Gujarat Local Body Election 2026/ ‘ભાજપ હંમેશા પ્રજા વચ્ચે, વિપક્ષ માત્ર ચૂંટણીમાં જ દેખાય છે’, રાજકોટમાં જગદીશ વિશ્વકર્માનું નિવેદન

ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ માટે BJPના ઉમેદવારોનો ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમ યોજાયો. રાજકોટમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારોને શપથ લેવડાવ્યા અને વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું- ‘વિપક્ષ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે.’

Gujarat Top Stories Others
BJP Jan Seva Sankalp Pogram

BJP Jan Seva Sankalp Pogram: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ૧૫ મહાનગરપાલિકાઓ સહિતની ચૂંટણીઓ માટે ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ફોર્મ ભરાતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીએ (BJP) પોતાના પ્રચાર અભિયાનનું બ્યુગલ ફૂંકી દીધું છે. આજે 12 એપ્રિલ, રવિવારના રોજ રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપ દ્વારા એકસાથે ‘જનસેવા સંકલ્પ‘ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં ઉમેદવારોને શપથ લેવડાવવામાં આવ્યા હતા, જ્યાં તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા.

BJP Jan Seva Sankalp Pogram

”ભાજપ (BJP) હંમેશા પ્રજા વચ્ચે’

રાજકોટ મહાનગર ખાતે આયોજિત કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ મીડિયા સાથે વાતચીત કરતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ વિપક્ષને આડેહાથ લીધો હતો. તેમણે જણાવ્યું હતું કે, “ભાજપનો કાર્યકર્તા હંમેશા બૂથમાં કામ કરતો કાર્યકર છે. 50 હજાર બૂથમાં અમારા કાર્યકરો સતત સેવાના કાર્યો લઈને પ્રજા વચ્ચે રહે છે. જ્યારે વિપક્ષ માત્ર ચૂંટણી સમયે જ દેખાય છે અને ચૂંટણી પતી જાય પછી જતા રહે છે, આ વાત રાજ્યની જનતા સારી રીતે જાણે છે.”

‘વિકાસની રાજનીતિ’ થકી જંગી વિજયનો વિશ્વાસ

જગદીશભાઈ વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત અને દેશને ‘વિકાસની રાજનીતિ’ ની જે ભેટ આપી છે, તેને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પોતાના અવિરત પ્રયાસો થકી આગળ વધારી રહ્યા છે. રાજ્યના તમામ પ્રજાસેવકો કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચે તે દિશામાં કાર્યરત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતની જનતા ફરી એકવાર વિકાસને જનસમર્થન આપીને ભાજપને જંગી વિજય અપાવશે.

BJP Jan Seva Sankalp Pogram

ઉમેદવારોએ લીધા ‘નાગરિક દેવો ભવ:’ ના શપથ

રાજકોટમાં પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ ભાજપના ઉમેદવારોએ જાહેર જીવનમાં નૈતિકતા જાળવી રાખવાના અને કાયદા પ્રત્યે આસ્થા રાખવાના શપથ લીધા હતા. સૌ ઉમેદવારોએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના ‘અંત્યોદય’ ના વિચાર અને ભાજપની પંચનિષ્ઠાને અનુસરીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ ઉપરાંત, “એક ભારત શ્રેષ્ઠ ભારત” ના સપનાને સાકાર કરવા અને “નાગરિક દેવો ભવ:” તથા “જનસેવા એ જ પ્રભુ સેવા” ના મંત્ર સાથે પ્રજાને સર્વોપરી માનીને લોકકલ્યાણના કાર્યો કરવાનો સંકલ્પ લીધો હતો.

દિગ્ગજ નેતાઓની રહી ઉપસ્થિતિ

રાજકોટ ખાતે યોજાયેલા આ ભવ્ય સંકલ્પ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટ મહાનગરના અધ્યક્ષ માધવ દવે, પૂર્વ મંત્રી ભાનુબેન બાબરીયા, પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સભ્ય ઉદયભાઈ કાનગડ, પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતબોઘરા અને સ્થાનિક ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો:ફોર્મ ભરતી વખતે કોંગ્રેસ ઉમેદવારના પતિની હરિયાણા પોલીસ દ્વારા અટકાયત

આ પણ વાંચો:ફોર્મ ન ભરાતા AAP મહિલા ઉમેદવારનો આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચો:આણંદમાં ચૂંટણી પહેલા ભાજપને મોટી લીડ, અનેક બેઠકો બિનહરીફ જીત