પવિત્ર માસ રમઝાન ચાલી રહ્યો હોવાથી સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરમાં યુદ્ધવિરામની ઘોષણા કરી છે. પરંતુ આતંકીઓ તેમની નાપાક હરકત છોડી નથી શકતા. છેલ્લા બે દિવસમાં સેના પર બે આતંકી હુમલાઓ થઇ ચુક્યા છે, એ પણ એવા સમય પર જયારે દેશના ગૃહમંત્રી રાજનાથ સિંહ રાજ્યના બે દિવસના પ્રવાસ પર છે. આ હુમલાઓના કારણે સુરક્ષા દળોની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારી દીધી છે. શુક્રવાર સવારે કુપવાડા જીલ્લાના હરીલ એરિયામાં આતંકવાદીઓએ આર્મી પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો. જોકે, હજુ સુધી કોઈ પ્રકારના જાન-માલ નુકસાનની ખબર મળી નથી.
મહત્વનું છે કે ગુરુવારે કેરણ સેક્ટરમાં પણ બોર્ડર નજીક આર્મી પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો થયો હતો, જેમાં સેનાના બે જવાન ઘાયલ થયા હતા. કેરણ સેક્ટરમાં કછાલ અગ્રીમ ચોકી પાસે જયારે જવાનોનું એક દળ પેટ્રોલિંગ કરી રહ્યું હતું, ત્યાં છુપાયેલા આતંકીઓએ હુમલો કરી દીધો હતો. ગૃહમંત્રી રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીરના બે દિવસના પ્રવાસે છે. ગૃહમંત્રી અહી એલઓસી અને આંતરાષ્ટ્રીય સીમા પર સુરક્ષાની તપાસ કરવા ગયા છે.
કેન્દ્ર દ્વારા, શાંતિ બની રહે તે માટે રમઝાન માસ દરમિયાન એકતરફા યુદ્ધ વિરામની ઘોષણા બાદ કાશ્મીરના અંદરના વિસ્તારોમાં આતંકી હિંસાઓમાં 30 ટકાનો વધારો થયો છે. આ દરમિયાન દક્ષીણ કાશ્મીરમાં લગભગ 10 યુવાનો આતંકી સંગઠનો સાથે જોડાયા છે. આમાંથી એક આઈપીએસ અધિકારીનો ભાઈ પણ શામેલ છે.
રાજ્ય પોલીસના એક વરિષ્ઠ અધિકારી જણાવે છે કે આ વર્ષે 31 મે સુધીમાં આતંકી હિંસા સંબંધિત 88 ગુનાઓ થયા છે. આમાંના 34 ગુનાઓ રમઝાન યુદ્ધવિરામના 20 દિવસોમાં થયા છે, જેમાં રાષ્ટ્રવિરોધી પ્રદર્શન અને પથ્થરમારાની ઘટનાઓ પણ શામેલ છે. એમણે આગળ જણાવ્યું કે કેન્દ્ર દ્વારા રમઝાન સંઘર્ષવિરામની ઘોષણા થયા બાદ આતંકીઓએ15 ગ્રેનેડ હુમલા , ત્રણ આઈઈડી વિસ્ફોટ, 6 વાર સુરક્ષાદળો પર ફાયરીંગ અને હથિયાર લૂટની ઘટનાઓને અંજામ આપ્યો છે. આ દરમિયાન 5 લોકો પાણ માર્યા ગયા છે. મોટા ભાગના ગ્રેનેડ હુમલા દક્ષીણ કાશ્મીરમાં થયા છે.
ગૃહમંત્રીએ કાશ્મીરમાં ચાલી રહેલા રમઝાન યુદ્ધવિરામને લંબાવવા પર કહ્યું છે કે પીએમ મોદીએ આ ફેસલો ખુબ સમજી-વિચારીને લીધો છે. યુદ્ધવિરામ લંબાવવો કે નહિ એ વિશે બધી સુરક્ષા એજન્સીઓ અને મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ નક્કી થશે.
ગૃહમંત્રી રાજનાથ સિંહે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનની સખત નિંદા કરી છે. એમને કહ્યું કે પાકિસ્તાન દુનિયા સામે આતંકવાદ ખતમ કરવાની વાત કરે છે, પરંતુ આતંકવાદ ખતમ કરવા માટે કોઈ નક્કર પગલાં લેવા નથી માંગતુ. જો પાકિસ્તાન આતંકવાદને કાબુમાં નથી લઇ શકતું, તો પણ પાડોશી દેશની મદદ કેમ નથી લેતું.