Rajkot Congress OBC QR Code Launch: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકોટમાં કોંગ્રેસ ઓ.બી.સી ડિપાર્ટમેન્ટ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ મહેશ રાજપૂત અને ઋત્વિક મકવાણાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં 53 ટકા વસ્તી ધરાવતા ઓ.બી.સી સમાજને અન્યાય થઈ રહ્યો છે.
શું છે આ ખાસ ‘ QR Code‘?
કોંગ્રેસ દ્વારા આ પ્રેસ કોન્ફરન્સમાં એક વિશેષ QR કોડ લોન્ચ કરવામાં આવ્યો છે. આ ડિજિટલ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ઓ.બી.સી સમાજના લોકોને કોંગ્રેસના સંગઠન સાથે જોડવાનો છે. આ ક્યુઆર કોડ સ્કેન કરીને કોઈ પણ વ્યક્તિ સીધી રીતે કોંગ્રેસના ઓ.બી.સી ડિપાર્ટમેન્ટ સાથે જોડાઈ શકશે અને પોતાની સમસ્યાઓ રજૂ કરી શકશે.
‘અનામત એ કોંગ્રેસની લડતનું પરિણામ’
કોંગ્રેસના નેતાઓએ દાવો કર્યો હતો કે દેશના 6 રાજ્યોમાં જે ઓ.બી.સી અનામત મળી છે, તે કોંગ્રેસની સતત લડત અને મહેનતનું પરિણામ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં ઓ.બી.સી સમાજને હક્ક આપવામાં વર્તમાન સરકાર ઉણી ઉતરી છે. આ સાથે જ, આગામી ચૂંટણીઓમાં ઓ.બી.સી સમાજની વસ્તીને આધારે પ્રતિનિધિત્વ આપવાની માંગ પણ દોહરાવવામાં આવી છે.
ચૂંટણી લક્ષી રણનીતિ
રાજકોટમાં યોજાયેલી આ પ્રેસ કોન્ફરન્સ સ્પષ્ટ સંકેત આપે છે કે કોંગ્રેસ આગામી ચૂંટણીઓમાં ઓ.બી.સી મતોને અંકે કરવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ડિજિટલ માધ્યમ (QR કોડ) દ્વારા યુવા વર્ગને આકર્ષવા માટે આ એક નવો પ્રયોગ માનવામાં આવી રહ્યો છે.
