Palanpur-Ahmedabad Highway Murder CCTV : પાલનપુર-અમદાવાદ હાઇવે પર શનિવારે રાત્રે થયેલી યુવકની નિર્મમ હત્યાના કેસમાં પોલીસની કાર્યવાહી તેજ બની છે. આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસે રાજ્ય બહાર પણ ટીમો મોકલી છે. આ દરમિયાન ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આરોપીઓ ગણતરીની મિનિટોમાં હુમલો કરી વાહનો સાથે ફરાર થતા જોવા મળે છે.
હત્યાના CCTV ફૂટેજ આવ્યા સામે
સામે આવેલા CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે, અમદાવાદ–પાલનપુર હાઇવે પર આવેલી રામદેવ હોટલ પાસે એક સફેદ રંગની કાર ઊભી છે, જેના પાછળ કેટલાક યુવકોનું ટોળું ઉભેલું છે. થોડી જ વારમાં હાઇવેની બંને બાજુથી આઠથી દસ બાઇકો ઘટનાસ્થળે પહોંચે છે. ત્યારબાદ અચાનક સફેદ કાર આગળ વધે છે અને કેટલાક યુવકો તેની પાછળ દોડતા નજરે પડે છે. સમગ્ર ઘટના માત્ર ત્રણ મિનિટ જેટલા સમયગાળામાં બની હોવાનું CCTV પરથી જણાય છે.
બંને યુવકો પર અચાનક જીવલેણ હુમલો
શનિવારે રાત્રે ગાદલવાડા ગામના નિતિનકુમાર ચૌધરી અને ભરત ચૌધરી અમદાવાદ હાઇવે પર આવેલી રામદેવ હોટલ પાસે બેઠા હતા. તે દરમિયાન 3થી 4 ગાડીઓમાં આવેલા 10થી વધુ હુમલાખોરોએ તલવારો, પાઇપો અને લાકડીઓ સાથે બંને યુવકો પર અચાનક જીવલેણ હુમલો કર્યો હતો. હુમલા બાદ તમામ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ભરત ચૌધરીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે નિતિન ચૌધરી ગંભીર રીતે ઘાયલ થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
યુવકના મોત બાદ ચૌધરી સમાજમાં રોષ
યુવકના મોત બાદ ચૌધરી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા અને જ્યાં સુધી આરોપીઓ ઝડપાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં પોલીસે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા મૃતદેહ સ્વીકારવામાં આવ્યો હતો.

24 આરોપીઓ સામે ગુનો, 8 ટીમો તપાસમાં
પોલીસે આ મામલે પાલનપુરના ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી સહિત કુલ 24 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસે 8 અલગ-અલગ ટીમો બનાવી છે, જેને સમગ્ર ગુજરાત ઉપરાંત રાજ્ય બહાર પણ તપાસ માટે મોકલવામાં આવી છે. કેટલાક શંકાસ્પદોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
