વ્રત/ રમા એકાદશીઃ માતા લક્ષ્મીના રમા સ્વરૂપની કરવામાં આવે છે પૂજા

દિવાળીના તહેવારોની અને પૂજાની શરૂઆત  આ દિવસથી થાય છે, રમા એકાદશીએ લક્ષ્મીપૂજા કરવામાં આવે છે અને  દિવાળીએ મહાપૂજા કરવામાં આવે છે

Dharma & Bhakti
3 4 રમા એકાદશીઃ માતા લક્ષ્મીના રમા સ્વરૂપની કરવામાં આવે છે પૂજા

દિવાળીના તહેવારો શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આમ તો આપણે ધનતેરસની પૂજા કરીને તહેવારોની  શરૂઆત કરીએ છીએ. પરંતુ દિવા મુકવાની પરંપરા અગિયારસના દિવસથી જ શરૂ થઇ જાય છે. એટલે હકીકતમાં તો એકાદશીથી લઇને લાભ પાંચમ સુધી દિવાળીની ઉજવણી કરીએ છીએ. ઘણા ઓછા લોકો જાણતા હશે દિવાળીના ચાર દિવસ પહેલા આવતી એકાદશીની આપણા શાસ્ત્રોમાં મહત્વની માનવામાં આવે છે. કહેવાય છે કે  આસો મહિનાની વદ પક્ષની એકાદશીએ રમા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ એકાદશીએ ભગવાન વિષ્ણુ સાથે લક્ષ્મીજીના રમા સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. એટલે તેને રમા એકાદશી કહેવામાં આવે છે. પદ્મ પુરાણમાં આ વ્રતનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.  માટે જ દિવાળીના તહેવારોની અને પૂજાની શરૂઆત  આ દિવસથી થાય છે. રમા એકાદશીએ લક્ષ્મીપૂજા કરવામાં આવે છે અને  દિવાળીએ મહાપૂજા કરવામાં આવે છે. આ એકાદશી વ્રતથી બ્રહ્મહત્યા જેવા મહાપાપ પણ દૂર થઇ જાય છે. આ વર્ષે આ એકાદશી 1 નવેમ્બર, સોમવારે છે. આ વ્રતના પ્રભાવથી બધા પાપ નષ્ટ થઇ જાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે આ વ્રત સુખ અને સૌભાગ્ય આપનારું માનવામાં આવે છે.

કેવી રીતે કરી શકાય આ વ્રત અને પૂજા 

સવારે આકાશમાં તારા જોવાતા હોય એટલે કે પરોઢીયે ઉઠીને સ્જનાન કરી પૂજા કરો અને વ્રતનો સંકલ્પ રાખો. આમ તો દરેક એકાદશીએ ફળાહાર કરી શકાય છે. એજ રીતે રમા એકાદશી પણ નિરાહાર અથવા એક સમયે ફળાહાર કરીને કરી શકાય. આ દિવસે માતા લક્ષ્મીજીની પૂજાનું વિશેષ મહત્વ રહેલુ છે સાથે જ પ્રભુ વિષ્ણુની પૂજા પણ કરવામાં આવે છે. માતાજીને ભોગ ધરાવી પ્રસાદ વહેંચવામાં આવે છે. કહેવાય છે કે રમા એકાદશીને દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે.

 વ્રતની કથા

મુચુકુંદ નામના એક રાજા હતાં. તેમની ચંદ્રભાગા નામની દીકરી હતી. જેના લગ્ન રાજા ચંદ્રસેનના દીકરા શોભન સાથે થયાં હતાં. એક દિવસ શોભન પોતાના સસરા રાજા મુચુકુંદના ઘરે આવ્યાં. તે દિવસે એકાદશી હતી. શોભને એકાદશીના વ્રતનો સંકલ્પ લીધો. ચંદ્રભાગાને ચિંતા થઇ કે પતિ ભૂખ્યો કેવી રીતે રહેશે. રાજ્યમાં બધા એકાદશીનું વ્રત રાખતાં હતાં અને કોઇ અનાજ ખાતું નહોતું. શોભને વ્રત રાખ્યું. પરંતુ તે ભૂખ્યા રહેવું સહન કરી શક્યા નહીં અને તેનું મૃત્યુ થઇ ગયું. જેથી ચંદ્રભાગા ખૂબ જ દુઃખી થઇ. શોભનને રમા એકાદશી વ્રતના પ્રભાવથી બીજા જન્મમાં તે શરીર સાથે મંદરાચલ પર્વતના શિખર ઉપર ઉત્તમ દેવનગર મળ્યું. ગંધર્વ તેની સ્તૃતિ કરતાં હતા અને અપ્સરાઓ સેવામાં જોડાયેલી હતી. એક દિવસ જ્યારે રાજા મુચુકુંદ મંદરાચલ પર્વત પર આવ્યાં ત્યારે તેમણે પોતાના જમાઈનું વૈભવ જોયું. પાછા જઇને તેમણે ચંદ્રભાગાને બધું જણાવ્યું તો તે ખૂબ જ પ્રસન્ન થઇ. ત્યાર બાદ તે પોતાના પતિ પાસે જતી રહી અને પોતાની ભક્તિ અને રમા એકાદશીના પ્રભાવથી શોભન સાથે સુખપૂર્વક રહેવા લાગી.

મહત્ત્વ
આમ તો દરેક માસમાં આવતી બે એકાદશીનું અનેક મહત્વ રહેલુ છે પરંતુ પુરાણો પ્રમાણે રમા એકાદશી વ્રતથી કામધેનુ અને ચિંતામણિ સમાન ફળ મળે છે. આ વ્રતને કરવાથી સમૃદ્ધિ અને સંપન્નતા વધે છે. આ વ્રતથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. પદ્મ પુરાણ પ્રમાણે રમા એકાદશી વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પણ મળે છે. જેના પ્રભાવથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે. મૃત્યુ પછી વિષ્ણુ લોક મળે છે. દિવાળી પહેલા આવતી આ એકાદશી આ વર્ષે સુખ, સમદ્ધિ અને યશ પ્રાપ્ત કરાવનારી છે.