PM Modi-Development work/ રવિવારે 48,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે પીએમ

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ ₹48,000 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 23T150035.380 રવિવારે 48,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે પીએમ
  • ગુજરાતને રૂ. 35,700 કરોડથી વધુની રકમના વિવિધ પ્રકલ્પોની ભેટ મળશે
  • કેન્દ્રીય અને ગુજરાત આરોગ્ય વિભાગના અંદાજીત કુલ રૂ.13,000 કરોડથી વધુના આરોગ્યલક્ષી પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત
  • ₹6300 કરોડથી વધુના ખર્ચે રાજકોટ AIIMS સહિત 5 નવી AIIMSનું લોકાર્પણ
  • કચ્છ ખાતે ₹16,200 કરોડથી વધુના ખર્ચે પાવર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
  • કચ્છમાં ₹9000 કરોડથી વધુના ખર્ચે નવા મુંદ્રા પાણીપત ક્રૂડ-ઓઇલ પાઇપલાઇન પ્રોજેક્ટનું ખાતમુહુર્ત
  • નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ના ₹3800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત
  • કચ્છ અને સુરેન્દ્રનગરના ₹2100 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

ગાંધીનગર, 23 ફેબ્રુઆરી: રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટ ખાતે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગો હેઠળ ₹48,000 કરોડથી વધુના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. આ વિભાગોમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, બંદરો, પાવર, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, માર્ગ અને મકાન, પાણી પુરવઠા, પ્રવાસન, રેલવે, NHAI અને ઊર્જા અને પેટ્રોકેમિકલ્સનો સમાવેશ થાય છે. આ સમગ્ર વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં ગુજરાતને અંદાજીત રૂ. 35,700 કરોડની રકમના પ્રકલ્પોની વડાપ્રધાનશ્રીના હસ્તે ભેટ મળશે તેમ પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતુ.

₹6300 કરોડથી વધુના ખર્ચે રાજકોટ AIIMS સહિત 5 નવી AIIMSનું લોકાર્પણ

વડાપ્રધાનશ્રી દેશમાં પાંચ નવી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS)નું લોકાર્પણ કરશે, જેમાં રાજકોટ AIIMSનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ AIIMSનું નિર્માણ અંદાજિત ₹1195 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. રાજકોટ AIIMS ના ઉદ્ઘાટન સાથે ગુજરાતની પ્રથમ અત્યાધુનિક AIIMS નું ઉદ્ઘાટન થશે, જેમાં ટાવર A&B હોસ્પિટલ બ્લોકમાં 250 બેડ્સની ક્ષમતાવાળી IPD સેવાઓ, 500 લોકોને સમાવી શકવાની ક્ષમતા ધરાવતા ડાયનિંગ હોલ સાથેની અંડર ગ્રેજ્યુએટ બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલ, 66 કેવી કંટ્રોલ ગ્રીડ સબસ્ટેશન, શોપિંગ કોમ્પ્લેક્સ, 14 વિભાગો હેઠળની ઓપીડી સેવાઓ વગેરે જેવી વિવિધ સુવિધાઓનો સમાવેશ થાય છે.

અત્યારસુધીમાં રાજકોટ એઇમ્સમાં 1 લાખ 44 હજાર દર્દીઓએ ઓ.પી.ડી. સેવાનો લાભ લીધો છે

વડાપ્રધાનશ્રી કલ્યાણી, મંગલાગિરિ, ભટિંડા અને રાયબરેલી જેવા દેશના વિવિધ ભાગોમાં પણ AIIMSનું ઉદ્ઘાટન કરશે. તેઓ ભોપાલ ખાતેની AIIMSમાં વર્ચ્યુઅલ રીતે રેન બસેરાનું ખાતમુહુર્ત પણ કરશે. આ નવી AIIMS, ખાસ કરીને દેશના ટિયર 2 એટલે કે દ્વિતીય વર્ગના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સુવિધાઓ પહોંચાડશે. ઉલ્લેખનીય છે કે આ હોસ્પિટલોનું ઉદ્ઘાટન આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ₹11,392 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સનો એક ભાગ છે.

કચ્છ ખાતે ₹16,200 કરોડથી વધુના ખર્ચે પાવર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

વડાપ્રધાનશ્રી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન રાજ્યમાં ફેઝ-1 (ખાવડા-ભુજ ટ્રાન્સમિશન લિ.) હેઠળ ખાવડા પીએસ ખાતે 3 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી (3GE RE) ઇન્જેક્શનના ઇવેક્યુએશન માટેની ટ્રાન્સમિશન સ્કીમનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ ₹1,100 કરોડથી પણ વધારે છે. આ ઉપરાંત, વડાપ્રધાનશ્રી ₹15,000 કરોડથી વધુના અંદાજિત મૂલ્યના રિન્યુએબલ એનર્જી પાર્ક, પૂલિંગ સ્ટેશન, પવન ઊર્જા અને સૌર ઊર્જા સહિતના 10 પાવર પ્રોજેક્ટ્સનું ખાતમુહુર્ત કરશે. આ લોકાર્પણો અને ખાતમુહુર્ત રાજ્યના ટકાઉ ઊર્જાના પરિદ્રશ્યમાં ક્રાંતિ લાવશે. વડાપ્રધાનશ્રીની કચ્છ મુલાકાત દરમિયાન નવા મુંદ્રા થી પાણીપત ક્રૂડ ઓઈલ પાઈપલાઈન પ્રોજેક્ટ (નવી MPPL)નું ખાતમુહુર્ત થવા જઇ રહ્યું છે, જેનો કુલ પ્રોજેક્ટ ખર્ચ ₹9000 કરોડથી વધુ છે.

₹3800 કરોડથી વધુના ખર્ચે NHAI ના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

વડાપ્રધાનશ્રી આગામી 25 ફેબ્રુઆરીના રોજ તેમની ગુજરાત મુલાકાત દરમિયાન ભાવનગરમાં ₹2000 કરોડના ખર્ચે નિર્માણ થયેલા બે હાઇવેનું લોકાર્પણ અને કચ્છમાં ₹1500 કરોડના ખર્ચે બનનારા નવા છ લેન હાઇવેનું ખાતમુહુર્ત કરશે. આ તમામ હાઇવેના બાંધકામનો કુલ ખર્ચ ₹3800 કરોડ કરતા વધારે છે. આ નવા હાઇવે માત્ર સ્થાનિક રહેવાસીઓને જ નહીં પરંતુ રાજ્યમાં અવારનવાર આવતા પ્રવાસીઓ માટે પ્રવાસનની સરળતા પણ સુનિશ્ચિત કરશે. આ  નવી પરિવહન વ્યવસ્થા આ શહેરોમાં સ્થાનિક અર્થતંત્રને પણ મજબૂત બનાવશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ ક્ષેત્રે ટોચની સુવિધાઓ પ્રદાન કરવામાં અગ્રેસર રહ્યું છે.વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી તેમની આગામી ગુજરાત મુલાકાત દરમિયાન ₹1500 કરોડથી વધુની આરોગ્ય સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. રાજકોટ ખાતે રૂ. 120 કરોડના ખર્ચે પી.ડી.યુ. રાજકોટ કેમ્પસમાં નવનિર્મિત મેટરનલ એન્ડ ચાઇલન્ડ (MCH) (જનાના) હોસ્પિટલનું લોકાર્પણ થશે.

આ સુવિધાઓમાં વડોદરા ખાતે નવી કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટ અને મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ; સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં નવા એપીડી અને આઇપીડી ભવન તેમજ રાજ્યભરમાં વિવિધ સ્થળોએ 66 નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) અને 6 સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC)નું નિર્માણનો સમાવેશ થાય છે. આ સાથે જ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય હસ્તકના પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન(PM-ABHIM) હેઠળ, 100 બેડના CCB સહિત બે સ્થળોએ ક્રિટિકલ કેર બ્લોક અને બે સ્થળોએ ઇન્ટીગ્રેટેડ પબ્લીક હેલ્થ લેબોરેટરીઝ (IPHL) નિર્માણકાર્યનું ઉદ્ઘાટન કરવામાં આવશે.

કચ્છ અને સુરેન્દ્રનગર ખાતે ₹2100 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહુર્ત

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 116 કિલોમીટર લાંબી સુરેન્દ્રનગર-રાજકોટ રેલ લાઇનના ડબલિંગનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પ્રાદેશિક જોડાણ વધારવાનો અને આ વિસ્તારમાં આર્થિક વિકાસને ઉત્તેજન આપવાનો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત કુલ ખર્ચ ₹1300 કરોડ છે. આ ઉપરાંત, વડાપ્રધાનશ્રી કચ્છમાં રેલવે વિભાગના અન્ય 3 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેનો સંયુક્ત ખર્ચ ₹700 કરોડથી વધુનો છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ