Ahmedabad Ration News: અમદાવાદ સહિત ગુજરાતમાં તહેવારોના દિવસોમાં રાશન વિતરણની (Ration Distribution) વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે. સરકારની નવી ટેક્નોલોજી આધારિત રાશન વિતરણ પદ્ધતિમાં સર્વર ધીમું ચાલતું હોવા અને વારંવાર બંધ થઈ જતું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જેના કારણે રાશનકાર્ડ ધારકોને અનાજ મેળવવા માટે મુશ્કેલી પડી રહી છે અને કેટલીક જગ્યાએ ગ્રાહકો તથા ફેર પ્રાઇઝ શોપના દુકાનદારો વચ્ચે તકરારની સ્થિતિ સર્જાઈ રહી છે.
Ration Distribution: સર્વરની સમસ્યાથી રાશન વિતરણમાં મુશ્કેલી
ગુજરાત ફેર પ્રાઇઝ શોપ (Fair Price Shop Association) એન્ડ કેરોસીન લાઇસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ (Prahlad Modi) રાશન વિતરણ વ્યવસ્થાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, રાશન વિતરણ માટે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી આધારિત વ્યવસ્થામાં સર્વર ધીમું ચાલતું (Ration Server Down) હોવાથી દુકાનદારો ગ્રાહકોને સમયસર રાશન આપી શકતા નથી.
સર્વર વારંવાર બંધ થઈ જવાથી ગ્રાહકોને દુકાનો પર રાહ જોવી પડે છે. તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં લોકો રાશન લેવા પહોંચતા હોવાથી સમસ્યા વધુ ગંભીર બની રહી હોવાનું એસોસિએશનનું કહેવું છે.
ગ્રાહકોને દુકાનદારો સાથે તકરાર ન કરવાની અપીલ
પ્રહલાદ મોદીએ રાશનકાર્ડ ધારકોને અપીલ કરી છે કે સર્વરની સમસ્યાને લઈને ફેર પ્રાઇઝ શોપના દુકાનદારો સાથે તકરાર ન કરે. તેમના જણાવ્યા મુજબ દુકાનદારો પોતાની તરફથી રાશન વિતરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ટેક્નિકલ સમસ્યાના કારણે પ્રક્રિયા અટકી જાય છે. તેમણે આ સમસ્યા માટે દુકાનદારોને જવાબદાર ન ગણતા સરકારની ટેક્નિકલ વ્યવસ્થામાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

CBDC વ્યવસ્થા વહેલી શરૂ કરવાની માગ
રાશન વિતરણને વધુ સરળ બનાવવા માટે એસોસિએશને 25 તારીખથી શરૂ થનારી CBDC વિતરણ વ્યવસ્થા તાત્કાલિક અમલમાં મૂકવાની માગ કરી છે. એસોસિએશનનું માનવું છે કે નવી વ્યવસ્થાથી હાલની મુશ્કેલીઓમાં ઘટાડો થઈ શકે છે અને ગ્રાહકોને રાશન મેળવવામાં સરળતા રહેશે.
ચણા, તુવેર દાળ અને તેલના જથ્થા અંગે પણ સવાલ
સર્વરની સમસ્યા ઉપરાંત તહેવારો નજીક હોવા છતાં કેટલાક ગોડાઉનમાં રાશનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાનો પણ એસોસિએશને આક્ષેપ કર્યો છે. ખાસ કરીને ચણા, તુવેર દાળ અને તેલનો જરૂરી જથ્થો સમયસર ન પહોંચ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સ્થિતિમાં એક તરફ સર્વરની સમસ્યા અને બીજી તરફ રાશનના જથ્થાની અછતને કારણે ગ્રાહકોને બેવડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
સરકાર તાત્કાલિક વ્યવસ્થા સુધારે તેવી માગ
ફેર પ્રાઇઝ શોપ એસોસિએશને સરકાર સમક્ષ સર્વરની ક્ષમતા વધારવા, ટેક્નિકલ સમસ્યાઓ દૂર કરવા તેમજ તહેવારો દરમિયાન જરૂરી રાશનનો જથ્થો સમયસર દુકાનો (Ration Shop Problem) સુધી પહોંચાડવાની માગ કરી છે.
પ્રહલાદ મોદીએ ચેતવણી આપી છે કે જો સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો એસોસિએશન દ્વારા આગામી સમયમાં આંદોલનનો માર્ગ અપનાવવામાં આવી શકે છે. તહેવારો દરમિયાન રાશનકાર્ડ ધારકોને અનાજ મેળવવામાં મુશ્કેલી પડે અથવા તેઓ રાશનથી વંચિત રહે તો તેની જવાબદારી સરકારની રહેશે તેમ તેમણે જણાવ્યું છે.
આ પણ વાંચો: રાજકોટમાં રાશનિંગની 5 દુકાનોને રૂ.8.20 લાખનો દંડ, જથ્થામાં વધઘટ સામે પુરવઠા વિભાગની કાર્યવાહી
આ પણ વાંચો: નાના-મોટા કામમાં આવશે જૂનું ટૂથબ્રશ…નકામું સમજીને ફેંકશો નહિં..જાણો એના વપરાશની ટિપ્સ…
આ પણ વાંચો: ગુજરાતમાં રાશન કાર્ડ માટે ‘ડિજિટલ કૂપન’ સિસ્ટમ લોન્ચ, હવે અનાજ માટે નહીં જોઈએ રોકડા
