દેશના ૫ મુખ્ય રાષ્ટ્રીય પક્ષોએ નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ માટે પોતાની આવકની જાહેરાત કરી છે. એડીઆર (એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ )માં દર્શાવેલા આંકડા મુજબ આ રાષ્ટ્રીય પક્ષોએ કુલ ૨૯૯.૫૪ કરોડ રૂપિયાની આવક દર્શાવી છે. જેમાં માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી ટોપ પર છે. બીએસપીએ ૨૦૧૬-૧૭માં સૌથી વધુ કુલ ૧૭૩.૫૮ કરોડ રૂપિયાની આવક દર્શાવી છે. જયારે દેશના સૌથી મોટા રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસે આવકની માહિતી ચુંટણીપંચને આપી નથી.
સાત માંથી પાંચ પાર્ટીઓએ આવકની માહિતી આપી છે તેમાં બસપા ઉપરાંત એનસીપી, સીપીએમ, સીપીઆઈ અને ટીએમસીનો સમાવેશ થાય છે. એવું માનવામાં આવી રહ્યું હતું કે, નોટબંધી બાદ રાજકીય પક્ષોની આવકમાં ઘટાડો થશે. જો કે આ ચિત્રથી તદ્દન અલગ બસપા અને એનસીપીની આવકમાં જંગી વધારો થયો છે.
નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં બસપાની આવકમાં ગત વર્ષની તુલનામાં ૨૬૬.૩૨ ટકાનો વધારો થયો છે. ૨૦૧૫-૧૬માં આ પાર્ટીની આવક ૪૭.૩૮ કરોડની હતી, જે ૨૦૧૬-૧૭માં ૧૭૩.૫૮ કરોડ પર પહોંચી ગઈ છે, એટલે કે પાર્ટીની આવકમાં ૧૨૬.૧૯ કરોડનો વધારો થયો છે. જ્યારે શરદ પવારની પાર્ટી એનસીપીની આવક ૮૮.૬૩ ટકા વધી છે. ૨૦૧૫-૧૬માં આ પાર્ટીની આવક ૯.૧૩ કરોડની હતી, જે ૨૦૧૬-૧૭માં વધીને ૧૭.૨૩ કરોડ થઈ ગઈ છે. ટીએમસીની આવકમાં ઘટાડો થયો છે. ટીએમસીની આવકમાં ઘટાડો થયો છે. ૨૦૧૫-૧૬માં પાર્ટીની આવક ૩૪.૫૭ કરોડ હતી, જે ૨૦૧૬-૧૭માં ઘટીને ૬.૩૯ કરોડ થઈ ગઈ છે.
નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં પાર્ટીઓ દ્વારા રજુ કરવામાં આવેલા આવકના આંકડા
૧. બસપા – ૧૭૩.૫૮ કરોડ
૨. સીપીએમ – ૧૦૦.૨૫ કરોડ
૩. એનસીપી – ૧૭.૨૩ કરોડ
૪. તૃણમૂલ કોંગ્રેસ – ૬.૩૯ કરોડ
૫. સીપીઆઈ – ૨.૭ કરોડ