Pakistan/ નાણા વગરનો નાથીયો બન્યું પાકિસ્તાન, હાલત થઈ ભિખારીઓ જેવી

પાકિસ્તાની વિદેશી મુદ્રા ભંડાર સ્થિતિ ખુબ જ ખરાબ છે. પાકિસ્તાન પાસે માત્ર 3 સપ્તાહની આયાત જેટલા જ નાણાં બચ્યા છે. પાકિસ્તાન હાલ ઘઉં અને ખાંડ જેવી ચીજ-વસ્તુઓ માટે પોતાનો ખજાનો લુંટાવી રહી છે. પાકિસ્તાન…

Mantavya Exclusive
Economy of Pakistan

Economy of Pakistan: પાકિસ્તાને તેની સૌથી મોટી મુર્ખામી બતાવી અને ભારતને અક્કડ દેખાડવી ભારે પડી, આજે એવી પરિસ્થિતિ છે કે ખજાનો લૂંટાવી દીધો છે. મોદી સરકારના જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પાકિસ્તાને ભારત સાથે વેપાર સંબંધ બંધ કરી દીધા હતા, જોકે આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને ભારત સામે અક્કડ દેખાડવી ભારે પડી રહી છે.

પાકિસ્તાની વિદેશી મુદ્રા ભંડાર સ્થિતિ ખુબ જ ખરાબ છે. પાકિસ્તાન પાસે માત્ર 3 સપ્તાહની આયાત જેટલા જ નાણાં બચ્યા છે. પાકિસ્તાન હાલ ઘઉં અને ખાંડ જેવી ચીજ-વસ્તુઓ માટે પોતાનો ખજાનો લુંટાવી રહી છે. પાકિસ્તાનને કેટલીક આવશ્યક ચીજવસ્તુઓ વધુ નાણાં ચૂકવી અન્ય દેશોમાંથી આયાત કરી રહી છે. જો તેના ભારત સાથેના સંબંધો સારા હોત તો પાકિસ્તાન  ભારત પાસેથી સરળતાથી આવશ્યક ચીજવસ્તુઓ મેળવી શકતો હતો. હાલ પાકિસ્તાન શિપિંગ દ્વારા અન્ય દેશોમાંથી આયાત કરી રહ્યો છે.

ઘઉં, ખાંડ, ઘી વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓની અછતનો સામનો કરી રહેલું પાકિસ્તાન વધુ ખર્ચ કરી રશિયા, યુએઈ, ઈજિપ્ત, બ્રાઝિલ, સિંગાપોર વગેરે જેવા દેશોમાંથી આયાત કરી રહ્યું છે. જો પાકિસ્તાને ભારત સાથેના સંબંધો સારા રાખ્યા હોત તો આ આયાત ખર્ચમાં મોટો ઘટાડો થયો હોત. દૂરના દેશોમાંથી આયાત કરવા માટે પાકિસ્તાનનો શિપિંગ ચાર્જ ઘણો વધી ગયો છે. ભારત ઘણા દેશોમાં ઘઉંની નિકાસ કરે છે. જોકે પાકિસ્તાને અન્ય દેશોમાંથી ઘઉંની આયાત કરવા માટે વધુ નાણાં ચૂકવવા પડે છે.

પાકિસ્તાન સરકાર ઘઉંની અછતને પહોંચી વળવા કુલ 75 લાખ ટન ઘઉંની આયાત કરી રહી છે. પાકિસ્તાન સૌથી વધુ ઘઉં રશિયામાંથી આયાત કરે છે. સોમવારે જ રશિયાથી ઘઉંનો મોટો જથ્થો કરાચી બંદરે પહોંચ્યો છે. આગામી દિવસોમાં રશિયાથી 4 લાખ 50 હજાર ટન ઘઉં પાકિસ્તાન પહોંચશે. પાકિસ્તાન રશિયા અને યુક્રેન જેવા દેશોમાંથી ઘઉંની આયાત કરે છે, પરંતુ બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક ઘઉંના ભાવમાં વધારો થયો છે. પાકિસ્તાન હાલ રશિયા પાસેથી વધેલા ભાવે જ ઘઉં ખરીદી કરી રહ્યું છે. જ્યારે ભારત, યુએઈ, કતાર, ઓમાન, શ્રીલંકા વગેરે દેશોને સબસિડીના દરે ઘઉં વેચી રહ્યું છે. કાશ્મીર મુદ્દાને વચ્ચે લાવીને પાકિસ્તાન પોતાને જ નુકસાન કરી રહ્યું છે.

જ્યારે ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધો થોડા સારા હતા, ત્યારે બંને દેશો વચ્ચેનો મોટાભાગનો વેપાર સડક માર્ગે ટ્રક દ્વારા થતો હતો, જેના કારણે આયાતની કિંમત ઓછી થતી હતી, જોકે 5મી ઓગસ્ટ-2019ના રોજ ભારત સરકારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો હતો. ત્યારબાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચેના રાજદ્વારી અને વેપાર સંબંધોમાં તિરાડ પડી છે અને દ્વિપક્ષીય વેપાર લગભગ બંધ જ થઈ ગયો છે. પાકિસ્તાન સિવાય લગભગ તમામ પડોશી દેશો ભારતમાંથી ઘઉં, ખાંડ વગેરે જેવી ચીજવસ્તુઓની આયાત પર ઓછો ખર્ચ કરી રહ્યા છે. વ્યાપારી સૂત્રોનું કહેવું છે કે બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા વગેરે દેશો ભારતમાંથી મોટા પ્રમાણમાં ઘઉંની આયાત કરે છે.

ગત વર્ષે પાકિસ્તાનમાં ભયંકર પૂર આવ્યું હતું. આ પૂરના કારણે ઘઉંના પાકનો નાશ થયો હતો. પાકિસ્તાનમાં ઘઉંનું સ્થાનિક ઉત્પાદન સંપૂર્ણપણે ઘટી ગયું, ત્યારબાદ તેને આયાત પર નિર્ભર રહેવું પડ્યું છે. એક કિલો લોટ માટે લોકોએ 160 રૂપિયા ચૂકવવા પડે છે. સરકાર ગરીબ લોકોને 10 કિલો ઘઉંનું પેકેટ સબસિડી પર આપી રહી છે, જેની કિંમત 650 રૂપિયા રખાઈ છે, પરંતુ આ સબસિડી વિનાનો લોટ પણ બજારમાંથી ગાયબ થઈ ગયો છે. પાકિસ્તાનમાં 100 કિલો ઘઉંની બોરીની કિંમત 12,500 રૂપિયે પહોંચી ગઈ છે.

પાકિસ્તાનની દુર્દશાનું કારણ

ગયા વર્ષે જાન્યુઆરીમાં પાકિસ્તાનમાં ડુંગળીની કિંમત 36 રૂપિયા પ્રતિ કિલો હતી, જે આ વર્ષે લગભગ છ ગણી વધીને 220 રૂપિયા થઈ ગઈ છે. જાન્યુઆરી 2022માં ફુગાવો 13%ના દરે વધી રહ્યો હતો, હાલમાં તે 25%ના દરે વધી રહ્યો છે. વિદેશી મુદ્રા ભંડાર 8 વર્ષમાં સૌથી નીચો છે. પાકિસ્તાની રૂપિયો ડોલર સામે નબળો પડ્યો છે. પાકિસ્તાન પર દેવાનો બોજ જીડીપીના 78 ટકા થઈ ગયો છે.

પાકિસ્તાનમાં ખાદ્યપદાર્થો અને અન્ય વસ્તુઓની કિંમતમાં વધારો થવાના 4 મુખ્ય કારણો

છેલ્લા 9 મહિનાથી પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા છે. જેના કારણે દેશની અર્થવ્યવસ્થા પર અસર પડી છે.

જૂન 2022 અને સપ્ટેમ્બર 2022 ની વચ્ચે, પૂરે દેશના મોટા ભાગોમાં તબાહી મચાવી હતી. તેનાથી 1.5 કરોડથી વધુ લોકોને અસર થઈ છે. આનાથી દેશને 12.5 બિલિયન ડોલરનું નુકસાન થયું.

પાકિસ્તાની રૂપિયાના મૂલ્યમાં ભારે ઘટાડો થયો છે કારણ કે આર્થિક ખાધ વધી છે. ડિસેમ્બર 2020માં પાકિસ્તાની રૂપિયો એક ડોલર સામે રૂ. 160.1 હતો, જે ડિસેમ્બર 2022માં ઘટીને રૂ. 224.8 થયો હતો.

વિશ્વભરમાં તેલ અને અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થયો છે. પાકિસ્તાન પોતાનો મોટાભાગનો જરૂરી સામાન વિદેશમાંથી આયાત કરે છે. આ જ કારણ છે કે અહીં પામ તેલ, દવાઓ અને ખાદ્યપદાર્થોની કિંમતોમાં પણ વધારો થયો છે.

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની સ્થિતિ દિવસેને દિવસે બદથી બદતર થઈ રહી છે. વાત જાણે એમ છે કે, જો વિભાજન ન થયું હોત તો આજે પાકિસ્તાનમાં લોકોએ હુલ્લડ ન કરવી પડત. આજે પણ પાકિસ્તાનના ઘણા લોકો કહી રહ્યા છે કે, કદાચ 75 વર્ષ પહેલાં ભારતના ભાગલા ન થયા હોત તો સારૂ હોત.

કેવી છે પાકિસ્તાનની સ્થિતિ ?

પાડોશી દેશ પાકિસ્તાન હાલ ઘઉં અને ખાંડ જેવી ચીજ-વસ્તુઓ માટે પોતાનો ખજાનો લુંટાવી રહી છે. પાકિસ્તાન પાસે માત્ર 3 સપ્તાહની આયાત જેટલા જ નાણાં બચ્યા છે. પાકિસ્તાનને કેટલીક આવશ્યક ચીજવસ્તુઓ વધુ નાણાં ચૂકવી અન્ય દેશોમાંથી આયાત કરી રહી છે. જો તેના ભારત સાથેના સંબંધો સારા હોત તો પાકિસ્તાન ભારત પાસેથી સરળતાથી આવશ્યક ચીજવસ્તુઓ મેળવી શકત.

પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી

પાકિસ્તાન દર વર્ષે અઢી કરોડ ટન અનાજનું ઉત્પાદન કરે છે પણ તેની સામે જરૂરિયાત 3 કરોડ ટન છે. અને આ જ કારણે પાકિસ્તાનમાં આ સ્થિતિ ઊભી કરી છે. વાત માત્ર લોટ ની નથી પણ ખાવાની અન્ય ચીજોના ભાવમાં પણ 30થી લઈ 100 ટકા સુધી વધારો થયો છે. પાકિસ્તાનમાં હાલમાં ચિકનની કિંમત 383 રૂપિયા પ્રતિ કિલો છે. ગયા વર્ષે એટલે કે જાન્યુઆરી 2022માં ચિકનની કિંમત 210  રૂપિયા હતી. આવી સ્થિતિમાં માત્ર એક વર્ષમાં ચિકનની કિંમતમાં 173 રૂપિયાનો વધારો થયો છે. આટલું જ નહીં ચિકન બનાવવામાં વપરાતા ડુંગળી અને સરસવના તેલના ભાવમાં પણ આગ લાગી છે.

પાકિસ્તાનમાં અત્યારે ડુંગળી 220 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. એક વર્ષ પહેલા જાન્યુઆરી 2022માં ડુંગળી 36 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતી હતી. આવી સ્થિતિમાં એક વર્ષમાં ડુંગળીમાં 184 રૂપિયાનો વધારો થયો છે. પાકિસ્તાનમાં સરસવનું તેલ 532 રૂપિયા પ્રતિ લિટર મળી રહ્યું છે, જે ગયા વર્ષે જાન્યુઆરી 2022માં 374 રૂપિયા હતું. આવી સ્થિતિમાં 2022ની સરખામણીમાં સરસવનું તેલ 158 રૂપિયા મોંઘુ થયું છે.

પાકિસ્તાનમાં દાળ, મીઠું, ચોખા, કેળા, બ્રેડ, દૂધ પણ સામાન્ય લોકોની પહોંચની બહાર થઈ ગયા છે. પાકિસ્તાનમાં 1 કિલો તુવેર દાળ 228 રૂપિયા પ્રતિ કિલો, 800 ગ્રામ સામાન્ય મીઠાનું પેકેટ 48 રૂપિયા, બાસમતી ચોખા 146 રૂપિયા, કેળા 119 રૂપિયા પ્રતિ ડઝન, બ્રેડનું પેકેટ 89 રૂપિયા અને દૂધ 149 રૂ. 1 લિટરના ભાવે મળે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનમાં આ વસ્તુઓ ખરીદવી સામાન્ય લોકોની શક્તિથી બહાર થઈ ગઈ છે. પાકિસ્તાનના મોટાભાગના લોકો ગરીબી રેખા નીચે જીવે છે. દરમિયાન અર્થવ્યવસ્થાના પતનને કારણે ખાનગી નોકરી કરતા લાખો લોકોને બેરોજગાર થવું પડ્યું હતું.

પાકિસ્તાનની વિદેશી મુદ્રા ભંડાર સ્થિતિ ખુબ જ ખરાબ

પાકિસ્તાનની સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન અનુસાર દેશની અર્થવ્યવસ્થામાં ફુગાવો ડિસેમ્બર 2021માં 12.3 ટકાથી બમણો થઈને ડિસેમ્બર 2022માં 24.5 ટકા થવાનો છે. ફુગાવાનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં જબરદસ્ત ઉછાળો હોવાનું માનવામાં આવે છે. તો વળી ખાદ્ય ફુગાવાનો દર ડિસેમ્બર 2021માં 11.7 ટકાથી લગભગ ત્રણ ગણો વધીને ડિસેમ્બર 2022માં 32.7 ટકા થઈ ગયો છે.

પાકિસ્તાનમાં માત્ર મોંઘવારી જ સમસ્યા નથી પરંતુ તેની અર્થવ્યવસ્થા પણ બરબાદ થતી જોવા મળી રહી છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ઝડપથી ઘટી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં તે અડધો થઈ ગયો છે. ડિસેમ્બર 2021માં દેશની વિદેશી હૂંડિયામણ અનામત 23.9 અબજ ડોલર હતી અને ડિસેમ્બર 2022માં ઘટીને 11.4 અબજ ડોલર થઈ ગઈ છે.

પાકિસ્તાન ગંભીર મુશ્કેલીમાં છે. મોંઘવારી 25%ના દરે વધી રહી છે. વિદેશી મુદ્રા ભંડારમાં માત્ર 41 હજાર કરોડ બચ્યા છે, જેના કારણે માત્ર 3 અઠવાડિયાનું આયાત બિલ ચૂકવી શકાય છે. જે છેલ્લા 8 વર્ષમાં સૌથી નીચો છે. આ મુશ્કેલ સમયમાં પાકિસ્તાનની આશાવાદી નજર IMF, ચીન અને સાઉદી અરેબિયા પર ટકેલી છે.

5 જાન્યુઆરી 2023ના રોજ ‘ધ ગાર્ડિયન’માં લખાયેલા એક લેખમાં પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે દુનિયાભરના દેશોને મદદની અપીલ કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે પણ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે થોડા દિવસોમાં સાઉદી અરેબિયા પાસેથી પૈસા મળી જશે. આ પછી સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યું કે અમે પાકિસ્તાનમાં 10 અબજ ડોલરના રોકાણ પર વિચાર કરી રહ્યા છીએ.

પાકિસ્તાનના નવા પીએમ અને આર્મી ચીફ સાઉદી અરેબિયામાં ગયા

જનરલ સૈયદ અસીમ મુનીર પાકિસ્તાનના આર્મી ચીફ બન્યાના દોઢ મહિના પછી 5 જાન્યુઆરી 2023ના રોજ સાઉદી અરેબિયાની મુલાકાતે ગયા હતા. અગાઉ મે 2022માં સાઉદી અરેબિયા ગયેલા પાકિસ્તાનના વડા પ્રધાન શહેબાઝ શરીફ સાઉદી પાસેથી 8 અબજ ડોલરનું કુલ રાહત પેકેજ મેળવવામાં સફળ રહ્યા હતા. આ સમયે સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને તેલ માટે આપવામાં આવતી આર્થિક રાહતને બમણી કરવાનું વચન પણ આપ્યું હતું.

હાલમાં પાકિસ્તાનને અન્ય કોઈ દેશો કે સંસ્થાઓ પાસેથી લોન મળી નથી. બીજી તરફ નબળી આર્થિક સ્થિતિને કારણે પાકિસ્તાની રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. આગામી કેટલાક મહિનામાં પાકિસ્તાને 30 અબજ ડોલરથી વધુનું વિદેશી દેવું ચૂકવવું પડશે. આ જ કારણ છે કે પાકિસ્તાન ડિફોલ્ટર હોવાની આશંકા વધી રહી છે.

આવી સ્થિતિમાં, જો સાઉદી અરેબિયા પાકિસ્તાનને 10 અબજ ડોલરની મદદ કરે તો પણ પાકિસ્તાનને દેવું ઘટાડવા માટે વધુ 20 અબજ ડોલરની જરૂર પડશે. એટલું જ નહીં, દેશની અર્થવ્યવસ્થાને વેગ આપીને અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે પણ પાકિસ્તાનને પૈસાની જરૂર પડશે.

પાકિસ્તાનની હાલત અત્યારે ભિખારીઓ જેવી થઈ છે. ત્યાંના નાગરિકો બે ટાઈમના ભોજન માટે એક બીજા સાથે મારપીટ કરી રહ્યા છે. કેટલાંક લોકો ઘરમાં રાંધી શકતાં નથી. રોડ પર રાત્રે અંધારપટ છવાઈ જાય છે. નાણા વગરનો નાથીયો બન્યું પાકિસ્તાન.

આ પણ વાંચો: Snow Storm/ અમેરિકામાં બરફના તોફાને તબાહી મચાવી, અનેક લોકોના થયા મોત, વિસ્તૃત અહેવાલ