નવી દિલ્હી,
લાલ કિલ્લાની પ્રાચીર પરથી પીએમ મોદીએ એલાન કર્યું હતું કે, વર્ષ ૨૦૨૨માં જયારે દેશ આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરી રહ્યો હશે ત્યારે માં ભારતી કોઈ પણ દીકરો કે દીકરી અંતરિક્ષમાં જશે, ત્યારે હવે આ ગગનયાન મિશન માટે સરકાર દ્વારા પણ લીલી ઝંડી આપવામાં આવી છે.
શુક્રવારે મળેલી મોદી સરકારની કેબિનેટ બેઠકમાં હ્યુમનસ્પેસ પ્રોગ્રામ હેઠળ ત્રણ વ્યક્તિઓને અંતરિક્ષમાં મોકલવા માટેની મંજૂરી આપવામાં આવી છે અને આ માટે કુલ ૧૦ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થઇ શકે છે.

આ પહેલા ઇસરોના ચેરમેન કે.સિવને કહ્યું હતું કે, ભારતીય અંતરિક્ષ યાત્રી લો અર્થ ઓર્બીટમાં (પૃથ્વીથી ૩૦૦-૪૦૦ કિમી દૂર) ૫ થી ૭ દિવસ વિતાવશે અને ત્યારબાદ ગુજરાતના અરબ સાગરમાં પાછા આવી જશે.

ત્રણ ભારતીયોને લઇ જવાવાળા ક્રૂ મોડ્યુલ સાથે એક સર્વિસ મોડ્યુલ પણ હશે. આ બંને મૉડ્યૂલ્સને ભેગા કરીને ઓર્બિટલ મોડ્યુલ બનશે, જે એડવાન્સ GSLV એમ-3 રોકેટ દ્વારા અંતરિક્ષમાં મોકલવામાં આવશે.
આ યાત્રા પર એક અઠવાડિયા સુધી ત્રણ યાત્રીઓ માઇક્રોગ્રેવીટી અને અન્ય પ્રયોગ કરશે. પાછા ફરતા સમયે ઓર્બિટલ મોડ્યુલ પોતાને રિઑરિએંટ કરી લેશે.