New Delhi News/ ગામડાંમાં કેબલ પહોંચ્યો, ઈન્ટરનેટ નહીં! PM મોદીના ‘ભારતનેટ’ પ્રોજેક્ટનું ડિજિટલ સપનું કાગળ પર જ?

ભારતનેટ (BharatNet)પ્રોજેક્ટ હેઠળ 7.19 લાખ કિમી ઓપ્ટિકલ ફાઈબર કેબલ લગાવાઈ, પરંતુ માત્ર 78,899 ગ્રામ પંચાયતોમાં લોકલ નેટવર્ક પોઈન્ટ કાર્યરત. ભારતના ગામડાઓ હજૂ પણ ઈન્ટરનેટ સુવિધાથી વંચિત.

India Breaking News
BharatNet

New Delhi News: દેશના દરેક ગામ સુધી ઝડપી બ્રોડબેન્ડ પહોંચાડવાના કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ BharatNet પર હવે સવાલો ઉઠી રહ્યા છે. સંસદની આઈટી સ્ટેન્ડિંગ કમિટીની 32મી રિપોર્ટમાં સામે આવ્યું છે કે દેશભરમાં 7.19 લાખ કિલોમીટર ઓપ્ટિકલ ફાઈબર કેબલ બિછાવી દેવામાં આવી છે, પરંતુ 28 ફેબ્રુઆરી 2026 સુધી 2.64 લાખ ગ્રામ પંચાયતોમાંથી માત્ર 78,899માં જ ઇન્ટરનેટનું લોકલ નેટવર્ક પોઈન્ટ કાર્યરત હતું. આ આંકડાઓ બાદ યોજના હેઠળ થયેલા કામની ગતિ અને વાસ્તવિક અમલીકરણ સામે સવાલો ઊભા થયા છે.

માત્ર 78,899 પંચાયતોમાં BharatNetની સુવિધા

ટેલિકોમ્યુનિકેશન વિભાગે સંસદીય સમિતિને આપેલી માહિતી મુજબ, 28 ફેબ્રુઆરી 2026 સુધી દેશની આશરે 2.64 લાખ ગ્રામ પંચાયતો (Gram Panchayat)માંથી માત્ર 78,899 પંચાયતોમાં જ પોઈન્ટ્સ ઓફ પ્રેઝન્સ કાર્યરત હતા. આ પોઈન્ટ સ્થાનિક નેટવર્ક તરીકે કામ કરે છે અને તેના માધ્યમથી ઘરો, સંસ્થાઓ તથા અન્ય વપરાશકર્તાઓ સુધી બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પહોંચાડી શકાય છે.

સમિતિએ નોંધ્યું છે કે માળખું ઊભું કરવા માટે મોટી માત્રામાં કામ થયું હોવા છતાં વાસ્તવિક રીતે કાર્યરત ગ્રામ પંચાયતોની સંખ્યા હજુ પણ નિર્ધારિત સર્વવ્યાપી કવરેજની સરખામણીએ ઓછી છે.

કેબલ પહોંચ્યો, પરંતુ ગામડાં હજૂ સુધી ઇન્ટરનેટથી વંચિત

રિપોર્ટમાં જણાવાયું છે કે વિવિધ રાજ્યો અને અમલીકરણ મોડલમાં યોજનાની કામગીરીની ગતિ એકસરખી નથી. ક્યાંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે, પરંતુ તેનો ઉપયોગ કરીને લોકોને ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવવામાં હજુ વિલંબ થઈ રહ્યો છે. સમિતિએ આ સ્થિતિને આયોજન, સંકલન અને અમલીકરણમાં રહેલી ખામીઓ સાથે જોડીને દરેક રાજ્ય અને કામ કરતી એજન્સીના પ્રદર્શનની અલગથી સમીક્ષા કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે.

7.19 લાખ કિલોમીટર ઓપ્ટિકલ ફાઈબરનું નેટવર્ક

વિભાગે સમિતિને જણાવ્યું હતું કે 28 ફેબ્રુઆરી 2026 સુધી ભારતનેટ કાર્યક્રમ હેઠળ કુલ 7.19 લાખ કિલોમીટર ઓપ્ટિકલ ફાઈબર કેબલ બિછાવવામાં આવી ચૂકી હતી. આ આંકડો દર્શાવે છે કે દેશના ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટીનું માળખું ઊભું કરવા માટે મોટાપાયે કામ થયું છે.

જોકે, માત્ર કેબલ લગાવાથી ગામડાંમાં ઝડપી ઇન્ટરનેટ સેવા ઉપલબ્ધ થતી નથી. કેબલને સક્રિય કરીને સ્થાનિક નેટવર્ક અને અંતિમ વપરાશકર્તા સુધી કનેક્ટિવિટી પહોંચાડવી પણ એટલી જ જરૂરી છે. આ જ મુદ્દો સંસદીય સમિતિની ચિંતાનું મુખ્ય કારણ બન્યો છે.

શું છે ભારતનેટ પ્રોજેક્ટ?

ભારતનેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ના Digital India વિઝનનો મહત્વપૂર્ણ ભાગ છે. તેનો મુખ્ય ઉદ્દેશ દેશની તમામ ગ્રામ પંચાયતોને ઓપ્ટિકલ ફાઈબર (Optical Fiber) અને હાઈ-સ્પીડ બ્રોડબ્રોડબેન્ડ સાથે જોડવાનો છે.

યોજનાનો હેતુ ગામડાંમાં સસ્તી અને ઝડપી ઇન્ટરનેટ (Internet)સુવિધા પહોંચાડવાનો છે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય, બેંકિંગ અને ઈ-ગવર્નન્સ જેવી સેવાઓનો લાભ સરળતાથી મળી શકે. હવે સંસદીય સમિતિ દ્વારા રાજ્યો અને એજન્સીઓના કામની તપાસ કરવાની ભલામણ બાદ યોજના હેઠળ જ્યાં કામગીરી અટકી છે ત્યાં ઝડપથી સેવા શરૂ થાય છે કે નહીં તેના પર નજર રહેશે.


આ પણ વાંચો:પીએમ મોદીના ‘ગામડે ગામડે ઇન્ટરનેટ’ મિશન પર સંકટ
આ પણ વાંચો:ભાજપ સરકારના 12 વર્ષ પૂરા, 2014 માં 25 કરોડ ઇન્ટરનેટ યુઝર્સ હતા જે 2026 માં 103 કરોડને પાર
આ પણ વાંચો:ભારત સહિત વિશ્વભરમાં ઇન્ટરનેટ બંધ કરવાની ઇરાનની ધમકીથી સનસનાટી