અમરેલી,
વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ ગણાતા અમરેલીમાં ચુંટણી બાદ ત્રીજીવાર ભગવો લહેરાયો છે. અમરેલીમાં કોંગ્રેસના વળતા પાણી શરુ થઇ ગયા હોય તે જોવામાં આવી રહ્યું છે. છેલ્લા ૮ દિવસ દરમિયાન અમરેલીના રાજુલા અને ટીંબી માર્કેટિંગ યાર્ડમાં યોજાયેલી ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી બિનહરીફ જાહેર થઇ છે.
શુકવારે યોજાયેલી ટીંબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે ચેતન શિયાળ અને વાઇસ ચેરમેન તરીકે ગૌતમ વરૂની બિનહરીફ વરણી થતા ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જામ્યો હતો. આ પહેલા રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેનની પણ બિનહરીફ વરણી થઇ હતી.
ઉલ્લેખનીય છે કે, અમરેલી જીલ્લો કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો ગઢ મનાય છે ત્યારે ગુજરાત રાજયના પૂર્વ સંસદીય સચિવ અને રાજુલા જાફરાબાદના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીના પ્રયાસથી ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે. આ વિજય બાદ ટીંબીમાં શુક્રવારે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.
ટીંબી માર્કેટિંગ યાર્ડની જીત અંગે જણાવતા રાજુલાના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ જણાવ્યું હતું કે, ટીંબી માર્કેટિંગ યાર્ડની વિકાસગાથાને જાળવી રાખવા માટે યાર્ડના તમામ ડાયરેક્ટરોએ સમરસ થઈને ચેરમેન તરીકે ચેતન શિયાળ અને વાઇસ ચેરમેન તરીકે ગૌતમ વરૂની બિનહરીફ વરણી કરી છે. તેથી હું તમામ ડાયરેક્ટરોનો આભાર માનું છું. તેમજ આ યાર્ડના વિકાસ માટે આગામી સમયમાં પણ રાજ્ય સરકારના પ્રોત્સાહન મુજબ કર્યો હાથ ધરવામાં આવશે.
