રાજકોટ/ જૂનિયર કલાર્કની પરીક્ષામાં ઈલેકટ્રોનિક ડિવાઈસ લઈ જવા પર પ્રતિબંધ

છ શહેરોમાં કુલ 82 પરીક્ષા કેન્દ્રોમાં 1624 રૂમમાં 45,397 જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે

Gujarat Rajkot
Untitled 378 જૂનિયર કલાર્કની પરીક્ષામાં ઈલેકટ્રોનિક ડિવાઈસ લઈ જવા પર પ્રતિબંધ

રાજકોટ મહાનગર પાલિકાની જુનિયર ક્લાર્ક સંવર્ગની 122 જગ્યા ભરવા માટે આગામી રવિવારે અમદાવાદ, સુરત, ગાંધીનગર, જુનાગઢ, જામનગર, રાજકોટ એમ શહેરોમાં લેખિત પરીક્ષાનુ મેગા આયોજન કરવામાં આવેલ છે. આ પરીક્ષા સુચારૂ, સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક યોજાય અને પૂર્ણ થાય તે હેતુસર સંબંધિત અધિકારીઓને વિવિધ કામગીરી સુપ્રત કરવાનો હુકમ કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું.

કમિશનરે વધુમાં ઉમેર્યું હતું કે, છ શહેરોના કુલ 82 પરીક્ષા કેન્દ્રોનાં કુલ 1624 રૂમમાં કુલ 45,397 ઉમેદવારો માટે કરવામાં આવેલા આયોજનમાં, અમદાવાદ શહેરમાં 13 પરીક્ષા કેન્દ્રો અને ગાંધીનગરમાં 11 પરીક્ષા કેન્દ્રો રહેશે, અને આ બંને શહેરોના આ કેન્દ્રોમાં કુલ 17,365 ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. જયારે રાજકોટમાં 34 કેન્દ્રો ખાતે 16,958 ઉમેદવારો, સુરતમાં 4 પરીક્ષા કેન્દ્રોમાં 2,967 ઉમેદવારો, જામનગરમાં 9 કેન્દ્રોમાં 2,608 ઉમેદવારો અને જુનાગઢમાં 11 પરીક્ષા કેન્દ્રોમાં 5,499 ઉમેદવારો પરીક્ષા આપનાર છે.

સુરત શહેર માટેના નોડલ ઓફિસર તરીકે આસીસ્ટન્ટ કમિશનર જસ્મીનભાઈ રાઠોડ, અમદાવાદ શહેર માટેના નોડલ ઓફિસર તરીકે આસીસ્ટન્ટ કમિશનર એચ.આર.પટેલ, ગાંધીનગર શહેર માટેના નોડલ ઓફિસર તરીકે આસીસ્ટન્ટ મેનેજર બી.એલ. કાથરોટીયા, જામનગર શહેર માટેના નોડલ ઓફિસર તરીકે  આસીસ્ટન્ટ કમિશનર વી.એસ.પ્રજાપતિ, જુનાગઢ શહેર માટેના નોડલ ઓફિસર તરીકે ચીફ એકાઉન્ટન્ટ અમિત સવજીયાણી અને રાજકોટ શહેર માટેના નોડલ ઓફિસર તરીકે આસીસ્ટન્ટ કમિશનર એચ. કે. કગથરાને જવાબદારી સુપરત કરવામાં આવી છે.

પરીક્ષા કેન્દ્રમાં ઉમેદવારો કોઇપણ પ્રકારના ઈલેક્ટ્રોનિક ડીવાઈસ લઈ જઈ નહી શકે. ઉમેદવારોએ તેમના આઈ.ડી. પ્રૂફ, પેન અને પરીક્ષાનો કોલ લેટર જ સાથે લાવવાનો રહેશે. ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ પર પ્રતિબંધ મુકવામાં  આવેલ છે. ઉપરોક્ત તમામ છ શહેરોમાં પરીક્ષા કેન્દ્રો ખાતે સજ્જડ પોલીસ બંદોબસ્ત માટે આયોજન કરાયું છે. આ માટે રાજકોટ, અમદાવાદ અને સુરતનાં પોલીસ કમિશનર અને ગાંધીનગર, જામનગર અને જુનાગઢના એસ.પી. સાથે અત્રેથી સંકલન કરવામાં આવ્યું છે.

તમામ અધિકારી પરીક્ષાના એક દિવસ અગાઉ જ તા.23/10/2021 ના રોજ સવારે 9:00 વાગ્યે તેઓને સોપવામાં આવેલ કેન્દ્ર/ઝોન વાઈઝ પરીક્ષા સેન્ટરો ખાતે હાજર રહી પરીક્ષા સંબંધી તમામ તૈયારી પૂર્ણ કરી લેશે. આ કામગીરીની માહિતી અંગેની એક ખાસ મીટિંગનું પણ આગામી તા.21ના રોજ સેન્ટ્રલ ઝોન, કોન્ફરન્સ હોલ, રાજકોટ મહાનગરપાલિકા ખાતે સવારે 10:30 કલાકે આયોજન કરવામાં આવેલ છે.

આ મેગા આયોજન માટે હાલ મ્યુનિ. કમિશનર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર આશિષ કુમાર, એ.આર.સિંહ અને ચેતન નંદાણી ઉપરાંત મહેકમ શાખાનાં સહાયક કમિશનર સમીરભાઈ ધડુક, મહેકમ શાખાના આસીસ્ટન્ટ મેનેજર વિપુલભાઈ ઘોણીયા, તેમજ સ્ટાફ દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. સાથોસાથ નાયબ કમિશનરને ઓવરઓલ સુપરવિઝનની જવાબદારી પણ સુપરત કરવામાં આવેલ છે.