Gandhinagar News/ જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ પર ગુજરાત કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા…

ભાજપના હોદેદારો હોય કે ચૂંટાયેલા જનતાના પ્રતિનિધિઓ હોય દરેકે કહ્યું છે, “ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે” તો સરકારને સર્વે કરવાના નાટકો શા માટે ??…

Gujarat Gandhinagar

Gandhinagar News: રાજ્યના મંત્રી જીતુ વાઘાણી (Jitu Vaghani)ની પ્રેસ કોન્ફરન્સ (Press Conference) પર ગુજરાત કિસાન કોંગ્રેસ (Congress)ના પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા સામે આવી છે.સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરમાં જે કમોસમી વરસાદ પડ્યો છે તેણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે માત્ર આ એક જ કમોસમી વરસાદ નહિ છેલ્લી 7 સીઝનમાં ખેડૂતોએ વાવાઝોડા, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદનો ભોગ બનવું પડ્યું છે એમાંય છેલ્લા બે વર્ષમાં એટલે કે ગયું વર્ષ 2024 – 25 અને ચાલુ વર્ષ 2025 – 26 માં તો ખેડૂતોની કમ્મર તૂટી ગઈ છે વર્ષ જુલાઈ – ઓગસ્ટ 2024 ની અતિવૃષ્ટિ, ઓક્ટોબર 2024 નો કમોસમી વરસાદ, સપ્ટેમ્બર 2025 ની અતિવૃષ્ટિ ને અત્યારે ઓક્ટોબર 2025 નો કમોસમી વરસાદે ખેડૂતોને પડ્યા પર પાટુ મારી છે.

પાક નુકસાની સર્વે કરવા બાબત (1)

અત્યારે છેલ્લા 5 – 7 દિવસથી જે રીતે અડધા ઇંચ થી લઈને 15 – 15 ઇંચ કમોસમી વરસાદ નોંધાયો છે ત્યારે રાજ્ય સરકારે ભાજપના ધારાસભ્યશ્રીઓ, સંસદસભ્યશ્રીઓ, જિલ્લા પ્રમુખોને આદેશ કર્યો હોય તે રીતે આ બધા જ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભાજપ (BJP)ના આદેશના ઈશારે નાટક કરવા પૂરતા જ ખેડૂતોના ખેતરોમાં મગબુટ પહેરીને પહોંચ્યા તો કોઈ મંત્રીને તો ખેડૂતોની ખેત પેદાશમાં વાસ આવતી હતી ત્યારે સવાલ એ થાય છે કે આ તમામ લોકો ખેડૂતોના હમદર્દ બનવા આવ્યા હતા કે સરકારના આદેશનો અમલ કરી ખેડૂતોની મજાક કરવા આવ્યા હતા ???

તારીખ 28/10/2025 ના રોજ કૃષિ વિભાગ દ્વારા પાક નુક્શાની સર્વે કરવાના આદેશ કરતા પરિપત્ર કર્યા બાદ ગઈકાલે તારીખ 29/10/2025 ની રાજ્ય સરકારની કેબિનેટ બેઠક પર ગુજરાતના ખેડૂતો મીટ માંડીને બેઠા હતા ખેડૂતો વિચારતા હતા કે સર્વે કરવા આવેલા તમામ મંત્રીઓ પૈકી કોઈક એકાદ બે મંત્રીઓનો અંતરાત્મા જાગશે અને કેબિનેટ બેઠકમાં ખેડૂતો તરફી નિર્ણય કરાવશે પણ અફસોસ સાથે કહેવું પડે કે ખેડૂતોની આ આશા પર પણ પાણી ફરી વળ્યું એકપણ મંત્રી ખેડૂત તરફી ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવાની વાત કરી શક્યા નહી અને કેબિનેટ પુરી થઈને કૃષિમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જાહેરાત કરી કે 7 દિવસમાં તાત્કાલિક સર્વે કરવામાં આવશે.

હવે આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે રાજ્ય સરકારના પરિપત્રના પારા બે માં બહુ સ્પષ્ટ લખ્યું છે કે “” ખેડૂતોના દરેક સર્વે નંબરદીઠ સર્વે કરી 20 દિવસમાં અહેવાલ કરવો”” એવી જ રીતે એ જ પરિપત્રના પારા 3 માં બહુ સ્પષ્ટ લખ્યું છે કે “”નિયામકશ્રી એ કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર મારફત સેટેલાઇટ ઇમેજ આધારિત ઇમ્પેકટેડ વિસ્તારનો સર્વે નંબર વાઇઝ પ્રાથમિક રિપોર્ટ મેળવી દિન 12 માં જિલ્લા કક્ષાએ મોકલી આપવાનો રહેશે”” અને રાજ્યના પ્રવક્તા મંત્રી અને કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણી તારીખ 29/10/2025 ના રોજ મીડિયા સાથે વાત કરતા જાહેરાત કરે છે કે 7 દિવસમાં સર્વે ની કામગીરી પુરી કરવામાં આવશે. ત્યારે સવાલ એ છે કે રાજ્ય સરકારે કરેલ પરિપત્ર સાચો કે કૃષિમંત્રી જાહેરાત કરે છે એ સાચું ??

આ ઉપરાંત ગઈકાલે જે જે ગામોમાં ગ્રામ સેવકો ગયા ત્યાં તેઓએ કહ્યું કે સરકાર દ્વારા અમને મૌખિક આદેશ છે કે ખેડૂતોના ખેતરમાં રહેલ પાકના ઝાડવાં ગમે તેવા સડી ગયેલા હોય તમારે મગફળીના ડેડવા ફોલિ તેના દાણા ચેક કરવાના છે જો દાણા સળી ગયા હોય તો જ નુક્શાની ગણવાની રહેશે નહિતર નુક્શાની ગણાશે નહિ ત્યારે કેટલાક સવાલ છે

1) જો ગ્રામ સેવકો જે વાત મૌખિક આદેશની વાત કરે છે તે જ આદેશ સરકાર લેખિતમાં કેમ નથી કરતી ??

2) જો મગફળીના ડેડવા ફોલ્યા પછી દાણા માં નુક્શાની હોય તો જ નુક્શાની ગણવી તો શું ગ્રામ સેવકશ્રી ખેડૂતોને લેખિત પ્રમાણપત્ર આપશે કે તમારી મગફળીમાં કોઈ નુકસાન નથી

3) જો મગફળી ના ડેડવા ફોલ્યા પછી જે મગફળીમાં ગ્રામ સેવકને નુકશાન ન દેખાય એવી મગફળીને રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરતી વખતે માન્ય કરી લેશે ?? જો ના તો મગફળીમાં નુકશાન છે એ સરકારે સ્વીકારી લેવું જોઈએ

4) સરકારને સેટેલાઈટ ક્રોપ ઇમેજ સિસ્ટમથી ઇમેજ લેતા 12 દિવસનો સમય લાગશે ?? શું ત્યાં સુધી ખેડૂતો પોતાની બગડી ગયેલી ખેત પેદાશ ને ખેતરમાં રહેવા દેશે ??

5) વ્યક્તિગત સર્વે કરવા 20 દિવસની મુદત પરિપત્રમાં આપી છે તો શુ ખેડૂતો 20 દિવસ સુધી સર્વે કરવા આવે તેની રાહ જોઈને બેસી રહે કે બગડેલા ખેત પેદાશનો નિકાલ કરી શિયાળુ પાકનું વાવેતર કરવાની તૈયારી કરે ???

6) રાજ્ય સરકારનો લેખિત આદેશ અલગ ને મૌખિક આદેશ અલગ એવું કેમ ??

7) રાજ્ય સરકાર લેખિત પરિપત્ર માં સર્વે કરવા માટે 12 થી 20 દિવસની મુદત આપે ને જીતુભાઇ વાઘાણી 7 દિવસમાં સર્વે પૂરું કરવાની જાહેરાત કરે ત્યારે કઈ વાત સાચી માનવી ??

રાજય સરકારના મંત્રી, ધારાસભ્યશ્રીઓ, સંસદસભ્યશ્રીઓ, ભાજપના જિલ્લા પ્રમુખોએ ખેડૂતોના ખેતરની મુલાકાત લીધી છે અને તે પૈકી કેટલાય મંત્રી, ધારાસભ્ય, સંસદસભ્યો એ જાહેર માધ્યમોમાં કહ્યું છે કે ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે આ જ વાત પત્ર લખનાર ભાજપના હોદેદારો હોય કે ચૂંટાયેલા જનતાના પ્રતિનિધિઓ હોય દરેકે કહ્યું છે “”ખેડૂતોનું સર્વસ્વ લૂંટાઈ ગયું છે”” તો સરકારને પોતાના જ મંત્રીઓ, ધારાસભ્યો, સંસદસભ્યો ની રૂબરૂ મુલાકાતમાં જે દેખાયું એને માન્ય કેમ રાખવામાં નથી આવતું ?? સર્વે કરવાના નાટકો શા માટે ?? અમારી બહુ સ્પષ્ટ માંગ છે કે સર્વે ના તમામ નાટકો બંધ કરી છેલ્લી 7 સીઝનમાં ખેડૂતોને પડેલ કુદરતી માર માંથી ઉગારવા માટે ખેડૂતોના પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે તેવી ગુજરાત કિસાન કોંગ્રેસની બહુ સ્પષ્ટ માંગ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી

આ પણ વાંચો:રાજ્યમાં આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી