રશિયા દ્વારા યુક્રેનના શહેરો પર સતત બોમ્બ ધડાકાની વચ્ચે વડાપ્રધાન મોદીએ ફરી એકવાર રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી છે. પીએમ મોદીએ યુક્રેનમાંથી ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા અંગે રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી. આ વાતચીત એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે યુક્રેનના મોટા શહેરો પર રશિયાના હુમલા તેજ થઈ ગયા છે અને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. આ હુમલાઓમાં અનેક લોકોના મોત થઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં બગડતી પરિસ્થિતિ બાદ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ભારતીયોને એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, રશિયા પાસેથી મળેલી માહિતી અનુસાર તેને જલ્દીથી જલ્દી ખાર્કિવ શહેર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. એટલા માટે ભારતીય વિદ્યાર્થીઓને સરહદ તરફ આગળ વધવાનું કહેવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ કોઈક રીતે યુક્રેનની સરહદે આવેલા વિસ્તારોમાં પહોંચે છે. ખાર્કિવ શહેરને કોઈપણ ભોગે છોડવા માટે કહેવામાં આવ્યું છે.