંદિરનું નિર્માણ કાર્યશરૂ થયું હતું.