Amreli News : કમોસમી વરસાદમાં અમરેલી જિલ્લામાં ખેડૂતોને થયેલા નુકસાનીના વળતરને લઇને જિલ્લા કોંગ્રેસ દ્વારા આજથી વડિયાથી ‘ખેડૂત સત્યાગ્રહ’ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. આ આદોલન 8 નવેમ્બર સુધી જિલ્લાના અલગ-અલગ તાલુકામાં યોજાશે.
આંદોલનના પ્રથમ દિવસે પ્રતાપ દૂધાત અને પરેશ ધાનાણી ભાજપ અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ કર્યા છે. પરેશ ધાનાણીએ ‘આપ’ અને ‘બાપ’ બંનેને એક જ માની પેદાશ ગણાવ્યા હતા. એ બાદ સિંગ અને કપાસના ઝીંડવા માથે ઉપાડી વડિયા મામલતદાર કચેરી પહોંચી દેવા માફી અને તાત્કાલિક સહાયની માગ કરી હતી.
પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઇ ગયો છે. અમે કાર્યક્રમ યોજીને ખેડૂતો સાથે વાતચીત કરી તો સરકારે આપેલી માર્ગદર્શિકા મુજબ ખેડૂતોએ એક વીઘો ઉત્પાદન માટે 17 હજાર 200ને 35 રુપિયા ખર્ચ કરી ચૂક્યા છે. વીઘે 20 મણ જેટલી માંડવીના ઉતારા પાણીમાં પલળી ગયા છે. ખેડૂતોને વીઘે 50 હજારનું નુકસાન થયું છે.
આ ‘આપ’ અને ‘બાપ’ બંને એક જ માની પેદાશ છે, એમ ગોપાલ ઇટાલિયા પર આક્ષેપ કરતાં પરેશ ધાનાણીએ જણાવ્યું હતું. બંનેએ કુલડીમાં ગોળ ભાંગ્યો છે. વિસાવદરના ખેડૂતોના ખભે ચૂંટાયેલા નવા સવા નેતાએ જાહેરાત કરી કે દાદાની સરકાર એક હેકટરે 50 હજાર રુપિયા. એટલે કે એક વિઘાના 8 હજાર રુપિયા જાહેર કરશે તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જઇશ.ઇટાલિયાને સવાલ પુછતાં ધાનાણીએ જણાવ્યું કે, મારે ખેડૂતો વતી એમને પુછવું છે કે, ખેડૂતે વિઘે 17 હજાર ખર્ચ કર્યો અને એની સામે માત્ર 8 હજાર રુપિયા મળશે તો તમે દાદાના દરબારમાં મુજરો કરવા જશો? તમે ગુજરાતના ખેડૂતને ગીરવે મુકી શકશો નહીં.
ભાઇ ગોપાલ, તમે સરકાર સાથે પેકેજ નક્કી કરી લીધુ હોય તો કંઇ વાંધો નહીં પણ ગુજરાતના ખેડૂતોને એક વિઘે 50 હજારનું નુકસાન ગયું છે તેનું પેકેજ નક્કી કરવા માટેનો અધિકાર જગતના તાતનો છે. તમારે ગીરવે મુકાવું હોય તો ભલે મુકાઓ પણ ખબરદાર કમોસમી વરસાદથી ખેડૂતોને ગીરવે મુકવાનું કામ કર્યું છે તો ખેડૂતો તમને માફ નહી કરે.ખેડૂત ‘ખેડૂત સત્યાગ્રહ’ આંદોલનમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે જણાવ્યું કે, હું મારા ઘરનો તમને દાખલો આપુ તો આજે પણ મારા પપ્પા ખેતી કરે છે.
એમને 70 વર્ષ થયા તો મેં એમને કીધુ કે પપ્પા હવે આ ધંધો મૂકોને તો એમણે મને બેંકની પાસબુક આપીને મને કીધુ કે તું મારૂ દેવું ભરી દેજે મારે ખેતી નથી કરવી. મેં પાસબુક જોઇ તો એમાં 70 લાખનું દેવું હતું, આથી મેં મારા પપ્પાને પુછ્યું કે પપ્પા આટલું દેવું કર્યું કેમ? તો એમણે કીધુ કે આ દેવું ખેતીમાં થયું છે, તમને માનવામાં ન આવે તો મારા ઘરે આવીને ચેંક કરજો.પ્રતાપ દૂધાતે વધુમાં જણાવ્યું કે, મનમોહનની સરકારમાં કપાસના ભાવ 1400 રુપિયા હતા, શીંગના ભાવ 900 રુપિયા હતા. સોયાબીનના ભાવ વર્ષ 2014માં હતા, ત્યારે ખાતરનો શું ભાવ હતો? ત્યારે બિયારણ કે ટ્રેક્ટરનો શું ભાવ હતો? એ ભાવ અને આજનો ભાવ કમ્પેર કરજો એટલે ખેડૂતોની વેદના સમજાશે. ત્યારે ખેડૂતોના ઉત્પાદનનો ભાવ વધુ મળતો હતો ને સામે બિયારણ કે અન્ય વસ્તુંનો ભાવ ઓછો હતો અને એની સામે આજે ઉલ્ટું થઇ ગયું છે. ખેડૂતોના ઉત્પાદનનો ભાવ ઘટતો જાય છે અને સામે ખાતરના ભાવ વધતા જાય છે.
આજથી વડિયાથી શરૂ થયેલા કોંગ્રેસના ‘ખેડૂત સત્યાગ્રહ’માં પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત સહિત કોંગ્રેસના હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પરેશ ધાનાણીએ હાથમાં ચીઠ્ઠી વાંચીને ખેડૂતોને થયેલા નુકસાનનો હિસાબ માંડ્યો હતો. સાથે બંને કોંગી નેતાઓએ ભાજપ અને આમ આદમી પાર્ટી પર ખેડૂતોના સવાલોને લઇને આક્ષેપ કર્યા હતા અને ખેડૂતોને તાત્કાલિક સહાય અને દેવા માંફીની માંગ સાથે હાથમાં શીંગ-કપાસના ઝીંડવા માથે ઉપાડી મામલતદાર કચેરીમાં પહોંચી મામલતદારના ટેબલ ઉપર રાખી ખેડૂતો માટે માંગ કરી હતી.
બીજી તરફ ભાવનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ આજે ભાવનગર ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે ધરણા કરી ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવું અને ખેડૂતો સાથે સંકળાયેલા ભાગ્યા અને ખેતમજૂરો માટે સરકાર તરફથી આર્થિક પેકેજ જાહેર કરવાની માંગણી સાથે ગ્રામ્ય મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે.
ભાવનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશોક ગોહિલે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં અને ખાસ કરીને ભાવનગર તાલુકામાં આ માવઠાના લીધે ખૂબ જ મોટા પાયાનું નુકસાન થયું છે અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે તેથી અમારા ભાવનગર તાલુકા કોંગ્રેસ સમિતિની માંગણી છે કે, ખેડૂતોનું સંપૂર્ણ જ દેવું માફ કરવામાં આવે અને ખેડૂતો સાથે સંકળાયેલા ભાગ્યા અને ખેત મજૂરો માટે સરકાર તરફથી આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગણી છે. જો આ અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં કોગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના જામપર ગામના ખેડૂત કરસનભાઈ આહિરે દેવામાં દબાઈ જવાથી આત્મહત્યા કરતા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, હું વારંવાર કહી ચૂક્યો છું કે ભાજપ સરકારની સિસ્ટમ ખેડૂતોને મરવા માટે મજબૂર કરે છે. કરસનભાઈએ પત્નીના દાગીના ગીરવે મૂક્યા હતા અને લોન આપનાર લોકોના સતત ફોન આવતા હતા.
લોન ચૂકવવાનો કોઈ રસ્તો ન મળતા તેમણે જીવ ટૂંકાવ્યો. પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે. આ ફક્ત એક કરસનભાઈની વાત નથી. હજારો ખેડૂતો આવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. સરકારે ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા, પરંતુ ખેડૂતોના દેવા માફ કરવા કોઈ તૈયાર નથી. ઉદ્યોગપતિઓ કોઈ આંદોલન કરતા નથી છતાં તેમના દેવા માફ થઈ જાય છે.છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ડાંગર, સોયાબીન, કપાસ અને મગફળી સહિતના પાકોને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. કોંગ્રેસ દ્વારા મામલતદારને અપાયેલા આવેદનપત્રમાં ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરાવીને વહેલામાં વહેલી તકે વિશેષ રાહત પેકેજ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.હિંમતનગર કોંગ્રેસે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાંદુને આવેદનપત્ર સુપરત કર્યું. કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનને ધ્યાનમાં રાખીને ખેડૂતો માટે તાત્કાલિક વળતર અને પાક ધિરાણની સંપૂર્ણ માફીની માંગ કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં ખેડૂત ખાતેદાર દીઠ 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાની પણ રજૂઆત કરાઈ હતી. કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું કે સતત પ્રાકૃતિક આફતોને કારણે ખેડૂતો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. આ મુદ્દે કોંગ્રેસની આગેવાની હેઠળ ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું છે. ખેડૂતોએ તાત્કાલિક સરકારી સહાય ચૂકવવા અને ગુજરાતમાં બંધ કરાયેલી પાક વીમા યોજનાને ફરીથી શરૂ કરવાની માંગ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, ચોમાસુ પાક તૈયાર થઈ ગયો હતો તેવા સમયે કમોસમી વરસાદ પડવાથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે.
ખેડૂતોએ સર્વે કરવાને બદલે કમોસમી વરસાદને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સરકારી સહાય આપવાની માંગ કરી છે.ઉના-ગીરગઢડા પંથકમાં ખેડૂતોને વળતર અને દેવા માફીની માંગ સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજા વંશના નેતૃત્વમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ઉના સર્કિટ હાઉસ ખાતે સંબોધન કર્યું હતું.
તેમણે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવાની, તેમજ રવિ પાક માટે બિયારણ અને ખેડૂતોની જરૂરિયાત મુજબની અન્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવાની ઉગ્ર માંગણી કરી હતી. બાદમાં રેલી સ્વરૂપે ઉના પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા, જેના કારણે શહેરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પ્રાંત કચેરી પર એક કલાકના ધરણા કરી રામધૂન બોલાવવામાં આવી હતી. ત્યારબાદ ઉના પ્રાંત અધિકારી કે.એલ. પરમારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો:આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
આ પણ વાંચો:હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી
આ પણ વાંચો:રાજ્યમાં આ વર્ષે વધુ ઠંડી પડવાની શક્યતા : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી

