નવી દિલ્હી,
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીના બહેન અને રોબર્ટ વાડ્રાના પત્ની પ્રિયંકા ગાંધી વાડ્રાની રાજનીતિમાં એન્ટ્રીને લઇ અનેક નિવેદન સામે આવી રહ્યા છે, ત્યારે આ મામલે લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજનની એક પ્રતિક્રિયા સામે આવી છે.
સુમિત્રા મહાજને કહ્યું હતું કે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી રાજનીતિને હેન્ડલ કરી શકતા નથી તેથી તેઓને મદદ કરવા માટે પ્રિયંકા ગાંધી વાડ્રાની રાજકારણમાં એન્ટ્રી થઇ છે”.
તેઓએ વધુમાં કહ્યું હતું કે, “કુશળ વ્યક્તિઓને હંમેશાની માટે તક આપવી જોઈએ અને તેઓએ આગળ આવવું જોઈએ”.
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી પ્રિયંકા વાડ્રાને રાજકારણમાં લાવવા માટેની ચર્ચાઓ ચાલી રહી હતી, જો કે ત્યારબાદ લોકસભાની ચૂંટણી પહેલા પાર્ટી દ્વારા મોટો દાવ રમતા ગત બુધવારે કોંગ્રેસ દ્વારા પ્રિયંકા વાડ્રાને પૂર્વી ઉત્તરપ્રદેશમાં મહાસચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે.
લોકસભાના સ્પીકરે કહ્યું હતું કે, “પ્રિયંકા એક સારા મહિલા છે પરંતુ કરવામાં આવેલી નિયુક્તિ એ બતાવે છે કે રાહુલ ગાંધી એકલા રાજનીતિને હેન્ડલ કરી શકતા નથી, જેથી તેઓએ પોતાના બહેનને મદદ કરવા માટે કહ્યું છે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા વાડ્રા સાથે કોંગ્રેસના નેતા જ્યોતિરદિત્ય સિંધિયાની પણ પશ્ચિમી ઉત્તરપ્રદેશના મહાસચિવ તરીકેની જવાબદારી સોપાઈ છે. સિંધિયા હાલમાં મધ્યપ્રદેશમાં ગુના લોકસભા સીટ પરથી સાંસદ છે.