સરકારે અનાજ-કઠોળના ટેકાના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 200 થીરૂ.1,750 સુધી કરી દીધા છે. મોદી સરકારે આગામી લોકસભા ચૂંટણી પહેલા દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે. ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવો વધારવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો છે. કેબિનેટ મીટિંગમાં 14 પાકોના ટેકાના ભાવમાં 200 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણય હરિયાણા, ઉત્તરપ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર, ગુજરાત સહિત ઘણા રાજ્યોના ખેડૂતોને સીધો લાભ મળશે.
પાક- પહેલાના ભાવ (રૂપિયા ક્વિન્ટલ દીઠ)-અત્યારે (રૂપિયા ક્વિન્ટલ દીઠ)-વધારો (રૂપિયા ક્વિન્ટલ દીઠ)
અનાજ- 1,550 1,750 200.
કપાસ- 4,020 5,150 1,130.
તુવેર- 5,450 5,675 225.
મગ- 5,575 6,975 1,400.
અડદ- 5,400 5,600 200.
સોયાબીન- 3,050 3,399 349.
બાજરી- 1,425 1,950, 525.
રાગીના ભાવમાં 52.5 ટકા, જુવારના ભાવમાં 42 ટકા, બાજરીમાં 36.8 ટકા અને મગમાં 25.1 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે તુવેરના ભાવમાં માત્ર 4.1 ટકા અને અડદમાં 3.7 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એમએસપી એટલે કે લઘુત્તમ ટેકાના ભાવો એ કિંમત હોય છે જેના પર સરકાર ખેડૂતો પાસેથી અનાજ ખરીદે છે.
ખેડૂતો માટે પાક પર 50 ટકા નફો આપવાના ઈરાદે ટેકાના ભાવોમાં રેકોર્ડ વધારાનો નિર્ણય સરકારે લીધો છે. જે હેઠળ અનાજની કિંમતના અંદાજ માટે એ2 + એફએલ ફોર્મ્યુલા નો અપનાવવામાં આવશે. જેમાં પાકની વાવણી પર થતો કુલ ખર્ચ અને પરિવારના સભ્યોની મજૂરી શામેલ હશે.
અનાજ-કઠોળના ટેકાના ભાવમાં છેલ્લા 10 વર્ષમાં આ સૌથી વધારે વધારો જોવા મળ્યો છે. આ પહેલાં 2008-09માં અનાજ કઠોળના ટેકાના ભાવમાં ક્વિન્ટલ દીઠ રૂ.155નો વધારો કરવામાં આવ્યો હતો. દેશમાં ચોમાસાની શરૂઆત થતાં જ ખરીફ પાકની વાવણી શરૂ થઈ ગઈ છે. તેનું લણવાનું કામ ઓક્ટોબરથી શરૂ થશે.
બજેટમાં સરકારે કહ્યું હતું કે, ટેકાના ભાવ ઉત્પાદન ખર્ચથી ઓછામાં ઓછા દોઢ ગણા વધારે હોવા જોઈએ. નિષ્ણાતોનું કહેવું છે કે, ટેકાના ભાવ વધારે હોવાથી ઉત્પાદન વધી શકે છે. 2017-18માં દેશમાં કુલ ખરીફ પાકનું ઉત્પાદન 11.1 કરોડ નોંધવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ટેકાના ભાવની જાહેરાત સીઝનની શરૂઆત પહેલાં થતી હોય છે. ગયા વર્ષે પણ સાત જૂને નવા ટેકાના ભાવની જાહેરાત થઈ હતી.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ કેન્દ્રની નરેન્દ્ર ભાઈ મોદી સરકારે ખેડૂતો માટે ટેકાના ભાવ વધારવા કરેલા કિસાન હિત લક્ષી નિર્ણય ને આવકારી ને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ પગલાંને દેશના કિસાનો માટે સોનાનો સૂરજ સમાન ગણાવતા કહ્યું કે, છેલ્લા 4 વર્ષ માં નરેન્દ્ર મોદી સરકારે પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના સહિત ખેડૂત અને ગામડાને એકમ બનાવી દેશના કિસાનની મહેનત એળે ન જાય એની પેદાશના પૂરતા ભાવ મળે તેવા અનેકાનેક નિર્ણયો કર્યા છે.
ગુજરાતમાં ખેડૂતોને ટેકાના ભાવ સરકારે કેન્દ્રની મદદથી આપ્યા છે, તેમ પણ તેમણે કહ્યું હતું. વિજય ભાઈએ કેન્દ્નની નરેન્દ્ર મોદી સરકારે ટેકા ન ભાવમાં દોઢથી બે ગણો વધારો કર્યો તે દેશના કિસાનોની મહેનતમાં નવા પ્રાણ પુરશે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી એ સ્પષ્ટ પણે કહ્યું કે ભૂતકાળની યુ.પીએ સરકારે સતત ખેડૂત અને ખેતીની અવગણના કરી અને પરિણામે ખેડૂતોને આત્મ હત્યા કરવી પડતી .પરન્તુ હવે નરેન્દ્ર ભાઈ ની કિસાન હિતકારી નીતિઓ અને ખેડૂતો ની આવક બમણી કરવા ના પ્રોત્સાહક પગલાંઓ થી ખેડૂત અને ખેતી બન્ને સમૃદ્ધ બન્યા છે.