વારાણસી,
દેશની સૌથી પવિત્ર મનાતી ગંગા નદીને ગંદકીના ઢગલામાંથી મુક્ત કરવા માટે વર્ષ ૨૦૧૪માં પીએમ મોદીએ “નમામિ ગંગે” નામના એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટની શરૂઆત કરી હતી. જો કે હવે ચાર વર્ષ બાદ RTIમાં ચોકાવનારા આંકડા સામે આવ્યા છે.
ગંગા નદીમાં વધુ ૫૮ ટકા જેટલું પ્રદૂષણ
“નમામિ ગંગે” પ્રોજેક્ટ અંગે કરવામાં આવેલી RTIના જવાબમાં સામે આવ્યું છે કે, વારાણસી ખાતે ગંગા નદીના ઘાટો પર બેક્ટેરિયાનું પ્રદૂષણમાં નોધપાત્ર વધારો થયો છે. પ્રયોગશાળામાં કરાયેલા પરીક્ષણમાં સામે આવ્યું છે કે, ગંગા નદીના ઘાટો પર ૫૮ ટકા જેટલું પ્રદૂષણ વધ્યું છે.
૧ લીટર પાણીમાં ૨૫૦૦થી વધુ કોલિફૉર્મ માઇક્રોઓર્ગેનિઝમ્સનું પ્રમાણ પાણીમાં ન્હાવા માટે અયોગ્ય ગણાય છે. ત્યારે વારાણસીના માલવીય બ્રીજ પાસે ગંગાના પાણીના નમૂનામાં બેક્ટેરિયાનું પ્રદૂષણ ૨૦ ગણું વધ્યું છે.
RTIના જવાબમાં સરકારે માન્યું છે કે, ૨૦૧૭માં બ્રિજ પાસેથી લેવામાં આવેલા પાણીના નમૂનામાં કોલિફૉર્મ માઇક્રોઓર્ગેનિઝમ્સ પ્રતિ ૧ લીટર પાણીમાં ૪૯,૦૦૦ છે. જયારે આજથી ચાર વર્ષ પહેલા ૨૦૧૪માં આ જ આંકડો ૧૦૦ મિલીમીટર પાણીમાં ૩૧,૦૦૦ હજાર હતો.
ગંગામાં પ્રતિદિન જમા થાય છે ૧૦ લાખ લીટરથી વધુ પાણી
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, કોલિફૉર્મ માઇક્રોઓર્ગેનિઝમ્સ બેક્ટેરિયા સુએજ પ્રદૂષણનો આંક દર્શાવે છે. મંત્રાલય દ્વારા RTIના ડેટા અંગે જણાવતા કહ્યું, “વારાણસીમાં ગંગા નદીમાં પાંચ નાળા મળે છે જેમાં પ્રતિદિન ૧૦ લાખ લીટરથી વધુ પાણી ગંગામાં જમા થયું હોય છે.
મંત્રાલયના જવાબમાં સામે આવ્યું છે કે, ગંગા નદીના અસ્સી ઘાટ પર પાણીમાં ધૂળના ઓક્સીજનની માત્રા ૨૦૧૪માં ૮૦૬ મિલીગ્રામ પ્રતિ લીટર હતી જે ૨૦૧૭માં ઘટીને ૭.૫ મિલીગ્રામ પ્રતિ લીટર થઈ ગઈ છે.
આ ઉપરાંત અસ્સી ઘાટ પર બેક્ટેરિયાના પ્રદૂષણમાં છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ ફેરફાર સામે આવ્યો નથી. ૨૦૧૪ની જેમ ૨૦૧૭માં પણ ૨૨૦૦ પ્રતિ લીટરે ૧૦૦ મિલીમીટર બની રહ્યું છે.
ગંગા નદીની સફાઈ અંગે કરાતા દાવાઓ અંગે વારાણસીના સ્થાનિક નાગરિકે જણાવ્યું, “આ નાળાઓની પૂજા કરવા જેવું છે. આ પ્રધાનમંત્રી મોદીનો સંસદીય ક્ષેત્ર છે, પરંતુ એવું કઈ જ થયું નથી કે જેમાં સ્વચ્છતાનો આભાસ થાય”.
ગંગામાં પ્રતિદિન જમા થાય છે ૧૪૪ નાળાઓનું પાણી
મહત્વનું છે કે, ગંગા નદી બંગાળની ખાડીમાં સમાયા પહેલા ૧૦૦ શહેર અને હજારો ગામોમાંથી પસાર થાય છે. સરકારના જણાવ્યા મુજબ, ગંગામાં હજી પણ ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળ જેવા ૫ રાજ્યોનાથી પ્રતિદિન ૧૪૪ નાળાઓમાંથી કચરાવાળું પાણી ગંગામાં આવે છે.
૨૦૧૪માં લોન્ચ કરાયો હતો “નમામિ ગંગે”
મહત્વનું છે કે, વર્ષ ૨૦૧૪માં મોદી સરકારના ગઠન બાદ “નમામિ ગંગે” નામનો એક ખાસ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો.આ માટે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. બીજી બાજુ કેન્દ્ર સરકાર ૨૦૧૧ થી અત્યારસુધીમાં ૮,૪૫૪ કરોડ રૂપિયા જાહેર કરવામાં આવી ચુક્યા છે, પરંતુ ગંગા નદીની સ્વચ્છતા માત્ર નામ પુરતી જણાઈ રહી છે.